દેશના બહુમૂલ્ય વિદેશી હૂંડિયામણને બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ સંયમપૂર્વક કરવા અપીલ કરી છે.
આ અપીલ વચ્ચે ગુજરાતના વાહનવ્યવહારના આંકડાઓ ચોંકાવનારી હકીકત સામે લાવે છે. રાજ્યમાં પેટ્રોલ આધારિત વાહનોની સંખ્યા સતત વધી રહી છે અને સૌથી વધુ ભાર અમદાવાદ શહેર પર જોવા મળી રહ્યો છે.ટ્રાન્સપોર્ટ વિભાગના આંકડાઓ મુજબ અમદાવાદ શહેરમાં કુલ 49.72 લાખ વાહનો નોંધાયેલા છે. તેમાંમાંથી 35.96 લાખ વાહનો માત્ર પેટ્રોલ આધારિત છે. એટલે કે શહેરના રસ્તાઓ પર દોડતા 72 ટકાથી વધુ વાહનો સીધા પેટ્રોલ પર નિર્ભર છે. રાજ્યમાં સૌથી વધુ ઈધણનો વપરાશ પણ અમદાવાદમાં જ નોંધાયો હોવાનું સામે આવ્યું છે.સમગ્ર ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં અંદાજિત 2.84 કરોડ વાહનો નોંધાયેલા છે, જેમાંથી 2.09 કરોડ વાહનો પેટ્રોલ પર ચાલે છે. આટલી મોટી સંખ્યામાં પેટ્રોલ આધારિત વાહનો ભવિષ્યમાં દેશના ઈધણ આયાત ખર્ચમાં ભારે વધારો કરી શકે છે.
માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સુરત, વડોદરા અને રાજકોટમાં પણ પેટ્રોલ વાહનોનું પ્રભુત્વ વધી રહ્યું છે. સુરતમાં કુલ 31.99 લાખ વાહનોમાંથી 24.48 લાખ પેટ્રોલ વાહનો છે. જ્યારે વડોદરા અને રાજકોટમાં સરેરાશ 14 થી 15 લાખ જેટલા વાહનો પેટ્રોલ આધારિત હોવાનું જાણવા મળે છે. બીજી તરફ વિકલ્પરૂપ ઈંધણવાળા વાહનોની સ્થિતિ હજુ પણ મર્યાદિત છે. રાજ્યમાં ડીઝલ વાહનોની સંખ્યા 41.80 લાખ છે, જ્યારે પેટ્રોલ-સીએનજી હાઈબ્રિડ વાહનો 18.22 લાખ સુધી પહોંચ્યા છે. સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સબસિડી અને વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હોવા છતાં ગુજરાતમાં ઈવી વાહનોની સંખ્યા માત્ર 2.33 લાખ સુધી જ સીમિત રહી છે.વધતા પેટ્રોલ વાહનોના કારણે ઈંધણ વપરાશ, પ્રદૂષણ અને આયાત ખર્ચ અંગે નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આગામી સમયમાં જાહેર પરિવહન, સીએનજી અને ઇલેક્ટ્રિક વાહનો તરફ લોકો વળે તે માટે વધુ અસરકારક નીતિઓની જરૂરિયાત ઉભી થઈ રહી છે.
Reporter: admin







