દિલ્હી : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને વધતા તણાવ વચ્ચે ભારત સરકારે દેશમાં રસોઈ ગેસ(LPG)નો પુરવઠો જાળવી રાખવા માટે પોતાની વ્યૂહરચનામાં મોટો ફેરફાર કર્યો છે.
સ્થાનિક અને કોમર્શિયલ ગ્રાહકોની વધતી માંગને પહોંચી વળવા માટે હવે ભારત માત્ર પરંપરાગત સ્ત્રોતો પર નિર્ભર રહેવાને બદલે દુનિયાના વિવિધ દેશો પાસેથી તત્કાલ ખરીદી દ્વારા ગેસ મંગાવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સરકારી ઓઇલ કંપનીઓએ(OMCs) તાજેતરના અઠવાડિયામાં અમેરિકા સહિત અનેક દેશો પાસેથી એલપીજીના વધારાના કાર્ગો બુક કર્યા છે, જે જૂન અને જુલાઈ સુધીમાં ભારત પહોંચવાની ધારણા છે. આ આક્રમક વ્યૂહનીતિ પાછળનો મુખ્ય હેતુ બજારમાં ગેસની અછતને અટકાવવાનો અને પુરવઠો સુરક્ષિત કરવાનો છે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માના જણાવ્યા અનુસાર, અગાઉ ભારત પોતાની 60 ટકા જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરતું હતું, પરંતુ હવે ઘરેલુ ઉત્પાદન વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ભારતમાં હાલમાં દરરોજ અંદાજે 80,000 ટન એલપીજીની જરૂર પડે છે, જેની સામે ઘરેલુ ઉત્પાદન 20 ટકા વધારીને 46,000 ટન પ્રતિ દિવસ સુધી પહોંચાડવામાં આવ્યું છે. છતાં જે ઘટ પડે છે તેને પહોંચી વળવા માટે આયાતના વિકલ્પો વિસ્તૃત કરવામાં આવ્યા છે. સરકારની પ્રાથમિકતા દેશમાં ગેસનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવાની છે અને તેના માટે જ્યાંથી પણ શક્ય હશે ત્યાંથી ગેસની ખરીદી કરવામાં આવશે.
Reporter: admin







