News Portal...

Breaking News :

NEET-UG રદ થતાં ગુજરાતના 75 હજારથી વધુ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, હાઈ-સ્કોરર્સમાં ફરી પરીક્ષાની ચિંતા

2026-05-13 11:05:05
NEET-UG રદ થતાં ગુજરાતના 75 હજારથી વધુ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, હાઈ-સ્કોરર્સમાં ફરી પરીક્ષાની ચિંતા


નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવાયેલી NEET-UG પરીક્ષા પેપર લીક મામલે રદ થતાં ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો પર અનિશ્ચિતતાનું વાદળ છવાઈ ગયું છે. 


રાજ્યના અંદાજે 75 હજારથી વધુ વિદ્યાર્થીઓ હવે ફરી પરીક્ષા આપવાની તૈયારીમાં લાગી ગયા છે, જ્યારે તેજસ્વી વિદ્યાર્થીઓમાં અગાઉના પ્રદર્શનને ફરી દોહરાવવાની ચિંતા વધી રહી છે.3 મેના રોજ યોજાયેલી મેડિકલ પ્રવેશ પરીક્ષા બાદ અનેક વિદ્યાર્થીઓએ પોતાના સ્કોરને આધારે MBBSમાં પ્રવેશની આશા બાંધી હતી. ખાસ કરીને 600થી વધુ સ્કોરની અપેક્ષા રાખતા વિદ્યાર્થીઓ હવે માનસિક દબાણ અનુભવી રહ્યા છે. વિદ્યાર્થીઓમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે નવી પરીક્ષાનું સ્તર શું હશે અને શું તેઓ ફરીથી એટલું જ સારું પ્રદર્શન કરી શકશે?પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓએ પોતાના વેકેશનના આયોજન પણ રદ કરવા પડ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ ફરી એકવાર પુસ્તકો અને કોચિંગના શેડ્યૂલ તરફ વળી ગયા છે. પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હોવાની માનસિકતા બનાવી ચૂકેલા વિદ્યાર્થીઓ માટે ફરી એ જ એકાગ્રતા અને અભ્યાસની લય જાળવવી હવે મોટો પડકાર બની રહ્યો છે.


માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ વાલીઓ પર પણ આ નિર્ણયની સીધી અસર પડી છે. અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં પોતાના સંતાનોના અભ્યાસ માટે ભાડાના મકાનો રાખીને રહેતા મધ્યમવર્ગીય પરિવારો હવે ફરીથી ખર્ચના ભાર નીચે દબાઈ રહ્યા છે. અનેક વિદ્યાર્થીઓએ પોતાનું અભ્યાસ મટીરિયલ પેક કરી દીધું હતું અથવા દૂર કરી દીધું હતું, જેને હવે ફરી એકઠું કરવાની ફરજ પડી રહી છે.આર્થિક રીતે પણ ઘણા પરિવારોને નુકસાન સહન કરવું પડી રહ્યું છે. પરીક્ષાનો તણાવ પૂર્ણ થયા બાદ ઘણા પરિવારો દેશ-વિદેશમાં વેકેશન માટે નીકળી ગયા હતા. પરંતુ પરીક્ષા રદ થયાની જાહેરાત બાદ ફ્લાઈટ અને હોટેલ બુકિંગ કેન્સલ કરાવવાની નોબત આવી છે, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા ઉભી થઈ છે.શૈક્ષણિક ક્ષેત્રના નિષ્ણાતોના મતે પરીક્ષા રદ કરવાનો નિર્ણય ભલે પારદર્શિતા જાળવવા માટે જરૂરી હોય, પરંતુ તેની સૌથી મોટી કિંમત વિદ્યાર્થીઓ અને વાલીઓને ચૂકવવી પડી રહી છે. હવે વિદ્યાર્થીઓ માટે ફરી એકવાર આ કઠિન સ્પર્ધાત્મક જંગ જીતવો અનિવાર્ય બની ગયો છે.

Reporter: admin

Related Post