News Portal...

Breaking News :

TP-13 વિસ્તારમાં ગંદુ પાણી સપ્લાયથી લોકો પરેશાન, એક વર્ષથી સમસ્યા યથાવત

2026-04-23 11:51:58
TP-13 વિસ્તારમાં ગંદુ પાણી સપ્લાયથી લોકો પરેશાન, એક વર્ષથી સમસ્યા યથાવત


જૂની પાઇપલાઇનમાં વારંવાર લીકેજ; શરૂઆતના મિનિટોમાં ગટર મિશ્રિત પાણી આવતાં સ્વાસ્થ્ય જોખમ



ગંદુ પાણી આવતા રહીશો વારંવાર ટાંકી સાફ કરાવવા મજબૂર, તંત્ર સામે આક્રોશ
વડોદરા શહેરના વોર્ડ નંબર 1 હેઠળ આવતા TP-13 વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી આ સમસ્યાને કારણે રહીશો શુદ્ધ પાણી માટે વલખાં મારી રહ્યા છે. ગઈ કાલે સ્થાનિક લોકો દ્વારા ફરી એકવાર તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.સ્થાનિક રહીશ ના જણાવ્યા મુજબ TP-13 વિસ્તારમાં આવેલી મુખ્ય પાણીની પાઇપલાઇન ખૂબ જ જૂની અને ખરાબ હાલતમાં છે. આ પાઇપલાઇનમાં વારંવાર લીકેજ થવાને કારણે પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી ભળી જાય છે. ખાસ કરીને પાણી સપ્લાય શરૂ થતાં પહેલા 5 થી 7 મિનિટ સુધી નળમાં ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવે છે, ત્યારબાદ પાણી થોડું ચોખ્ખું થાય છે. 


આ સ્થિતિ લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઉભો કરી રહી છે.આ સમસ્યા અંગે વિસ્તારના કોર્પોરેટરથી લઈને ગાંધીનગર સુધી અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી છે. અધિકારીઓએ સ્થળ મુલાકાત પણ લીધી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. રહીશોનો આક્ષેપ છે કે માત્ર અંદાજે 30 મીટર જેટલી પાઇપલાઇન બદલવાથી સમસ્યાનો ઉકેલ આવી શકે છે, છતાં તંત્ર આ કામ કરવા આગળ આવી રહ્યું નથી.હાલ પરિસ્થિતિ એવી છે કે રહીશોએ પોતાના ખર્ચે પાણીની ટાંકીઓ વારંવાર સાફ કરાવવી પડે છે, જેના કારણે આર્થિક બોજ વધ્યો છે. સાથે જ ગંદુ પાણી પીવાના કારણે બીમારીઓ ફેલાવાનો ભય પણ સતત રહે છે.તંત્રની ઉદાસીનતા સામે વિસ્તારમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. રહીશો દ્વારા ચીમકી આપવામાં આવી છે કે જો તાત્કાલિક પાઇપલાઇન બદલવાની કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હવે જોવાનું રહ્યું કે તંત્ર લોકોની આ સમસ્યાને કેટલા ઝડપથી ઉકેલે છે.

Reporter: admin

Related Post