પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ નવી ભાજપ સરકાર દ્વારા કાયદો અને વ્યવસ્થાને લઈને કડક વલણ અપનાવવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી Suvendu Adhikariએ IPS અધિકારીઓ સાથેની પ્રથમ ઉચ્ચસ્તરીય બેઠકમાં ઉગ્રવાદ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને જાહેર માર્ગો પર ધાર્મિક અવરોધો મુદ્દે મહત્વપૂર્ણ નિર્દેશો જાહેર કર્યા હતા.મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે કાયદો કોઈપણ ભેદભાવ વિના દરેક નાગરિક માટે સમાન રીતે લાગુ થવો જોઈએ. બેઠકમાં ડીજીપી એસ.એન. ગુપ્તા, એડીજી અજય રાનાડે અને કોલકાતા પોલીસ કમિશનર અજય નંદા સહિતના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.નવી માર્ગદર્શિકા મુજબ ધાર્મિક સ્થળો પર લગાવવામાં આવતા લાઉડસ્પીકરનો અવાજ પરિસરની બહાર ન જાય તે સુનિશ્ચિત કરવા પોલીસને સૂચના આપવામાં આવી છે. ઉપરાંત, ખાસ પ્રસંગો સિવાય રસ્તાઓ અવરોધિત કરીને નમાઝ અથવા અન્ય ધાર્મિક કાર્યક્રમો યોજવા સામે પણ કડક વલણ અપનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેથી સામાન્ય જનતાને મુશ્કેલી ન પડે.
મુખ્યમંત્રીએ ગેરકાયદેસર હથિયારોની વસૂલાત, ચૂંટણી પછીની હિંસા, ગુંડાગીરી અને ખંડણી જેવા ગુનાઓ સામે તાત્કાલિક FIR નોંધવા અને આરોપીઓની ધરપકડ કરવા સૂચનાઓ આપી હતી. સાંપ્રદાયિક તણાવ ફેલાવનારાઓ સામે બિનજામીનપાત્ર ગુનાઓ નોંધવાની પણ પોલીસને સૂચના આપવામાં આવી છે.ભાજપે ચૂંટણી દરમિયાન કોલસા, રેતી અને પથ્થરની ગેરકાયદેસર દાણચોરીને મોટો મુદ્દો બનાવ્યો હતો. હવે નવી સરકારે આવા કