સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ 2026’ અંતર્ગત આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ખાતે સ્વાભિમાન પર્વમાં હાજરી આપશે.
આ પ્રસંગે તેઓ મંદિરના 90 મીટર ઊંચા શિખર પર 11 પવિત્ર તીર્થોના જળથી કુંભાભિષેક કરશે. વિશાળ કળશને મંદિરના શિખર સુધી પહોંચાડવા માટે 300 ટન ક્ષમતા ધરાવતી ક્રેનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.કાર્યક્રમ દરમિયાન 51 બ્રાહ્મણો દ્વારા અતિરૂદ્દ પાઠ અને વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવશે. ત્રણ દિવસીય મહારૂદ્ર યજ્ઞમાં કુલ 1.25 લાખ આહુતિઓ અપાશે. વડાપ્રધાન મોદી યજ્ઞમાં બિડું હોમી ધાર્મિક વિધિમાં પણ ભાગ લેશે. આ સાથે ભારતીય વાયુસેનાની પ્રખ્યાત ‘સૂર્યકિરણ’ એરોબેટિક ટીમ દ્વારા આકાશમાં હવાઈ કરતબો રજૂ કરવામાં આવશે. 6 હોક MK-132 વિમાનો સાથે યોજાનારો એર શો પણ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બનશે.
વડાપ્રધાન મોદી ગઈકાલે જામનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભવ્ય રોડ શો કરીને જનતાનું અભિવાદન સ્વીકાર્યું હતું. આજે સોમનાથ ખાતેના કાર્યક્રમ બાદ તેઓ સાંજે આશરે 5:30 વાગ્યે વડોદરા પહોંચશે. એરપોર્ટથી સીધા સરદારધામ પહોંચીને તેઓ સરદારધામ-3નું લોકાર્પણ કરશે.સરદારધામ ખાતે પાટીદાર સમાજ દ્વારા વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને તેમને ‘સરદાર ગૌરવ રત્ન’ એવોર્ડ એનાયત કરાશે. ત્યારબાદ વડાપ્રધાન સભાને સંબોધિત કરશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ હરણી ગડા સર્કલથી એરપોર્ટ સુધી ભવ્ય રોડ શો યોજાશે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી શક્યતા છે.
Reporter: admin







