News Portal...

Breaking News :

વડોદરાની જનતા સાથે ક્રૂર મજાક થઈ. સ્માર્ટ સિટીનાં સપનાં ચકનાચૂર થઈ ગયા

2026-04-24 12:12:02
વડોદરાની જનતા સાથે ક્રૂર મજાક થઈ. સ્માર્ટ સિટીનાં સપનાં ચકનાચૂર થઈ ગયા


છેલ્લા 30 વર્ષમાં રાજ કરી ગયેલા કેટલાક નેતાઓ,ધારાસભ્યો,સાંસદો,સનદી અધિકારીઓ,શહેર પ્રમુખ,મહામંત્રીઓ, કોર્પોરેટરોની મિલકતો કેટલી હશે અને કેટલાનાં આસામી હશે તેનો અંદાજ વડોદરાની પ્રજા હવે લઈ શકે છે.
સ્માર્ટ સિટીનાં સપના ચકનાચૂર , કૌભાંડોની વાસ્તવિકતા અને વિકાસનાં નામે છેતરાતી જનતા...
વિકાસનાં નામે વેરા વસૂલી, અંદરથી સેટિંગનો ફૂલ ખીલ્યો!
દરખાસ્તો સડસડાટ મંજૂર, ખિસ્સા ભરાયા—જનતા રહી વિકાસ થી વંચિત!



એક વર્ષમાં મંજૂરીઓનો વરસાદ, ભ્રષ્ટાચારીઓને મળ્યા નેતાઓનાં આશીર્વાદ—નેતાઓ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો માટે ‘ઘી-કેળા’, જનતા માટે ખાલી વચનો!
વડોદરા શહેર આજે રાજકીય ઈચ્છાશક્તિના અભાવ અને ભ્રષ્ટાચારનાં વિષચક્રમાં ફસાયું હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં જ્યારે પણ કોઈ ચૂંટણી આવે—પછી તે કોર્પોરેશનની હોય, વિધાનસભાની હોય કે લોકસભાની—ત્યારે 30 વર્ષથી શહેરમાં શાસન કરતા ભાજપના ચૂંટણી ઢંઢેરામાં મુદ્દાઓ હંમેશા એકસરખા જ હોય છે: રસ્તા, પાણી, ગટર, વિશ્વામિત્રીનું શુદ્ધિકરણ અને સ્માર્ટ સિટી. પરંતુ વાસ્તવિકતા એ છે કે વર્ષો વીતવા છતાં આ મુદ્દાઓ માત્ર કાગળ પર જ રહ્યા છે અથવા તો ભ્રષ્ટાચારનાં સાધન બની ગયા છે.કેન્દ્ર સરકાર દ્વારા વડોદરાને ‘સ્માર્ટ સિટી’ મિશન હેઠળ પસંદ કરવામાં આવ્યું ત્યારે નાગરિકોને આશા હતી કે શહેરની કાયાપલટ થશે. પરંતુ આજે પરિસ્થિતિ ગંભીર છે. સ્માર્ટ સિટીનાં નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી, પરંતુ આ નાણાં જમીન પર કામ કરવા બદલે અધિકારીઓ અને નેતાઓની તિજોરીમાં ઠલવાયા હોવાના આક્ષેપો સતત થઈ રહ્યા છે. સ્માર્ટ સિટીનાં નામે અનેક પ્રોજેક્ટ્સ શરૂ તો થયા, પરંતુ તેમાંના મોટાભાગના અધૂરા છે અથવા તો માત્ર શોભાના ગાંઠિયા સમાન છે. ડિજિટલ સાઇનેજ, સીસીટીવી કેમેરા કે અન્ય ટેકનોલોજીના નામે જે ખર્ચ થયો છે, તેની સામે જનતાને પાયાની સુવિધાઓ પણ નસીબ થતી નથી.વડોદરાને શાંઘાઈ બનાવવાની વાતો નેતાઓ દ્વારા વારંવાર કરવામાં આવે છે. પરંતુ શાંઘાઈ તો દૂરની વાત રહી, વડોદરાનાં રસ્તાઓ ચોમાસામાં સામાન્ય વરસાદમાં પણ ધોવાઈ જાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરનું શહેર બનાવવાની ગુલબાંગો પોકારતી સત્તાધીશ પાર્ટી ભાજપના શાસનમાં જનતા આજે ખાડાઓ અને ગંદકીથી પરેશાન છે. વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી શહેરની જીવાદોરી હોવી જોઈએ, પરંતુ તે આજે ગટર અને મગરમચ્છોનું ઘર બની ગઈ છે.છેલ્લા 30 વર્ષથી વિશ્વામિત્રીના વિકાસ અને રિવરફ્રન્ટની વાતો કરવામાં આવે છે. દરેક ચૂંટણીમાં આ મુદ્દો ચવાય છે. પરંતુ હકીકત એ છે કે દર વર્ષે ચોમાસામાં વડોદરાવાસીઓને પૂરનો સામનો કરવો પડે છે. વિશ્વામિત્રીનાં શુદ્ધિકરણ અને પૂર નિવારણ માટે અનેકવાર કરોડોના બજેટ ફાળવાયા છે, નિષ્ણાતોની સમિતિઓ પણ રચાઈ છે, પરંતુ પરિણામ શૂન્ય છે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો મુદ્દો તો હવે વડોદરાની જનતા માટે મજાક બની ગયો છે.જનતાને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આ મુદ્દો માત્ર તેમને ઉલ્લુ બનાવવા માટે જ દરેક ચૂંટણીમાં ઉછાળવામાં આવે છે. નેતાઓ મત લઈ જાય છે અને પછી પાંચ વર્ષ સુધી વિશ્વામિત્રીની દુર્ગંધ અને પૂરના પાણીમાં જનતાને સબડવા માટે છોડી દેવામાં આવે છે. ભાજપનાં શાસનમાં વડોદરામાં અંદાજે 20 જેટલા મોટા પ્રોજેક્ટ્સ એવા છે, જે વર્ષોથી અધૂરા છે. ફ્લાયઓવર બ્રિજ હોય, મલ્ટી-લેવલ પાર્કિંગ હોય કે ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ—દરેક જગ્યાએ કામની ગતિ અત્યંત ધીમી છે.બ્રિજ બનાવવામાં લાગતો સમય વધતા ટ્રાફિકની સમસ્યા વકરી છે અને વેપારીઓનાં ધંધા ચોપટ થઈ રહ્યા છે. આ કામો ક્યારે પૂરા થશે તેની જાણકારી ખુદ તંત્ર પાસે પણ નથી. વડોદરાને સ્માર્ટ સિટી તરીકે પ્રમોટ તો કરવામાં આવ્યું છે, પરંતુ બિનયોજિત અર્બન પ્લાનિંગ, પાર્કિંગની સમસ્યા અને ઘટતા ગ્રીન કવર કારણે જનતા પૂછે છે—ક્યાં છે સાચો વિકાસ?

વિકાસનાં નામે કૌભાંડો
છેલ્લા 10-20 વર્ષમાં શહેરના જે-તે સમયનાં મેયરો, મ્યુનિસિપલ કમિશનરો,સ્થાયી સમિતિના ચેરમેન, સભ્યો અને શહેર પ્રમુખો,મહામંત્રીઓ એ મળીને જે રીતે વહીવટ કર્યો છે, તે જોતા સ્પષ્ટ થાય છે કે તેમને જનતાના હિતમાં કોઈ રસ નથી. તેમનો એકમાત્ર એજન્ડા પોતાનો વિકાસ હોય તેવું પ્રતીત થાય છે. વિકાસના નામે થયેલા કૌભાંડો કારણે વડોદરા મહાનગરપાલિકાની તિજોરી ખાલી થઈ રહી છે, જ્યારે નેતાઓનાં બંગલા-ફાર્મ હાઉસ અને ગાડીઓ વધી રહ્યા છે.કોર્પોરેશનનાં કામોમાં જે પ્રકારની ગુણવત્તા જોવા મળે છે, તે ભ્રષ્ટાચારની સાબિતી આપે છે. નવા બનેલા રસ્તાઓ બે મહિનામાં તૂટી જાય છે, નવા બ્રિજમાં તિરાડો પડે છે, છતાં કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવામાં આવતા નથી. આ મિલીભગતનો ભોગ વડોદરાનો સામાન્ય કરદાતા નાગરિક બની રહ્યો છે.

અધૂરા પ્રોજેક્ટ્સનાં શહેર તરીકે વડોદરાની ઓળખ
વડોદરાની જનતા હવે જાગૃત થઈ રહી છે. ગ્રાન્ટ ક્યાં વપરાય છે અને કેમ કામો અધૂરા રહે છે, તેનો હિસાબ હવે માંગવો જ પડશે. જો આગામી સમયમાં પણ આ જ પરિસ્થિતિ રહી, તો વડોદરાની ઓળખ સ્માર્ટ સિટી તરીકે નહીં, પરંતુ અધૂરા પ્રોજેક્ટ્સનાં શહેર તરીકે રહેશે.સત્તાધીશોએ એ સમજવાની જરૂર છે કે માત્ર રામમંદિર કે રાષ્ટ્રવાદનાં નામે કાયમ મત નહીં મળે; જનતાને પાયાની સુવિધાઓ અને ભ્રષ્ટાચારમુક્ત વહીવટ પણ જોઈએ છે. પાણી,ગટર,સ્ટ્રીટ લાઈટ અને રસ્તા વડોદરાનાં નાગરિકનો હક છે, કોઈની મહેરબાની નથી. જો નેતાઓ હજુ પણ નહીં સુધરે, તો જનતા પાસે પરિવર્તન સિવાય બીજો કોઈ વિકલ્પ બચશે નહીં.



