ક્યારેય ચૂંટણી ન ચૂકી; નાગરિકોને મતદાન કરવા અપીલ, ઇતિહાસ સાથે જોડાયેલી યાદો તાજી
વડોદરાની ૧૦૪ વર્ષીય સવિતા બા પરિવાર સાથે મતદાન માટે તૈયાર, યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત
વડોદરાની ૧૦૪ વર્ષીય સવિતા મંગળદાસ શાહ, જેઓને સૌ પ્રેમથી ‘સવિતા બા’ તરીકે ઓળખે છે, ફરી એકવાર નગરપાલિકા ચૂંટણીમાં મતદાન કરવા માટે ઉત્સાહભેર તૈયાર છે. તેમની અડગ ઈચ્છાશક્તિ અને લોકશાહી પ્રત્યેની લાગણી આજે પણ યુવાનો માટે પ્રેરણારૂપ બની રહી છે. પરિવારજનો સાથેની વાતચીત દરમિયાન તેમણે સ્પષ્ટ જણાવ્યું કે, દરેક નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જ જોઈએ.સવિતા બા ક્યારેય કોઈ ચૂંટણી ચૂકી નથી. તેઓ કહે છે કે મતદાન માત્ર અધિકાર જ નહીં, પરંતુ નાગરિક તરીકેની ફરજ પણ છે.
તેજસ્વી સ્મૃતિ અને હંમેશા સ્મિતભરેલા ચહેરા સાથે તેઓ આજે પણ ઉત્સાહથી મતદાન કરવા માટે તૈયાર છે. પરિવારજનો પણ તેમની આ ભાવનાને બિરદાવે છે.તેમનું જીવન ઇતિહાસ સાથે જીવંત જોડાણ ધરાવે છે. સવિતા બાએ શાળાના સમયનો પ્રસંગ યાદ કરતા જણાવ્યું કે તેઓ મહાત્મા ગાંધી સાથે મળ્યા હતા. સાથે જ દાંડી યાત્રા પસાર થતી જોઈ હોવાનો અનુભવ પણ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત ઐતિહાસિક ગોલ્ડન બ્રિજના ઉદ્ઘાટન પ્રસંગમાં હાજરી આપવાનો ગૌરવ પણ તેમને પ્રાપ્ત થયો હતો.સરળ અને નિયમિત જીવન જીવતી સવિતા બા રોજ ધાર્મિક ગ્રંથોનું વાંચન અને પ્રાર્થના કરે છે. તેમના રમૂજી અને મીઠા સ્વભાવને કારણે તેઓ દરેક વયના લોકોમાં પ્રિય છે. મંજલપુર વિસ્તારમાં પોતાની દીકરી યોગિની શાહ સાથે રહેતી સવિતા બા પરિવાર અને પાડોશમાં સકારાત્મકતા ફેલાવે છે.તેમની ઊર્જા અને નાગરિક ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતા સમાજ માટે એક મજબૂત સંદેશ આપે છે — “મતદાન કરો, અવશ્ય કરો.” તેમની આ લાગણી યુવાનોને લોકશાહી પ્રત્યે જાગૃત બનાવે છે અને મતદાન પ્રત્યે પ્રેરિત કરે છે.
Reporter: admin







