બીજી બાજુ પ્રધાન સેવક જાહેર જનતાને સમજાવે છે કે ખર્ચ ઓછો કરો
બાબુજી નેતાઓ અને અધિકારીઓને ખુશ કરવા માટે ગરબા પાછળ અને વિવિધ ઇવેન્ટ પાછળ કરોડોની રકમ ઉડાવી ચૂક્યા છે
જાહેરાતની મંજૂરી કોણે આપી?
રોડ-શો ભાજપનો, બિલ વડોદરાવાસીઓનાં માથે કેમ?”
સ્થાયી મંજૂરી વગર ખર્ચનો વરસાદ, પાલિકા કે ભાજપનો દરબાર ?”
જનતા પાણી માટે તરસે, નેતાઓ રોડ-શોમાં નાણાં વરસાવે!”

ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓ નીચેવાળા સાહેબોને ઇમ્પ્રેસ કરવાનાં નામે ભ્રષ્ટાચાર કરે છે, પણ તેમને એ પણ ખબર નથી કે ઉપરવાળો સૌથી મોટો બડા સાહેબ તેમની આ કરતૂતોને જુએ છે.
વડોદરાનાં વિકાસને ઘોર ખોદતા શાસકો, રોડ-શોનો ભવ્ય જશ્ન ભાજપનો, પણ ખર્ચનો બોજ સામાન્ય વડોદરાવાસીઓનાં માથે!
11 મેના રોજ વડોદરાની ધરતી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો દોઢ કિલોમીટરનો ભવ્ય રોડ-શો યોજાયો. બંગાળના પરિણામોની ખુશી હોય કે પછી શક્તિ પ્રદર્શન, શહેર ભાજપના નેતાઓએ ઉત્સાહમાં કોઈ કમી રાખી નહોતી. પરંતુ આ ઉત્સાહ પાછળનું કડવું સત્ય એ છે કે આ ભવ્ય આયોજનનો લાખો-કરોડોનો ખર્ચ ભારતીય જનતા પાર્ટીનાં ભંડોળમાંથી નહીં, પરંતુ વડોદરા મ્યુ. કોર્પોરેશન એટલે કે સામાન્ય જનતાનાં પરસેવાની કમાણીમાંથી ચૂકવવામાં આવશે.શહેરમાં જે નાગરિકો સામાન્ય પ્રાથમિક સુવિધાઓ — પીવાનું શુદ્ધ પાણી, સારા રસ્તા અને ગટર જેવી જરૂરિયાતો માટે વર્ષોથી ટળવળે છે, તેમના ટેક્સના નાણાં રોડ-શોના તામઝામમાં ઉડાડી દેવાયા છે. જો ભાજપને ખરેખર બંગાળની કે અન્ય જીતની ખુશી હોય, તો શહેર ભાજપનાં હોદ્દેદારોએ જાહેરમાં આવીને કહેવું જોઈએ હતું કે આ રોડ-શોનો ખર્ચ પક્ષ ભોગવશે. પરંતુ 30 વર્ષથી વડોદરામાં શાસન કરતા નેતાઓ, સાંસદો અને ધારાસભ્યો મૌન છે, કારણ કે તેમને ખબર છે કે જનતાના ખિસ્સામાંથી પૈસા વાપરવા સૌથી સહેલા છે.રોડ-શો માટે ઉતાવળે રસ્તાઓનું થીગડું મારવું, આડેધડ હોર્ડિંગ્સ-બેનરો લગાવવા અને સાંસ્કૃતિક કાર્યક્રમોના નામે જે ખર્ચ થયો છે, તેમાં કોઈ પૂર્વ મંજૂરી લેવાઈ નથી. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, ફરાસખાના, મ્યુઝિક સિસ્ટમ અને LED ટીવીના કોન્ટ્રાક્ટમાં પણ મળતિયા કોન્ટ્રાક્ટરોને ઊંચા ભાવે કામ આપી દેવાયું છે.ઈવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલ કોન્ટ્રાક્ટરોને વધુ ભાવ ચૂકવવામાં આવે તો નવાઈ નહીં. ભૂતકાળમાં પણ આવી રીતે વધુ ભાવ ચૂકવાયા છે. પાલિકાના ખર્ચે ભાજપની વાહવાહી કરવામાં આવી છે. મજાની વાત તો એ છે કે જે ગરીબ માણસ રોજના 300થી 400 રૂપિયા કમાઈને પેટ ભરે છે, જેને આ રોડ-શો સાથે કોઈ લેવાદેવા નથી, તેના માથે પણ આ મોંઘવારી અને ખર્ચનો બોજ નાખવામાં આવ્યો છે. કોર્પોરેટરો હમણાં નવા નવા ચૂંટાયા છે અને હજુ તો સ્થાયી અધ્યક્ષ કોણ અને સ્થાયી સમિતિના સભ્યો કોણ તેની મથામણ ચાલી રહી છે. સ્થાયી સમિતિની બેઠક મળી નથી એટલે પૂર્વ મંજૂરી પણ લેવાઈ નથી.ત્યારે પીએમ મોદીનાં ભવ્ય રોડ-શોના નામે આડેધડ બિલો રજૂ કરીને અધિકારીઓ અને તેમના મળતિયા કોન્ટ્રાક્ટરો બંગલા બનાવી દેશે, લક્ઝરી કારોની ખરીદી કરશે અને પરિવાર સાથે વિદેશ પ્રવાસો પણ કરશે, જ્યારે બિચારો સામાન્ય વડોદરાવાસી પીએમ મોદીનાં નામે મોં ફાડીને જોતો રહી જશે. કારણ કે સામાન્ય વડોદરાવાસી પીએમ મોદીને ચાહે છે અને પીએમ મોદીનાં નામનો ઉપયોગ કરીને વડોદરાના ભાજપનાં કેટલાક નેતાઓ અને કોર્પોરેશનના કેટલાક ઉચ્ચ અધિકારીઓ પોતાના ખિસ્સા ભરી રહ્યા છે.પીએમ મોદીને જો આ વાતની જાણ થશે તો તેઓ શું એક્શન લેશે તેની પણ આ ભ્રષ્ટાચાર કરનારાઓને પરવા નથી. પરંતુ પ્રધાન સેવક આ બધું જુએ છે. ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓ નીચેવાળા સાહેબોને ઇમ્પ્રેસ કરવાના નામે ભ્રષ્ટાચાર કરે છે, પણ તેમને એ પણ ખબર નથી કે પ્રધાન સેવક તેમનાં આ કરતૂતોને જુએ છે. હજુ તો સ્ટેન્ડિંગમાં મંજૂરી પણ નથી, માત્ર દેખાડો છે, તો શું આ પ્રજાની આંખમાં ‘ધૂળ’ નાખવાની કોશિશ છે?

સામાન્ય નાગરિકોના ખિસ્સા પરનો ભવ્ય ઘા
વડોદરાની જનતા વિકાસ ઈચ્છે છે, વિનાશ કે વેડફાટ નહીં. જો રોડ-શો રાજકીય પક્ષનો હોય, તો ખર્ચ પણ પક્ષનો જ હોવો જોઈએ. પાલિકાની તિજોરી પર તરાપ મારીને કરાતો આ ભવ્ય ઉત્સવ ખરેખર તો સામાન્ય નાગરિકોના ખિસ્સા પરનો ભવ્ય ઘા છે. શું આગામી સમયમાં શાસકો આ બિલની વિગતો જાહેર કરવાની હિંમત બતાવશે?