વચનોનાં વહાણ અને અધૂરા પ્રોજેક્ટ્સ વચ્ચે અટવાયેલું વડોદરાનું જનજીવન
પ્રોજેક્ટ અને સમસ્યાઓ — મુખ્ય પડકારો અને વાસ્તવિકતા
વિશ્વામિત્રી રિવરફ્રન્ટ — માત્ર જાહેરાતો અને ટેન્ડરોમાં જ સીમિત; પૂર અને મગરના ભય વચ્ચે કામ શૂન્ય.
પૂર નિવારણ સિસ્ટમ — દર ચોમાસે સ્માર્ટ સિટી ડૂબે છે; ડ્રેનેજ અપગ્રેડેશન માત્ર કાગળ પર.
ટ્રાફિક અને ફ્લાયઓવર — નવા બ્રિજ બન્યા છતાં અલકાપુરી, માંડવી અને કારેલીબાગમાં ટ્રાફિકની સમસ્યા યથાવત.
પબ્લિક ટ્રાન્સપોર્ટ (BRTS) — ઈન્ટેલિજન્ટ ટ્રાફિક સિસ્ટમ અને કનેક્ટિવિટીના અભાવે મુસાફરો પરેશાન.
વેસ્ટ મેનેજમેન્ટ — ડોર-ટુ-ડોર કલેક્શનના દાવા છતાં ડમ્પિંગ યાર્ડ અને ગંદકીના પ્રશ્નો ઠેરના ઠેર.
આવાસ અને સ્લમ રીડેવલપમેન્ટ — ગરીબોનાં મકાનોનાં અનેક પ્રોજેક્ટ્સ અટવાયેલા અથવા ખૂબ જ વિલંબિત.
તળાવ અને ગાર્ડન વિકાસ — સુરસાગર જેવા તળાવોનું બ્યુટિફિકેશન થયું, પરંતુ જાળવણી અને સફાઈનો મોટો અભાવ.
૨૪x૭ પાણીની યોજના — સતત પાણી આપવાના દાવા વચ્ચે હજી પણ ઘણા વિસ્તારોમાં સમયબદ્ધ સપ્લાયની મર્યાદા.
હેરિટેજ કન્સર્વેશન — જૂના શહેરના ઐતિહાસિક વારસામાં અતિક્રમણ અને અવ્યવસ્થાનું ગ્રહણ.
રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર — 'પોથોલ ફ્રી' રસ્તાઓના વચનો વચ્ચે દર વર્ષે વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જાય છે.
મેનહોલ સેફ્ટી — મશીનરીના દાવા છતાં ગટરમાં ઉતરતા મજૂરોના મોતની ઘટનાઓ અટકતી નથી.
સ્માર્ટ લાઈટિંગ — શહેરના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટો બંધ હોવાથી સુરક્ષાનો પ્રશ્ન.
હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર — મ્યુનિસિપલ હોસ્પિટલોમાં આધુનિક સુવિધાઓ હજી પણ સામાન્ય નાગરિકથી દૂર છે.
ઈ-ગવર્નન્સ — ઓનલાઈન સિસ્ટમ હોવા છતાં ફરિયાદોનાં ઉકેલમાં ભ્રષ્ટાચાર અને વિલંબ.
છેલ્લા 20 વર્ષના એવા 5 પ્રોજેક્ટ્સ, જે અપેક્ષા મુજબ સફળ રહ્યા નથી
1. વિશ્વામિત્રી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ (મિશન ક્લીન વિશ્વામિત્રી)
દાવો: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ જેવો વિકાસ, પૂર નિયંત્રણ અને ટૂરિઝમ હબ બનાવવું.
હકીકત: વર્ષોથી માત્ર DPR (ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ) અને પ્રેઝન્ટેશન જ થયા છે. ગ્રાઉન્ડ પર કોઈ કામ દેખાતું નથી. નદીમાં ગંદકી અને મગરોનો ત્રાસ યથાવત છે.
મુખ્ય ખામી: પર્યાવરણીય મંજૂરીઓનો અભાવ અને રાજકીય ઈચ્છાશક્તિની કમી.
અસર: વડોદરાવાસીઓ દર વર્ષે પૂરનો ભય વેઠે છે અને કોઈ આઇકોનિક સ્થળ મળ્યું નથી.
2. ડ્રેનેજ અને અર્બન ફ્લડ મેનેજમેન્ટ
દાવો: સ્માર્ટ ડ્રેનેજ દ્વારા શહેરને વોટર-લોગિંગ ફ્રી (પાણી ભરાવાની સમસ્યા મુક્ત) બનાવવું.
