માફિયા તત્વો અને ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકનારાઓની હાજરીથી મતદાન પર ખતરો

વડોદરામાં ચૂંટણી પૂર્વે હિસ્ટ્રીશીટરો સામે કડક કાર્યવાહીની માંગ સાથે કલેક્ટરને અપાયેલું આવેદનપત્ર.
વડોદરા મ્યુનિસીપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ માટે પ્રચારના પડઘમ શાંત થયા છે, ત્યારે શહેરની શાંતિ અને નિષ્પક્ષ મતદાન સામે ગંભીર જોખમ હોવાની રજૂઆત કરવામાં આવી છે. વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા ગઈકાલે જિલ્લા ચૂંટણી અધિકારી અને પોલીસ કમિશનરને પત્ર લખીને આક્ષેપ કર્યો છે કે શહેરમાં માથાભારે હિસ્ટ્રીશીટરો અને ગેંગના સભ્યોની ખુલ્લેઆમ હાજરીને કારણે મુક્ત અને ન્યાયિક ચૂંટણી યોજવી અશક્ય છે.રજૂઆતમાં જણાવ્યા અનુસાર, વડોદરામાં આતંક ફેલાવતી કુખ્યાત 'બિચ્છુ ગેંગ'ના કેટલાક સભ્યો રાજકીય છત્રછાયા હેઠળ ચૂંટણી પ્રચારમાં સક્રિય હોવાની વિગતો મળી છે.
આ તત્વો દ્વારા ચોક્કસ વિસ્તારના મતદારોને ધાક-ધમકી આપી મતદાન કરતા રોકવાનું આયોજન કરવામાં આવ્યું હોવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને જે લોકો અગાઉ ગણેશ ચતુર્થી દરમિયાન ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકીને કોમી તોફાનો ભડકાવવાના પ્રયાસોમાં સામેલ હતા, તેઓ આજે નેતાઓ સાથે ઘરોબો રાખીને પ્રચારમાં ફરી રહ્યા છે.વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા પત્રમાં આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે અગાઉની ચૂંટણીઓમાં મતદાનના દિવસો પહેલા જ તમામ હિસ્ટ્રીશીટરોને રાઉન્ડ અપ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હતી, પરંતુ આ વખતે પ્રચાર પૂરો થયો ત્યાં સુધી આવા તત્વો બેરોકટોક ફરી રહ્યા છે. આ પરિસ્થિતિ રાજ્ય ચૂંટણી આયોગ અને પોલીસ તંત્રના ઈરાદાઓ સામે પણ સવાલ ઉભા કરે છે.સમિતિ દ્વારા માંગ કરવામાં આવી છે કે ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકનારા આરોપીઓ, બિચ્છુ ગેંગના સભ્યો અને શહેરના તમામ હિસ્ટ્રીશીટરોને તાત્કાલિક અસરથી રાઉન્ડ અપ કરવામાં આવે. જો આવા આસામાજિક તત્વો સામે કડક પગલાં લેવામાં નહીં આવે, તો સામાન્ય નાગરિકો ભયમુક્ત રીતે મતદાન કરી શકશે નહીં. આ મામલે રાજ્ય ચૂંટણી કમિશનર અને ઇન્ચાર્જ પોલીસ મહાનિર્દેશકને પણ જાણ કરવામાં આવી છે.
Reporter: admin







