News Portal...

Breaking News :

વોર્ડ નં. 17માં ચૂંટણી પ્રચારમાં રોકડાનાં મામલે ભડકો: ભાજપનાં ઉમેદવારે હાથ અદ્ધર કરી દેતા મહિલા કાર્યકરોમાં રોષ

2026-04-24 12:26:47
વોર્ડ નં. 17માં ચૂંટણી પ્રચારમાં રોકડાનાં મામલે ભડકો: ભાજપનાં ઉમેદવારે હાથ અદ્ધર કરી દેતા મહિલા કાર્યકરોમાં રોષ


પ્રચારમાં જોડાયેલ મજબૂર મહિલા કાર્યકરોની વેદના
કોર્પોરેટર બનવાના અભરખા પૂરા કરવા, પાંચ વર્ષ સુધી પગમાં ચપ્પલ પહેર્યા વગર ફરનાર ભાજપનાં મહિલા ઉમેદવાર,કોકીલાબેન પવાર પોતાનાં જ મહિલા કાર્યકરોને નક્કી કરેલ રોજનું સવાર-સાંજનું વેતન પણ આપતા નથી.
વચનનાં 350 રૂપિયાએ ઉઘાડ્યો ચહેરો: પ્રચાર કરાવ્યા પછી મહિલા કાર્યકરોને ઠગ્યા?.
મત માટે મહેનત, પૈસા માટે અપમાન—ઉમેદવારનો ‘હાથ ઊંચો’, કાર્યકરોમાં બળવો
દિવસ-રાત પ્રચાર કરાવ્યા બાદ ચૂકવણીથી પલ્ટી—મહિલાઓનો આક્ષેપ: ફોન પણ ઉઠાવતા નથી, હવે ન્યાય માટે ઉચ્ચ કક્ષાએ જવાની ચીમકી!.



ગઈકાલ સુધી સવાર-સાંજ 350-350 આપવાના વાયદા કર્યા, હવે ઉમેદવાર સામે પણ જોતા નથી: મહિલા કાર્યકરોની વેદના...
ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે વોર્ડ નંબર 17માં ભાજપનાં ઉમેદવાર કોકીલાબેન પવાર વિવાદમાં સપડાયા છે. ચૂંટણી પ્રચાર માટે રાખવામાં આવેલી મહિલા કાર્યકરોએ ઉમેદવાર પર વચનભંગનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. ગઈકાલ સુધી પ્રચારના બદલામાં નક્કી કરેલા રૂપિયા આપવાની ખાતરી આપનાર ઉમેદવારે હવે હાથ અદ્ધર કરી લેતા કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.કાર્યકરોમાં ચર્ચાતી માહિતી પ્રમાણે, વોર્ડ નંબર 17માં ભાજપનાં ઉમેદવાર કોકીલાબેન પવારના સમર્થનમાં પ્રચાર કરવા માટે કેટલીક મહિલા કાર્યકરોને જોડવામાં આવી હતી. આ મહિલાઓનો આક્ષેપ છે કે તેમને ચૂંટણી પ્રચારની ફરણીના દિવસથી 22 તારીખ સુધી સવારના 350 અને સાંજના 350 રૂપિયા એમ બે વખત મહેનતાણું આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 


ઉમળકાભેર પ્રચારમાં જોડાયેલી આ મહિલાઓએ વોર્ડના ખૂણે-ખૂણે ફરીને કોકીલાબેન માટે મત માંગ્યા હતા.મહિલાઓએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમને નાણાં આપવાની મોટી-મોટી વાતો કરવામાં આવતી હતી, પરંતુ હવે બીજી મહિલાઓ જોડાઈ ગઈ અને ચૂંટણીનાં પડઘમ શાંત પડવાના આવ્યા એટલે કોકીલાબેને હાથ ઊંચા કરી દીધા છે. અમે સતત ફોન કરી રહ્યા છીએ, પરંતુ તેઓ ફોન પણ ઉપાડતા નથી અને હવે અમારી સામે જોવાનું પણ ટાળી રહ્યા છે.ચૂંટણીનાં આડે હવે ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે ઉમેદવાર અને કાર્યકરો વચ્ચે નાણાકીય લેવડદેવડને લઈને થયેલો આ વિવાદ પક્ષ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. એક તરફ પક્ષ દ્વારા શિસ્તનાં દાવા કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ ઉમેદવાર દ્વારા જ મહિલા કાર્યકરો સાથે આવું વર્તન કરવામાં આવતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ જાગી છે.મહિલાઓની વેદના હતી કે સવારે ગરમીમાં અને સાંજે મોડી રાત સુધી પ્રચાર કરતા હતા. અમે ખૂબ ગરીબ છીએ, ઘૂંટણ પણ દુખે છે, છતાં મજબૂરીમાં કામ કરતા હતા, અને હવે બેન રૂપિયા આપવાની ના પાડી રહ્યા છે. આપશે તો વાંધો નહીં, નહીં તો અમે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરીશું.

Reporter: admin

Related Post