શહેરમાં ત્રણ દાયકાથી ભાજપનું શાસન : ટેકનોક્રેટ નેતાઓ પણ શહેરનો વિકાસ કરવામાં નિષ્ફળ રહ્યા
શહેરનાં વિકાસ અને કરોડોનાં વહીવટની જવાબદારી હવે, નિરક્ષરોના હાથમાં જશે... ટેગબલાઇન
ભાજપનાં કર્તાધરતાઓએ ઉમેદવારોની પસંદગીમાં દાટ વાળ્યો : ઓછું ભણેલા ઉમેદવારો પસંદગી પાછળનું ગણિત અલગ
કેટલાક ભ્રષ્ટ વિવાદીત પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેનોની નમો કમલમ ખાતે અવરજવર વધી ગઈ છે. પ્રમુખને ધીરે ધીરે સકંજામાં લઈ રહ્યા છે. કોઓર્ડીનેટરની એક નવી પોસ્ટ ઊભી કરી સંગઠનમાં ઘુસ મારવાની પેરવી ચાલી રહી છે.ભ્રષ્ટાચાર કરવા માટે એક નવી જગ્યા ઉભી કરવાની આયોજનપૂર્વકની ગોઠવણ કરાઈ રહી છે.સ્ટેન્ડિંગ કમિટીની ઉપર એક સ્ટિયરીંગ કમિટી ઊભી કરવાની વિચારણાં ચાલી રહી છે. 30 વર્ષનાં રાજમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થયો હોય તો ગત ટર્મમાં. આપણે સૌ જાણીએ છીએ કે ભ્રષ્ટાચાર માટે સૌથી વધારે જવાબદાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા તેમના તાબા હેઠળનાં સ્ટેન્ડિંગ સભ્યો. ઉચ્ચ લેવલની કમિટી જો મુકાય અને સ્વતંત્ર રીતે ફોરેન્સિક ઓડિટ થાય તો સ્માર્ટ સિટીનાં ગત ટર્મનાં સ્માર્ટ હોદ્દેદારો જેલ ભેગા થાય. અગાઉનાં સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન કે મેયર રહી ચૂક્યા હોય તેવા કોઈ ચતૂર-વિવાદિત નેતાને કોઈપણ રીતે ફરી "વહીવટ" કરવા પાલિકા કે સંગઠનમાં પ્રવેશ અપાય નહીં વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાં છેલ્લા ત્રણ દાયકાથી ભાજપનું બોર્ડ છે. જેમાં એક સમય એવો હતો કે, ભાજપના કાઉન્સિલરો દ્વારા શહેરના વિકાસની ચિંતા કરવામાં આવતી હતી. પરંતુ છેલ્લા બે દાયકામાં એક પણ કાઉન્સિલર કે હોદ્દેદાર દ્વારા શહેરનાં વિકાસની ચર્ચા તો દૂર પણ વિચાર પણ કરવામાં આવ્યો નથી. એટલું જ નહીં અનેક ટેકનોક્રેટ નેતાઓ અને હોદ્દેદારો આવ્યા પણ તેઓ પણ કોર્પોરેશનમાં રહીને શહેરનો વિકાસ કરી શક્યા નથી અથવા કર્યો નથી. હા, તેમનો વિકાસ જરૂર થયો છે. ત્યારે હાલની ચૂંટણીમાં ભાજપમાંથી ઉમેદવારી કરનાર ઓછા ભણેલા ઉમેદવારો શહેરના વિકાસનું વિચારશે કે નહીં તેજ મોટો પ્રશ્ન છે. શહેરમાં ત્રણ દાયકાથી ભાજપનું બોર્ડ છે અને આ વખતે પણ ભાજપને બહુમતી મળે અને ભાજપનું જ બોર્ડ બને તેવી શક્યતા નકારી શકાતી નથી. જોકે, ભાજપનાં જ પૂર્વ હોદ્દેદારો