ભાજપ-કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ લીધી મજા..
સેટિંગનો સત્ય બોલતાં જ સાંસદે ખુદની સરકારને કટઘરામાં ઊભી કરી દીધી !
પોતાનાં જ શબ્દોથી ફસાયેલું ભાજપ! સાંસદના ‘ચિરાગ-સેટિંગ’એ ઉડાવી આબરૂ.
એક તરફ આરોપ, બીજી તરફ વખાણ—ભાજપનાં જ વિડિયોએ ખોલ્યો સમજોતા એક્સપ્રેસનો ખેલ.
હેમાંગ જોશીનાં વિવાદાસ્પદ નિવેદનથી તંત્ર પર સવાલો, રાજેન્દ્ર ત્રિવેદીનાં વીડિયોએ કોંગ્રેસી નેતાને બનાવી દીધો મજબૂત ખેલાડી.
વડોદરામાં બાળબુદ્ધિનું પ્રદર્શન, સાંસદનાં નિવેદને ભાજપની આબરૂના ધજાગરા ઉડાડ્યા..

વડોદરાના વોર્ડ નં. 16માં પાણીની રાજનીતિ ગરમાઈ: સાંસદ હેમાંગ જોશીના અલાઉદીનનાં ચિરાગ અને ‘સેટિંગ’ વાળા નિવેદને ભાજપને જ ભીંસમાં મૂક્યું, રાજેન્દ્ર ત્રિવેદીના જૂના વીડિયોએ કોંગ્રેસી નેતાનું કદ વધાર્યું..
વડોદરામાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ભાજપનાં જ નેતાઓનાં વિરોધાભાસી નિવેદનોએ પક્ષની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ચૂંટણીનાં માહોલ વચ્ચે બે વીડિયો વાયરલ થઈ રહ્યા છે. એકમાં સાંસદ નામ લીધા વગર (ભથ્થુભાઈની) 30 વર્ષથી ચાલતી પાણીની રાજનીતિની હરકતોને કોશી રહ્યા છે. બીજા વીડિયોમાં ભાજપનાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી, આઠ ટર્મ કોર્પોરેટરની ચૂંટણી જીતનાર ભથ્થુભાઈની વગ અને કામનાં જાહેરમાં વખાણ કરી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે આ વીડિયો સૌથી વધુ ભાજપનાં ‘પનોતી’ તરીકે ઓળખાતા પૂર્વ કોર્પોરેટર દ્વારા વાયરલ કરવામાં આવી રહ્યા છે.ચૂંટણીનાં સમયે આવા વીડિયો વાયરલ થવાથી કોંગ્રેસનાં સિનિયર કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુભાઈ)નું લેવલ અન્ય કોર્પોરેટરો કરતાં ખૂબ જ ઊંચું થઈ ગયું છે. આખા ભારતમાં વડોદરા એકમાત્ર એવું શહેર છે જ્યાં ભાજપનાં જ સિનિયર નેતાઓ કોંગ્રેસનાં સિનિયર કોર્પોરેટરનાં કામ અને વહીવટી અધિકારીઓ પરની પકડનાં વારંવાર આડકતરી રીતે વખાણ કરે છે. ખાસ કરીને વોર્ડ નંબર 16માં પાણી અને વિકાસનાં મુદ્દે જે રાજનીતિ રમાઈ રહી છે તેમાં નવા નિશાળિયા ગણાતા સાંસદ ડૉ. હેમાંગ જોશીનાં એક નિવેદને વિવાદ મધપૂડા જેવો છંછેડ્યો છે.એક તરફ સાંસદ કોંગ્રેસનાં પીઢ કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુભાઈ)નું નામ લીધા વગર ‘સેટિંગ’ના આરોપ લગાવી રહ્યા છે, તો બીજી તરફ ભાજપનાં જ દિગ્ગજ નેતા રાજેન્દ્ર ત્રિવેદીના મુખે ભથ્થુભાઈનાં વખાણ થતા હોય તેવો જૂનો વીડિયો વાયરલ થતા ભાજપની જ આબરૂનું ધોવાણ થઈ રહ્યું છે.વોર્ડ નંબર 16ની એક સભામાં સાંસદ હેમાંગ જોશી ભારે ઉત્સાહમાં આવી ગયા હતા. તેમણે કોઈનું નામ લીધા વગર આરોપ લગાવ્યો કે વિપક્ષનાં કોર્પોરેટર અધિકારીઓ સાથે મળીને કૃત્રિમ અછત ઊભી કરે છે. જોકે, આ બોલવામાં તેઓ ભૂલી ગયા કે વડોદરા મહાનગરપાલિકા (VMC)માં શાસન ભાજપનું છે.સાંસદે કહ્યું કે જ્યાં સુધી ‘સેટિંગ’ વાળો કોર્પોરેટર ફોન ન કરે ત્યાં સુધી અધિકારી આવતા નથી, અને ફોન કરતાં જ અધિકારી ‘અલાઉદીનના ચિરાગ’માંથી જીન નીકળે તેમ પ્રગટ થાય છે. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર લોકો કટાક્ષ કરી રહ્યા છે કે જો અધિકારીઓ વિપક્ષનાં કહેવા પર નાચતા હોય તો ભાજપનાં સત્તાધીશો અને સાંસદ શું કરે છે? શું ભાજપનાં શાસનમાં અધિકારીઓ ભ્રષ્ટ છે?સાંસદના આ નિવેદને આડકતરી રીતે સ્વીકારી લીધું છે કે તંત્ર પર ભાજપની પકડ નથી અને ભ્રષ્ટાચાર ફૂલ્યો-ફાલ્યો છે. એક બાજુ સાંસદ ભથ્થુભાઈની ટીકા કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ ભાજપનાં જ નેતાઓ કોંગ્રેસના કોર્પોરેટરનાં કામ અને વહીવટી પકડના વખાણ કરી રહ્યા છે.સાંસદ ભલે ‘સેટિંગ’ના આરોપ લગાવે, પરંતુ જનતા જોઈ રહી છે કે 30 વર્ષથી એક જ વ્યક્તિ જો ચૂંટાઈ આવતી હોય તો તેની પાછળ લોકસંપર્ક અને કામ કરવાની શક્તિ જવાબદાર છે. સાંસદની આક્રમકતા સામે ભથ્થુભાઈની શાલીનતા અને રાજેન્દ્ર ત્રિવેદી જેવા નેતાઓની સ્વીકૃતિએ કોંગ્રેસનાં આ ગઢને વધુ મજબૂત બનાવ્યો છે.
