News Portal...

Breaking News :

કાયદાની ઐસીતૈસી કરતા ઉમેદવારો અને કાર્યકરો

2026-04-25 11:36:18
કાયદાની ઐસીતૈસી કરતા ઉમેદવારો અને કાર્યકરો


તલવારો નીચેથી પસાર કરી ઉમેદવારોનું સ્વાગત !!
વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી કલ્પેશ પટેલ દ્વારા હથિયાર ધારા અને આચારસંહિતા હેઠળ ફરિયાદ..પોલીસ કમિશનરને પણ રજૂઆત

ભાજપનાં કાર્યકરો દ્વારા ફતેગંજમાં આચારસંહિતનો છડેચોક ભંગ.

ભાજપનાં ઉમેદવારોનાં સમર્થનમાં તલવારોનું નગ્ન પ્રદર્શન કરાયું.



પારદર્શક અને નિર્ભય ચૂંટણી કરવાની વાતો કરતું તંત્ર મૌન.
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં શુક્રવારે સાંજે 6 કલાકે પ્રચાર પડઘમ શાંત થવા જઈ રહ્યા હતા, ત્યારે ઉમેદવારો દ્વારા અંતિમ ઘડીનાં પ્રચારમાં લોકોને આકર્ષવા માટે અવનવા કરતબો કરવામાં આવી રહ્યા છે. જેમાં આદર્શ આચારસંહિતાનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું નથી કે પછી એવું કહી શકાય કે સરકાર પોતાની હોવાથી આચારસંહિતનો છડેચોક ભંગ કરવામાં આવી રહ્યો છે. આવો જ એક કિસ્સો આજે શહેરના વોર્ડ 3 માં સામે આવ્યો હતો. વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ કમિટીનાં જનરલ સેક્રેટરી કલ્પેશ પટેલે પોલીસ કમિશનરને પત્ર લખી રજુઆત કરી છે કે ફતેગંજ વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં નીકળેલા ભાજપનાં ઉમેદવારોનું સ્વાગત અનોખી રીતે કરવામાં સ્થાનિક કાર્યકરો આચારસંહિતા ભૂલી ગયા હતા. જોકે, આચારસંહિતા કોને કહેવાય તેનું તેમણે ભાન જ ન હોવાની સ્થાનિકોમાં પણ ચર્ચા ચાલી રહી છે. સ્થાનિક કાર્યકરો દ્વારા ઉમેદવારોનાં સ્વાગતમાં ખુલ્લા હથિયારોનું નગ્ન પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સ્થાનિક કાર્યકરો દ્વારા તલવારો અને ડાંગ સાથે કરવામાં આવેલા સ્વાગતનાં વિડીયો પર વાયરલ થયા છે. તેમ છતાં આદર્શ આચાર સંહિતાના નોડલ અધિકારીઓ દ્વારા કોઈ પગલાં લેવાની તસ્દી પણ લેવામાં આવી નથી. એટલું જ નહીં, આદર્શ આચારસંહિતાનું પાલન કરવાની ગુલબંગો પોકારતી શહેર પોલીસ પણ મુકપ્રેકક્ષક બની રહી છે. જો અન્ય કોઈ રાજકીય પક્ષ દ્વારા થવા અપક્ષ ઉમેદવાર દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હોય તો તેમની સામે તાત્કાલિક પોલીસ કેસ નોંધવામાં આવે અને તેની ધરપકડ પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, આદર્શ આચારસંહિતાનાં ભાગરૂપે ચૂંટણી જાહેર થાય તેની સાથે જ હથિયારનો પરવાનો હોય તો પણ હથિયાર નજીકના પોલીસ મથકમાં જમા કરાવવાના હોય છે.એક તરફ સમગ્ર શહેરમાં ભાજપનાં ઉમેદવારો, સમર્થકો અને પૂર્વ કાઉન્સિલરનો સતત વિરોધ થઈ રહ્યો છે. કેટલાક વિસ્તારમાં મતદારો તો કેટલાક વિસ્તારમાં ભાજપનાં જ કાર્યકરો દ્વારા ભાજપનાં ઉમેદવારોનો વિરોધ થયો છે. એવામાં હથિયારઓનું નગ્ન પ્રદર્શન કરીને ભાજપનાં કાર્યકરો દ્વારા મતદારોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં પારદર્શક અને નિર્ભય ચૂંટણી કરવાની વાતો કરતું શહેર અને જિલ્લાનું ચૂંટણી તંત્ર મોંઢા પર આંગળી મૂકી અને અદપ વાળીને બેસી રહ્યું છે. 



ભાજપનું પ્રચાર સાહિત્ય કચરામાં ફેંકાયું .
વોર્ડ 3માં ભાજપનાં ઉમેદવારોનો સતત વિરોધ થઈ રહ્યો છે. ખાસ કરીને હરણી વિસ્તારમાં તો ભાજપનાં કાર્યકરો પ્રચાર કરવા પણ પહોંચ્યા નથી. ત્યારે માત્ર દેખાડો કરવા માટે એક કાર્યાલય ખોલવામાં આવ્યું છે. બીજી તરફ આજે ભાજપનાં ઉમેદવારોનું પ્રચાર સાહિત્ય રોડ પર રખડતું અને કચરાના ઢગલામાં જોવા પડ્યું હતું. પ્રચાર સાહિત્ય કચરામાં, ખાલી કાર્યાલય અને વિસ્તારમાં પ્રચાર કરવા પણ ના આવવું તેજ બતાવે છે કે, ભાજપનાં ઉમેદવારો વિસ્તારના મતદારોથી કેટલા ગભરાય છે. 
ફતેગંજમાં રેલી દરમિયાન હથિયારનું ખુલ્લેઆમ પ્રદર્શન, આચાર સંહિતા ભંગના આક્ષેપ
વડોદરા મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી-2026નાં અંતિમ પ્રચાર દિવસે ફતેગંજ વિસ્તારમાં યોજાયેલી રેલી દરમિયાન હથિયારનાં ખુલ્લેઆમ પ્રદર્શનનો મુદ્દો સામે આવતા રાજકીય માહોલ ગરમાયો છે. વોર્ડ નં. 3ના કેટલાક ઉમેદવારો દ્વારા આદર્શ આચાર સંહિતાનો ભંગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.મળતી માહિતી અનુસાર તા. 24 એપ્રિલનાં રોજ યોજાયેલી રેલીમાં અંદાજે 15 થી 20 જેટલી તલવારો જાહેર માર્ગ પર પ્રદર્શિત કરવામાં આવી હતી અને ઉમેદવારોને આ તલવારોની નીચેથી પસાર કરાવવામાં આવ્યા હતા. ચૂંટણી દરમિયાન પોલીસ દ્વારા હથિયારો જપ્ત કરવાની પ્રક્રિયા અમલમાં હોય ત્યારે આવા પ્રદર્શનને લઈ અનેક સવાલો ઉભા થયા છે.આ મામલે રજૂઆતમાં જણાવાયું છે કે હથિયાર ધારાના ભંગ અંગે પોલીસ તાત્કાલિક પગલાં ભરે અને જવાબદારો સામે કાર્યવાહી કરે. સાથે જ ચૂંટણી પંચને પણ આદર્શ આચાર સંહિતાનું ચુસ્ત પાલન સુનિશ્ચિત કરવા વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી કલ્પેશ પટેલે પોલીસ કમિશનરને રજુઆત કરી દખલ કરવાની માંગ કરવામાં આવી છે.

Reporter: admin

Related Post