વડોદરા શહેરના વાઘોડિયા ચોકડી નજીક એલ એન્ડ ટી કંપની પાસે નિર્મિત સરદારધામની અતિ આધુનિક હોસ્ટલનું આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે.
સાંજે 5:30 થી 7:00 દરમિયાન યોજાનારા આ ભવ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહેશે. સરદારધામ સહિત પાટીદાર સમાજની આઠ સંસ્થાઓ દ્વારા વડાપ્રધાન મોદીને 250 ગ્રામ સોનાથી બનેલા ‘સરદાર ગૌરવ રત્ન એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવશે. સરદારધામ દ્વારા પ્રથમ વખત આ એવોર્ડ એનાયત કરવામાં આવી રહ્યો છે. સરદારધામના પ્રમુખ ગગજી સતરિયાએ જણાવ્યું હતું કે, સરદાર પટેલના અધૂરા સપનાઓને સાકાર કરવાની દિશામાં વડાપ્રધાન મોદીએ મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે, તેથી સમાજ માટે આ ગૌરવની ક્ષણ છે.
તેમણે જણાવ્યું કે, અયોધ્યામાં રામ મંદિર નિર્માણ, કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવી અને ત્રિપલ તલાક વિરોધી કાયદા જેવા નિર્ણયો દેશના ઇતિહાસમાં મહત્વપૂર્ણ ગણાશે. સાથે જ સરદારધામ યુવાનોને શિક્ષણ અને સંસ્કાર માટે આશીર્વાદરૂપ બનશે.વાઘોડિયા ચોકડી ખાતે પ્રથમ તબક્કામાં અંદાજે 150 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત ડો. દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલમાં આશરે 2 હજાર દીકરા-દીકરીઓ માટે આધુનિક નિવાસ અને શૈક્ષણિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. કાર્યક્રમ માટે વિશાળ ડોમ, એલઇડી સ્ક્રીન અને બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આજે યોજાનારી સભામાં 25 હજારથી વધુ પાટીદારો ઉપસ્થિત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
Reporter: admin