અને તેમના કડછા જેવા કાર્યકરો દ્વારા મજબૂત વિપક્ષ બનાવવા તેમજ યેન કેન પ્રકારે કોંગ્રેસને મત આપવા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેની સામે અત્યાર સુધી ભાજપ દ્વારા કોઈ સત્તાવાર પગલાં લેવામાં આવ્યા નથી. ત્યારે આ વખતે ભાજપનાં ઉમેદવારો પૈકી ઘણા બધા ઓછું ભણેલા છે. એવા સંજોગોમાં શહેરનો ભાર કોનાં માથે? શહેરનો વિકાસ કોણ કરશે તે પ્રશ્ન મતદારોને સતાવી રહ્યો છે. જો ટેકનોક્રેટ ભણેલા ગણેલા પીએચડી થયેલા, ડૉક્ટર, શિક્ષક જેવા કાઉન્સિલર અને હોદ્દેદારો શહેરનો વિકાસ કરવામાં નિષ્ફળ ગયા છે, ત્યારે કોલેજનો ઓટલો નહીં ચડેલા ઉમેદવારો અને ભવિષ્યનાં કાઉન્સિલર શું કરશે તેનો જવાબ કોણ આપશે?કોર્પોરેશનનાં અનેક વોર્ડ એવા છે, જેમાં ભાજપ દ્વારા ધો. 7 પાસને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે કેટલાક વોર્ડ એવા છે, જેમાં 2026માં ઉમેદવારોની પસંદગી માટે બનાવવામાં આવેલા ભાજપના જ નિયમો નેવે મૂકીને ટિકિટ આપવામાં આવી છે. એવા સંજોગોમાં ભાજપના શહેરના પ્રમુખ ડો. જયપ્રકાશ સોની, તેમના સાથીઓ, નેતાઓ, પ્રદેશના નેતાઓ દ્વારા ઉમેદવારોની પસંદગીમાં શું ભણતરને લાયકાત ગણવામાં નથી આવી તે સ્પષ્ટ દેખાય છે. મતદારોએ ઉમેદવારોને જોવા, તેમનું ભણતર જોવું, તેમની સંપત્તિ જોવી, ઉમેદવાર પોતાના વિસ્તારનો વિકાસ કરવામાં સક્ષમ છે તે જોવું કે પછી માત્ર રાજકીય પક્ષને જોઈને મત આપવો તે તો હવે મતદારોએ જ નક્કી કરવાનું છે. હાલની ચૂંટણીમાં રાજકીય તજજ્ઞોનું આંકલન છેકે, ભાજપનું બોર્ડ બનશે. ત્યારે શહેરમાં ભાવીમેયર, ડે. મેયર. સ્થાયી સમિતિનાં અધ્યક્ષ સહિતનાં નામોની ચર્ચા શરૂ થઈ ગઈ છે. જે તમામ નામો લગભગ લગભગ ઓછું ભણેલા જ છે. ત્યારે શહેરનો કરોડનો વહીવટ કોના હાથમાં રહેશે તે પણ એક પ્રશ્ન છે. કોર્પોરેશનની વેરાની આવક ઉપરાંત, બોન્ડની આવક, રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ, રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાની ગ્રાન્ટ, સ્વર્ણિમ યોજનાની ગ્રાન્ટ સહિત અનેક ગ્રાન્ટમાંથી આવતા કરોડો રૂપીયાનો વહીવટ હવે ઓછું ભણેલા હાલનાં ઉમેદવાર અને કોર્પોરેશનનાં ભવિષ્યનાં હોદ્દેદારોનાં હાથમાં જ આવશે તે નક્કી છે. પરંતુ તેનું સંચાલન ક્યાંથી અને કોણ કરશે અને ગ્રાન્ટમાંથી શહેરનો વિકાસ થશે કે પછી અન્ય કોઈ વ્યક્તિનો તે તો આવનારો સમય જ બતાવશે.
