News Portal...

Breaking News :

મરીમાતાના ખાંચામાં જર્જરિત બિલ્ડીંગનો ભાગ ધરાશાયી, આડેધડ પાર્કિંગથી ફાયર બ્રિગેડ અટવાઈ

2026-05-10 16:07:20
મરીમાતાના ખાંચામાં જર્જરિત બિલ્ડીંગનો ભાગ ધરાશાયી, આડેધડ પાર્કિંગથી ફાયર બ્રિગેડ અટવાઈ

વડોદરા શહેરના મરીમાતાના ખાંચા વિસ્તારમાં રવિવારે મોટી દુર્ઘટના ટળી હતી. 

મોબાઇલ એસેસરીઝના ધમધમતા બજારમાં આવેલી મધ્યવર્તી સ્કૂલ પાછળની એક જર્જરિત બિલ્ડીંગનો આગળનો ભાગ અચાનક ધરાશાયી થતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નહોતી.સ્થાનિકોના જણાવ્યા મુજબ બિલ્ડીંગના નીચેના ભાગમાં રહેતા ભાડૂત દ્વારા ગઈકાલે બોરિંગની કામગીરી કરાવવામાં આવી હતી. બોરિંગ દરમિયાન થયેલા ભારે વાઇબ્રેશનના કારણે પહેલેથી જ નબળું પડી ચૂકેલું માળખું વધુ જોખમી બનતા આજે તેનો ભાગ તૂટી પડ્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી, પરંતુ મરીમાતાના ખાંચામાં બારેમાસ રહેતી આડેધડ પાર્કિંગની સમસ્યાના કારણે ફાયર બ્રિગેડનું વાહન અંદર પ્રવેશી શક્યું નહોતું. પરિણામે ફાયર બ્રિગેડની ગાડીને બહાર જ ઉભી રાખવી પડી હતી અને કર્મચારીઓએ પગપાળા અંદર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી.ભરચક જાહેર અવરજવર ધરાવતા વિસ્તારમાં બિલ્ડીંગનો ભાગ ધરાશાયી થતા મોટી જાનહાનીની ભીતિ સર્જાઈ હતી. જોકે સમયસર કાર્યવાહી થતાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો. ફાયર બ્રિગેડ દ્વારા બિલ્ડીંગમાં રહેતા લોકોને તાત્કાલિક બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.સાથે જ નિર્ભયતા વિભાગ તેમજ જીઇબી વિભાગને પણ ઘટનાની જાણ કરવામાં આવી છે. સ્થાનિકોમાં આડેધડ પાર્કિંગ અને જર્જરિત બિલ્ડીંગોને લઈને તંત્ર સામે રોષની લાગણી જોવા મળી

.

Reporter: admin

Related Post