આગામી 11 મેના રોજ વડોદરા ખાતે યોજાનાર સરદાર ધામ સંકુલના ઉદ્ઘાટન પ્રસંગે દેશના વડાપ્રધાન Narendra Modi પધારવાના હોઈ શહેરનું વહીવટી અને પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે.

વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને આજે દિવાળીપુરા સ્થિત નવીન કલેક્ટર કચેરી ખાતે અગત્યની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં પોલીસ કમિશનર, જિલ્લા કલેક્ટર તેમજ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન વડાપ્રધાનના આગમન, કાર્યક્રમ સ્થળ, રૂટ વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ તેમજ સુરક્ષા વ્યવસ્થાને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.સૂત્રોના જણાવ્યા મુજબ શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બને તે માટે ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
કાર્યક્રમ સ્થળ તેમજ વડાપ્રધાનના રૂટ પર પોલીસ બંદોબસ્ત, ચેકિંગ ડ્રાઈવ અને સર્વેલન્સ વધારવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. વડાપ્રધાનના કાર્યક્રમને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં પહેલેથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ ટ્રાફિક વ્યવસ્થામાં અવરોધ ન સર્જાય તે માટે પણ તંત્ર દ્વારા વૈકલ્પિક આયોજન પર કામ ચાલી રહ્યું છે. વડાપ્રધાનના આગમનને પગલે સમગ્ર શહેરમાં રાજકીય તેમજ પ્રશાસનિક માહોલ ગરમાયો છે અને સુરક્ષા એજન્સીઓ દ્વારા દરેક મુદ્દે સતત નજર રાખવામાં આવી રહી છે.
Reporter: admin







