જીત માટે ‘જે કરવું હોય તે કરો’નો સંદેશ — જાહેર મંચ પરથી બળપ્રયોગને પ્રોત્સાહનનો આરોપ
થુવાવીની સભામાં ઉશ્કેરણીજનક ભાષણ વાયરલ; ચૂંટણી પંચ અને તંત્ર સામે પડકાર, રાજકીય માહોલ તંગ.
ચૂંટણી ટાણે ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાની દબંગગીરી, કાર્યકરોને 'બધી છૂટ છે, જે કરવું હોય તે કરો'ના આહ્વાનથી રાજકીય ગરમાવો
ડભોઈ વિધાનસભા બેઠકના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે. થુવાવી ખાતે યોજાયેલી પ્રદેશ પ્રમુખની જાહેર સભામાં કાર્યકરોને સંબોધતા સોટ્ટાએ જે રીતે 'બધી છૂટ છે'ના નારા સાથે દબંગગીરી કરી છે, તેણે વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ સામે મોટો પડકાર ઉભો કર્યો છે.થુવાવી ગામમાં ભાજપના પ્રદેશ પ્રમુખની હાજરીમાં એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ હાજર હતા. મંચ પરથી સંબોધન કરતા ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ શિસ્તના બદલે આક્રમક અને વિવાદાસ્પદ શૈલી અપનાવી હતી.તેમણે કાર્યકરોને ઉશ્કેરતા હોય તેમ જણાવ્યું હતું કે હવે ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે.
13 તારીખે ડભોઈમાં જે કંઈ બબાલ થઈ હતી, તેમાં મેં કોઈ કાર્યકરને આંચ આવવા દીધી નથી. હું અહીં બેઠો છું, તમારે જે કંઈ કરવું હોય તે કરવાની છૂટ છે.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કોઈ પણ સંજોગોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ ઉમેદવારોને જીતાડવાના છે. "તમને જે બળપ્રયોગ કે જે પદ્ધતિ યોગ્ય લાગે તે કરવાની છૂટ છે, હું તમારી પાછળ ઊભો છું."સોટ્ટાની આ દબંગ સ્ટાઈલનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. કોઈ જવાબદાર ધારાસભ્ય જાહેર મંચ પરથી કાર્યકરોને 'બધી છૂટ' આપવાની વાત કરે, ત્યારે તે કાયદો અને વ્યવસ્થાની મજાક સમાન ગણાય. શૈલેષ સોટ્ટાના આ નિવેદનથી એવો સંકેત મળે છે કે સત્તાના નશામાં નેતાઓ કાયદાને ખિસ્સામાં રાખીને ફરે છે.
Reporter: admin







