ગુજરાતમાં ઉનાળાએ હવે આકરો મિજાજ ધારણ કર્યો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન સતત વધી રહ્યું છે અને હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે 13 જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી જાહેર કરી છે.
અમદાવાદમાં મંગળવારે તાપમાનનો પારો 44.4 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો, જે આ સિઝનનું અત્યાર સુધીનું સૌથી ઊંચું તાપમાન નોંધાયું છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના સુરતમાં સિવિયર હીટવેવની સ્થિતિ સર્જાઈ છે. ઉપરાંત સુરેન્દ્રનગર, કેશોદ, કંડલા એરપોર્ટ અને દીવમાં પણ હીટવેવની અસર નોંધાઈ રહી છે. અમદાવાદમાં નોંધાયેલું 44.4 ડિગ્રી તાપમાન સામાન્ય કરતા 2.8 ડિગ્રી વધુ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.આગામી દિવસોમાં બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ અને વડોદરા જિલ્લામાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે સાથે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગરમીનું મોજું યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.
ગરમીની તીવ્રતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે લોકોને બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવા, પૂરતું પાણી પીવા અને સૂર્યપ્રકાશથી બચવા માટે ખાસ તકેદારી રાખવા સૂચના આપી છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને બહાર કામ કરતા લોકો માટે વધુ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.એક તરફ રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે બીજી તરફ ચોમાસા અંગે પણ મહત્વપૂર્ણ સંકેતો મળી રહ્યા છે. હવામાન વિભાગ મુજબ સપ્તાહના અંત સુધીમાં દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર અને આંદામાન-નિકોબાર ટાપુઓના કેટલાક વિસ્તારોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆત માટે અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. જોકે ગુજરાતમાં હાલ વરસાદની કોઈ શક્યતા નથી અને આગામી સાત દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વાતાવરણ સુકું જ રહેશે.
Reporter: admin







