News Portal...

Breaking News :

AMCનો ઈંધણ ખર્ચ વર્ષે 16 કરોડને પાર, હવે ડિજિટલ મીટિંગ્સ પર ભાર

2026-05-13 10:49:12
AMCનો ઈંધણ ખર્ચ વર્ષે 16 કરોડને પાર, હવે ડિજિટલ મીટિંગ્સ પર ભાર


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી ઈંધણ બચત માટે વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન મીટિંગ્સ, મેટ્રો અને જાહેર પરિવહનના વધુ ઉપયોગની અપીલ કર્યા બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પણ ઈંધણ વપરાશ ઘટાડવા માટે ડિજિટલ વ્યવસ્થાઓ તરફ આગળ વધી રહ્યું છે. 


AMCમાં હવે ઓનલાઈન મીટિંગ્સ અને કાર પુલિંગ જેવા વિકલ્પોને પ્રાથમિકતા આપવાની ચર્ચા તેજ બની છે. AMCના સેન્ટ્રલ વર્કશોપમાં કોર્પોરેશનના વિવિધ વિભાગોના વાહનોમાં રોજિંદું પેટ્રોલ અને ડીઝલ ભરવામાં આવે છે. વિભાગીય માહિતી મુજબ દરરોજ સરેરાશ 100 લિટર પેટ્રોલ અને 5000 લિટર ડીઝલનો વપરાશ થાય છે. એટલે કે કુલ 5100 લિટર ઈંધણનો રોજ વપરાશ નોંધાઈ રહ્યો છે. આ આંકડાઓ પ્રમાણે વર્ષે અંદાજે 36 હજાર લિટર પેટ્રોલ અને 18 લાખ લિટર ડીઝલ વપરાય છે. ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન AMCને બલ્ક દરે પેટ્રોલ પ્રતિ લિટર રૂ.92 અને ડીઝલ રૂ.90ના દરે સપ્લાય કરે છે. તેના આધારે માત્ર પેટ્રોલ પાછળ વર્ષે રૂ.33.12 લાખ અને ડીઝલ પાછળ આશરે રૂ.16.20 કરોડનો ખર્ચ થાય છે. 


આમ AMCનો કુલ વાર્ષિક ઈંધણ ખર્ચ રૂ.16.53 કરોડને પાર પહોંચી રહ્યો છે. AMC દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં CNG અને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. અનેક વાહનોને CNG આધારિત બનાવવામાં આવ્યા છે અને EV વાહનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. છતાં મોટરકારો અને ભારે વાહનોમાં પેટ્રોલ-ડીઝલ પરની નિર્ભરતા હજુ પણ નોંધપાત્ર છે.કોર્પોરેશનના વિવિધ વિભાગોમાં આઉટસોર્સ વાહનોનો પણ વ્યાપક ઉપયોગ થાય છે, જેના માટે પ્રતિ કિલોમીટરના આધારે ચૂકવણી કરવામાં આવે છે. પરિણામે ઈંધણ ખર્ચ સિવાય વાહન વ્યવસ્થાપનનો ખર્ચ પણ વધી રહ્યો છે.વહીવટી સ્તરે જો ઓનલાઈન મીટિંગ્સ, કાર પુલિંગ અને જાહેર પરિવહનનો વધુ ઉપયોગ અમલમાં મૂકવામાં આવે તો AMCના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો શક્ય બની શકે છે. સાથે સાથે ઈંધણ બચત અને પ્રદૂષણ નિયંત્રણમાં પણ મદદ મળી શકે છે.

Reporter: admin

Related Post