News Portal...

Breaking News :

દવાના ધંધામાં કોર્પોરેટ રાજ સામે નાના કેમિસ્ટનો બળવો, ફેડરેશનની નિષ્ફળતા સામે ખુલ્લો મોરચો

2026-05-09 11:17:22
દવાના ધંધામાં કોર્પોરેટ રાજ સામે નાના કેમિસ્ટનો બળવો, ફેડરેશનની નિષ્ફળતા સામે ખુલ્લો મોરચો


GSTથી ઓનલાઈન ફાર્મસી સુધીના મુદ્દે વડોદરાના કેમિસ્ટ આક્રમક; “રિટેઈલ કેમિસ્ટ બચશે તો જ જનતાને વિશ્વાસથી દવા મળશે”



20 મેના દેશવ્યાપી બંધથી દૂર રહી FGSCDA સામે સવાલોનો વરસાદ — ચેઇન સ્ટોર્સ, ગળાકાપ ડિસ્કાઉન્ટ અને ડુપ્લિકેટ દવાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉગ્ર બની 
વડોદરા: ઓનલાઈન ફાર્મસી અને ચેઇન સ્ટોર્સના વધતા પ્રભાવ સામે નાના અને મધ્યમ રિટેઈલ કેમિસ્ટોમાં અસંતોષ ઉગ્ર બન્યો છે. કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન, વડોદરાના પ્રમુખ અને CAIT ગુજરાતના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી મનીષ પટેલે જાહેર પ્રેસનોટ મારફતે જણાવ્યું હતું કે, 20 મે, 2026ના રોજ ઓનલાઈન પોર્ટલ વિરુદ્ધ જાહેર કરાયેલા દેશવ્યાપી બંધમાં તેઓ જોડાશે નહીં. તેમનો વિરોધ માતૃ સંસ્થા AIOCD સામે નહીં પરંતુ ગુજરાતના રિટેઈલ કેમિસ્ટોના પ્રશ્નો ઉકેલવામાં THE FGSCDA (ફેડરેશન ગુજરાત) ની સતત નિષ્ફળતા સામે હોવાનું જણાવ્યું હતું  કે GST 2.0 દરમિયાન ગુજરાતના રિટેઈલ કેમિસ્ટોને અંદાજે 220 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું, છતાં અસરકારક વળતર કે સુરક્ષા મળી નથી. ઉપરાંત એક્સપાયરી દવાઓમાં કપાત, ડેબિટ નોટ વિવાદ અને વિલંબિત સેટલમેન્ટને કારણે નાના કેમિસ્ટોને સતત આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે.સંસ્થાએ આરોપ લગાવ્યો હતો કે ચેઇન સ્ટોર્સ, ઓનલાઈન ફાર્મસી, ગળાકાપ ડિસ્કાઉન્ટ, હોસ્પિટલ ઇન-હાઉસ ફાર્મસી અને ડુપ્લિકેટ દવાઓ સામે અસરકારક કાર્યવાહી કરવામાં ફેડરેશન નિષ્ફળ રહ્યું છે. 

આ મુદ્દાઓને લઈ એસોસિએશને “એક દુકાન–એક લાયસન્સ” નીતિ, ઓનલાઈન ફાર્મસી ઉપર કડક કાયદાકીય નિયંત્રણ, 22 ટકા એક્સપાયરી નિયમનો સમગ્ર ગુજરાતમાં અમલ, ગેરકાયદેસર ડિસ્કાઉન્ટ બોર્ડ દૂર કરાવવા કાર્યવાહી તથા રિટેઈલ કેમિસ્ટ માટે Minimum Profit Protection Policy અમલમાં મૂકવાની માંગ કરી છે.આ ઉપરાંત રિટેઈલ કેમિસ્ટ માટે Legal & Emergency Support Cell ની રચના, એસોસિએશનની પારદર્શક ચૂંટણી અને રજિસ્ટર્ડ ટ્રસ્ટ હેઠળ કામગીરી ફરજિયાત બનાવવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે. હોસ્પિટલ ઇન-હાઉસ ફાર્મસીમાં “દવા અહીંથી ખરીદવી ફરજિયાત નથી” બોર્ડ લગાવવાની સરકારની સૂચનાનું પાલન થાય તેવી માંગ પણ કરવામાં આવી છે.મનીષ પટેલે જણાવ્યું હતું કે, આગામી એક મહિનામાં THE FGSCDA ઉપરોક્ત મુદ્દાઓ પર સ્પષ્ટ આયોજન, કાનૂની કાર્યવાહી અને ગ્રાઉન્ડ લેવલ પર અસરકારક કામગીરી શરૂ કરશે તો તેઓ જાહેર કરાયેલા એક દિવસના બદલે બે દિવસના બંધને સમર્થન આપવા તૈયાર રહેશે.અંતમાં તેમણે જણાવ્યું હતું કે, “રિટેઈલ કેમિસ્ટ બચશે તો જ જનતાને નજીકમાં વિશ્વાસપૂર્વક દવા મળશે. નાના કેમિસ્ટ માત્ર વેપારી નહીં પરંતુ દેશની આરોગ્ય વ્યવસ્થાનો સૌથી નજીકનો અને વિશ્વાસુ સૈનિક છે.”

Reporter: admin

Related Post