હકીકત: સામાન્ય વરસાદમાં પણ માંડવી, કારેલીબાગ અને અકોટા જેવા વિસ્તારો ટાપુ બની જાય છે. રસ્તાઓ નદીમાં ફેરવાઈ જાય છે. છેલ્લે આવેલા પૂરમાં આશરે 25 હજાર કરોડનું નુકસાન લોકોને થયું હતું.
મુખ્ય ખામી: જૂની લાઈનોનું નેટવર્ક અને સમયસર ડિસિલ્ટિંગ (સફાઈ)નો અભાવ.
અસર: લોકોની મિલકતોને નુકસાન અને સ્માર્ટ સિટીના ટેગ સામે સવાલો.
3. ટ્રાફિક ડિકન્ઝેશન (અધૂરું રોડ-બ્રિજ આયોજન)
દાવો: નવા ફ્લાયઓવર અને રોડ વાઈડનિંગ દ્વારા શહેરને ટ્રાફિક મુક્ત કરવું.
હકીકત: કરોડોના ખર્ચે બ્રિજ તો બન્યા, પરંતુ ટ્રાફિકની સમસ્યા ઠેરની ઠેર છે. અલકાપુરી અને સયાજીગંજ જેવા વિસ્તારો હજુ પણ બોટલનેક છે.
મુખ્ય ખામી: ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ પ્લાનિંગ અને પાર્કિંગ પોલિસીનો સદંતર અભાવ.
અસર: નાગરિકોનો સમય અને ઈંધણનો વ્યય, તેમજ વધતું જતું પ્રદૂષણ.
4. સ્માર્ટ સિટી મિશન (ડિજિટલ વડોદરા)
દાવો: આઈટી સોલ્યુશન્સ, સેફ્ટી અને હાઈટેક ગવર્નન્સ દ્વારા શહેરનો કાયાકલ્પ.
હકીકત: પ્રોજેક્ટ માત્ર અમુક સીસીટીવી કેમેરા અને પાયલોટ પ્રોજેક્ટ્સ સુધી મર્યાદિત રહ્યો છે. સામાન્ય નાગરિકના જીવનસ્તરમાં મોટો ફેરફાર આવ્યો નથી.
મુખ્ય ખામી: ફંડનો છૂટક અને દેખાડા માટેનો ઉપયોગ.
અસર: બ્રાન્ડિંગમાં મોખરે હોવા છતાં વાસ્તવિકતામાં નિરાશાજનક પરિણામો.
5. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (સ્વચ્છતા અભિયાન)
દાવો: ડોર-ટુ-ડોર કલેક્શન અને ઝીરો ડમ્પિંગ સાથે વૈજ્ઞાનિક પદ્ધતિથી કચરાનો નિકાલ.
હકીકત: ઘણા વિસ્તારોમાં અનિયમિત ઉઘાણ છે અને ડમ્પિંગ સાઇટ પર કચરાના પહાડો આજે પણ પડકારરૂપ છે.
મુખ્ય ખામી: નબળી કોન્ટ્રાક્ટ સિસ્ટમ અને જનજાગૃતિનો અભાવ.
અસર: શહેરની સ્વચ્છતા રેન્કિંગમાં ઘટાડો અને આરોગ્યના જોખમો.
છેલ્લા 1 વર્ષમાં નેતાઓ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ઘી-કેળા
છેલ્લા એક વર્ષમાં શહેર ભાજપના નવા પ્રમુખ તરીકે જે.પી. સોની આવ્યા બાદ ભ્રષ્ટાચારીઓને ઘી-કેળા થઈ ગયા હતા. તેમના એક વર્ષના સંકલન દરમિયાન બધી જ દરખાસ્તો સડસડાટ મંજૂર કરવામાં આવી હતી, અને તેનો ફાયદો ઉઠાવી સ્થાયી ચેરમેન અને સ્થાયી સભ્યોએ પણ આ તમામ કરોડો રૂપિયાની દરખાસ્તોને મંજૂરી આપી દીધી હતી, જેથી ભ્રષ્ટાચારને બમણો વેગ મળ્યો હતો.જયપ્રકાશ સોનીનાં સમયમાં દરખાસ્તો વધુ પ્રમાણમાં મંજૂર થઈ છે અને નામંજૂર નહીવત થઈ છે, જેના કારણે નેતાઓ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ઘી-કેળા થઈ ગયા છે. આવનારા દિવસોમાં પણ આ જ પેટર્નથી દરખાસ્તો મંજુર થયા કરશે તો સમજી લો કે વડોદરાનું ધનોતપનોત નીકળી જવાનું છે.

Reporter: admin

Related Post