મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક સામાન બળીને ખાખ, ફાયર ટીમે ગણતરીના સમયમાં આગ પર મેળવ્યો કાબૂ
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી એક મોબાઈલ શોપમાં આજે અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દુકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા સ્થાનિક વેપારીઓ અને લોકો દુકાનો બહાર દોડી આવ્યા હતા. માહિતી મુજબ મોબાઈલ એસેસરીઝ, ચાર્જર અને અન્ય ઈલેક્ટ્રોનિક સામાનના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. આગની જ્વાળાઓ જોઈ આસપાસના વેપારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને ગણતરીના સમયમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.
ફાયર વિભાગની સમયસૂચક કામગીરીને કારણે આગ બાજુની અન્ય દુકાનો સુધી ફેલાતી અટકી હતી અને મોટી હોનારત ટળી હતી. પ્રાથમિક તપાસ મુજબ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે. જોકે, આગમાં દુકાનમાં રાખવામાં આવેલા નવા મોબાઈલ ફોન, ચાર્જર અને અન્ય કિંમતી સામાન બળીને ખાખ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે દુકાનદારને મોટું આર્થિક નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. હાલ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના સચોટ કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Reporter: admin