કોર્પોરેશનનું સંચાલન હવે, ભાજપનું સંકલન કરશે
સામાન્ય રીતે ભાજપનાં પ્રોટોકોલ પ્રમાણે સ્થાયી સમિતિની બેઠક પહેલા ભાજપ કાર્યાલય ખાતે સંકલનની બેઠક મળે છે. જે બેઠકમાં સ્થાયી સમિતિનાં ચેરમેન અને તમામ સભ્યો ઉપરાંત શહેર પ્રમુખ અને શહેર મહામંત્રી હાજર રહેતા હોય છે. જે બેઠકમાં સ્થાયી સમિતિનાં તમામ એજન્ડાની ચર્ચા કરવામાં આવે છે. જે બેઠકમાં લેવાયેલા નિર્ણયનાં આધારે જ સ્થાયી સમિતિમાં અંતિમ નિર્ણય લેવામાં આવતો હોય છે. ત્યારે સમજી શકાય કે ભાજપનાં સંગઠનનાં હોદ્દેદારોને શેમાં રસ રહેશે. જોકે, કેટલીક વખત સંકલનમાં વિરોધ થાય તો અથવા સ્થાયીની બેઠકમાં પણ નિર્ણય બદલાઈ જતાં હોય છે. જોકે, તેની માટે સક્ષમ વ્યક્તિની જરૂર પડતી હોય છે, પરંતુ આ વખતે ઓછું ભણેલા હોદ્દેદારોનાં કારણે સ્થાયી સમિતિ પર તેમજ શહેરના વિકાસ પર સંપૂર્ણ પણે ભાજપની સંકલનનું જ વર્ચસ્વ હશે તે લગભગ નક્કી છે.
ઓછું ભણેલા-બીન ગ્રેજ્યુએટ ઉમેદવારો પર સવાલો: શહેરનું સંચાલન કેવી રીતે?
શહેર ભાજપનાં કાર્યકર્તાઓમાં ચર્ચા ચાલી રહી છે કે વિશ્વની સૌથી મોટી પાર્ટીમાં શું શિક્ષિત અને ભણેલા કાર્યકર્તાઓની અછત છે? જેથી સાત ધોરણથી બાર ધોરણ સુધી ભણેલા કોલેજ જવાને નિષ્ફળ રહેલા ઉમેદવારોને ટિકિટ આપવાનો વારો આવ્યો છે? આવા ઉમેદવારો વડોદરા સ્માર્ટ સિટીનું સંચાલન કેવી રીતે કરશે? મહાનગરપાલિકાનું બજેટ, રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની ગ્રાન્ટ સહિત વિવિધ નાણાકીય ફાળવણીનું સંચાલન તેઓ કેવી રીતે કરશે, તે અંગે પણ કાર્યકર્તાઓમાં ચર્ચા અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.અગાઉનાં કોર્પોરેટરોએ શહેરના વિકાસ કરતાં પોતાનો વધુ વિકાસ કર્યો હતો; તેવી જ રીતે આગામી પાંચ વર્ષમાં ભાવિ કોર્પોરેટરો પણ એ જ માર્ગ અપનાવે તો નવાઈ નહીં.
શહેર પ્રમુખ બનતા જ નવી નક્કોર કાર મળી.
શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોની કેન્દ્ર સરકારનાં શિક્ષણ વિભાગ સંચાલિત સેન્ટ્રલ યુનિ. નોકરી કરતાં હતા. જ્યાં તેમનો પગાર એક મહિનાનો લગભગ દોઢ લાખ રૂપિયા જેટલો હતો. તે સમયે તેઓ નવી કાર લઈ શક્યા ન હતા. પરંતુ ભાજપ પ્રમુખ બનવા માટે તેમને તે સારા પગારની નોકરી છોડવાની ફરજ પડી હતી. ભાજપનાં દેવદુર્લભ કાર્યકરોમાં ચાલતી ચર્ચા અનુસાર સંઘ દ્વારા પ્રમુખને કહેવામાં આવ્યું હતું કે, તમે સંગઠન જુઓ.નોકરી છોડ્યા બાદ ભાજપ પ્રમુખ બનતા જ નવી નક્કોર કાર મળી હતી ! ત્યારે હવે, આવનાર સમયમાં દાતાઓ તેમને શું શું ભેટ આપશે તે તો આવનારો સમય જ બતાવશે.
Reporter: admin







