સોમનાથઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન આજે સોમનાથ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભવ્ય રોડ-શો કરીને જનતાનું અભિવાદન સ્વીકાર્યું હતું.

આશરે 2 કિલોમીટર લાંબા રોડ-શોમાં કાળઝાળ ગરમી છતાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને સમગ્ર શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. રોડ-શો દરમિયાન વડાપ્રધાન મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ખુલ્લી જીપમાં હાજર રહ્યા હતા. માર્ગ પર લોકો દ્વારા ફૂલવર્ષા અને જયઘોષ સાથે વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રોડ-શો પૂર્ણ થયા બાદ વડાપ્રધાન મોદી સોમનાથ મહાદેવ મંદિરે પહોંચ્યા હતા, જ્યાં તેમણે દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી વિશેષ પૂજા-અર્ચના કરી હતી.

શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે પીએમ મોદીએ પવિત્ર જળથી મહાદેવનો જળાભિષેક કર્યો હતો અને લોકકલ્યાણ તથા દેશની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.‘સોમનાથ અમૃતપર્વ’ના પાવન અવસરે મંદિર પરિસરમાં ભક્તિમય અને આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો. પૂજા દરમિયાન સમગ્ર મંદિર પરિસર શિવમય બની ગયું હતું. આ ઉપરાંત ઉત્તરાખંડથી આવેલા ભૈરવનાથ ડમરુ મંડળના યુવાનોએ રોડ-શો દરમિયાન રથ આગળ ડમરુનાદ કરીને કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ ઉમેર્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તો અને સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

Reporter: admin