અધિકારીઓને હિસાબ લેવા ચીમકી આપતા સાંસદ એ કેમ ભૂલી જાય છે કે એ જ અધિકારીઓ સાથે બેસીને તેઓ આયોજન કરે છે? જો અધિકારીઓ ભ્રષ્ટ છે તો તેના માટે જવાબદાર કોણ? આવા પ્રશ્નો હાલમાં વડોદરાનાં રાજકારણમાં ચર્ચાઈ રહ્યા છે.
કહેવતોમાં ગોથું ખાતા સાંસદ
ડૉ. હેમાંગ જોષીએ સભામાં અલાઉદીનના ચિરાગમાંથી જીન નીકળવાની કહેવતને ‘જીનમાંથી ચિરાગ નીકળે છે’ તેમ કહીને પોતાની ભાષાકીય સમજ અને બાળબુદ્ધિનું પ્રદર્શન કર્યું હોવાનો આરોપ કોંગ્રેસ નેતા વિશાલ શ્રીવાસ્તવે લગાવ્યો છે. સોશિયલ મીડિયા પર આ મુદ્દે સાંસદ ભારે ટ્રોલ થઈ રહ્યા છે.
લેવલ કોનું ઊંચું?
ચૂંટણીના સમયે ભાજપનાં જ નેતાઓનાં બે વિરોધાભાસી વીડિયોએ કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુભાઈ)નું કદ અન્ય તમામ કોર્પોરેટરો કરતાં ઘણું ઊંચું કરી દીધું છે. એક તરફ સાંસદનો ડર અને બીજી તરફ પૂર્વ મંત્રીની સ્વીકૃતિ—આ બંને બાબતો ભથ્થુભાઈ માટે ફાયદાકારક સાબિત થઈ રહી છે.
મતદારોનો પ્રશ્ન: આ ચિરાગ ભાજપ પાસે કેમ નથી?
વડોદરામાં ભાજપનાં નવા અને જૂના નેતાઓ વચ્ચેના તાલમેલનો અભાવ હવે રસ્તા પર આવી ગયો છે. સાંસદ હેમાંગ જોષીનો ઉત્સાહ પક્ષ માટે ઉલટો પડ્યો હોય તેમ લાગે છે. જનતા હવે પૂછી રહી છે કે, “સાંસદ સાહેબ, જો અધિકારીઓ ‘જીન’ની જેમ કામ કરતા હોય તો એ ચિરાગ ભાજપ પાસે કેમ નથી?”
ચૂંટણી સમયે જ રાજેન્દ્ર ત્રિવેદીનો જૂનો વીડિયો વાયરલ
બીજી તરફ ચૂંટણી સમયે જ ભાજપના પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનો એક જૂનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ જાહેરમાં સ્વીકારે છે કે ભથ્થુભાઈ આ ધરતીનાં સપૂત છે. અમે આઠમી વાર તેમને હરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ હરાવી શક્યા નથી. ત્રિવેદીએ તો ત્યાં સુધી કહ્યું કે જો કોઈ કામ ન થાય તો છેલ્લે ભથ્થુભાઈ પાસે જજો. આ વીડિયો વાયરલ થતાં જ ભાજપનાં આંતરિક વિખવાદો સપાટી પર આવ્યા છે. ભાજપના જ એક પૂર્વ કોર્પોરેટર (જેમને કાર્યકરો ‘પનોતી’ માને છે) આ વીડિયોને સૌથી વધુ વાયરલ કરી રહ્યા છે, જે દર્શાવે છે કે ભાજપમાં અંદરખાને મોટું ભંગાણ છે.
Reporter: admin







