પાલિકાની પોલ ખોલતો બીલ ગામનો બેસી ગયેલો રોડ!”
સ્માર્ટ સિટીનો સ્માર્ટ ભ્રષ્ટાચાર હવે રસ્તા ફાડી બહાર આવ્યો!”..
જનતાના ટેક્સથી બનેલા રસ્તા ગણતરીના સમયમાં તૂટી રહ્યા છે, છતાં પાલિકા અને કોન્ટ્રાક્ટરો સામે કોઈ કાર્યવાહી નહીં.

બીલ ગામના માર્ગ પર ભ્રષ્ટાચારની પોલ ખોલતો ગબડતો રોડ, જનતાના જીવ જોખમમાં
સ્માર્ટ સિટી વડોદરામાં ભ્રષ્ટાચારના ગાબડાં હવે સપાટી પર આવવા લાગ્યા છે. શહેરના વોર્ડ નંબર 12માં આવતા બીલ ગામના મુખ્ય માર્ગ પર તંત્રની ઘોર બેદરકારીના દર્શન થઈ રહ્યા છે. અહીં રસ્તાની બરોબર વચ્ચે જમીન બેસી જવાથી એક મોટો અને ભયજનક ખાડો પડી ગયો છે, જે વાહનચાલકો માટે મોતના કૂવા સમાન સાબિત થઈ રહ્યો છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ માર્ગ પર પીવાના પાણીની લાઈનમાં લાંબા સમયથી લીકેજ હતું. સામાન્ય રીતે પાણીનું લીકેજ રીપેર કરવાની જવાબદારી પાલિકાની હોય છે, પરંતુ અહીં તંત્ર ઊંઘતું રહ્યું છે. પરિણામે, સતત પાણી ઝરવાને કારણે રસ્તાની નીચેની માટી ધોવાઈ ગઈ અને આખો રોડ બેસી ગયો.આ ઘટનાએ પાલિકા દ્વારા કરવામાં આવતી રોડની કામગીરીની ગુણવત્તા સામે મોટા સવાલો ઊભા કર્યા છે. જો રોડ બનાવતી વખતે યોગ્ય મટીરીયલ અને એન્જિનિયરિંગનો ઉપયોગ થયો હોત, તો સામાન્ય લીકેજમાં આ રીતે રોડ ગબડી પડ્યો ન હોત.આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે. વોર્ડ નંબર 12ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોર અને ભાવિકાબેન ચાંડોલે સ્થળ પર પહોંચીને તંત્રનો ઉધડો લીધો હતો. રાકેશ ઠાકોરે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે આ કોઈ કુદરતી હોનારત નથી, પરંતુ પાલિકાના શાસકો અને કોન્ટ્રાક્ટરો વચ્ચેના મેળાપીપણાનું પરિણામ છે. રોડની કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. જનતાના ટેક્સના પૈસાથી બનેલા રસ્તાઓ પહેલી જ મુશ્કેલીમાં બેસી જાય તે શરમજનક છે.પ્રજા હવે કાગળ પરના વિકાસથી કંટાળી ગઈ છે અને નક્કર કામગીરીની માંગ કરી રહી છે. પાલિકા કમિશનરે આ મામલે તાત્કાલિક તપાસ કરાવી ભ્રષ્ટાચારીઓ સામે લાલ આંખ કરવી જોઈએ.
જાનહાનિનો ભય
બીલ ગામનો આ માર્ગ અત્યંત વ્યસ્ત રહે છે. રાત્રિના સમયે અંધારામાં જો કોઈ વાહનચાલક આ ખાડામાં ખાબકે, તો જીવલેણ અકસ્માત સર્જાઈ શકે છે. સ્થાનિક રહીશોએ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી ખાડાનું કાયમી સમારકામ કરવામાં આવ્યું નથી. માત્ર આડાશ મૂકીને સંતોષ માનતા તંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ભ્રષ્ટાચારમાં હોમાતા પ્રજાના પૈસા
વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં વિકાસના નામે કરોડોના ખર્ચા થાય છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. લોકોના સવાલ છે કે નવા બનેલા રસ્તાઓ ગણતરીના મહિનાઓમાં જ કેમ બેસી જાય છે? અને પાણીની લાઈનનું લીકેજ મહિનાઓ સુધી કેમ દેખાતું નથી?મહત્વનો સવાલ તો એ છે કે જો અહીં કોઈ અકસ્માત થાય, તો શું પાલિકાના એન્જિનિયરો સામે ગુનો નોંધાશે? ભ્રષ્ટાચારના આક્ષેપો છતાં બ્લેકલિસ્ટ કરવાને બદલે કોન્ટ્રાક્ટરોને છાવરવામાં આવે છે.
Reporter: admin