એર ક્વોલિટી સુધારવાના નામે ‘એન્ટી સ્મોક ગન’નો દેખાડો કરાયો
આ મશીન ધૂળના રજકણોને બેસાડવા માટે ઝીણો ફુવારો કરે છે. વડોદરાની 25 લાખની વસ્તી માટે આખા શહેરમાં હવા શુદ્ધ કરવા આવા 600થી વધુ મશીનો જોઈએ. પરંતુ પાલિકા માત્ર 10 કે 15 મશીન ખરીદીને શું સાબિત કરવા માંગે છે? ડેમો માટે મશીન મંગાવવામાં આવ્યું હતું,હજુ સુધી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું નથી. જેને રોડ-શોના કારણે ડેમો તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. સોલિડ વેસ્ટ હેડ સ્વપ્નિલ શુક્લ, જે ધારાસભ્યનાં ભત્રીજા છે, તેમનું આ આયોજનમાં મોટું યોગદાન હોવાની ચર્ચા છે.બાબુજીને ખુશ કરવા આ પ્રયોગ કરવામાં આવ્યો છે.
રોડ-શોના નામે આડેધડ આર્થિક બોજ
પાલિકાનાં કમિશનર કે શાસકોએ આ ખર્ચ માટે કોઈ સત્તાવાર સ્ટેન્ડિંગ મંજૂરી લીધી નથી. લોકોને લાવવા માટે 300થી વધુ બસો, લીંબુ શરબત, છાશ,પાણી અને હજારો ફૂડ પેકેટનો ખર્ચ પાલિકાનાં જોખમે કરાયો. શહેરનાં રસ્તાઓનું રીપેરિંગ કરાયું, પરંતુ જે મોટા બેનરો, હોર્ડિંગ્સ, LED પર જાહેરાતો, સ્ટેજ, મ્યુઝિક સિસ્ટમ અને ફરાસખાના બનાવાયા તેના બિલ પણ પાલિકા ચૂકવશે ?કોન્ટ્રાક્ટરોને વધુ ભાવ ચૂકવવામાં આવે તો નવાઈ નહીં. ભૂતકાળમાં પણ આવી રીતે વધુ ભાવ ચૂકવાયા છે. પાલિકાનાં ખર્ચે ભાજપની વાહવાહી કરવામાં આવી છે. રોડ-શોના કરોડોનો ખર્ચ પાલિકાના માથે થોપવામાં આવશે.રોડ-શો પત્યા પછી આ જ બેનરો રસ્તા પર લોકોનાં પગમાં આવતા હતા, જેને રાજકીય કાર્યકરોએ સાફ કર્યા હતા. જે રસ્તાઓ વર્ષોથી બિસ્માર હતા, તે રાતોરાત પીએમ માટે ચમકાવી દેવાયા, પરંતુ તેની ગુણવત્તા પર સવાલો છે.
નવા બનેલા કોર્પોરેટરો હોય કે જુના જોગીઓ, કોઈ પણ એવું નહીં બોલે કે પક્ષ ખર્ચ ભોગવે
વડોદરામાં ભાજપનું 30 વર્ષનું શાસન છે, છતાં આજે પણ સામાન્ય નાગરિક મુશ્કેલીમાં છે. નવા બનેલા કોર્પોરેટરો હોય કે જુના જોગીઓ, કોઈ પણ એવું નહીં બોલે કે પક્ષ ખર્ચ ભોગવે, કારણ કે તેમનું પોતાનું ખિસ્સું કપાઈ જવાનો ડર છે.અમુક અધિકારીઓ અને નેતાઓ લીલા લહેર કરી રહ્યા છે, જ્યારે કોન્ટ્રાક્ટરોને ભૂતકાળની જેમ જ ઊંચા ભાવ ચૂકવીને કૌભાંડની ગંધ આવી રહી છે. રોડ-શો માટે રાતોરાત સફાઈ થઈ, પરંતુ સામાન્ય દિવસોમાં કચરાના ઢગલા જોવા મળે છે. પૂર્વ મંજૂરી વગર કરાયેલા કરોડોનાં ખર્ચનો હિસાબ પ્રજા માંગશે જ
Reporter: admin







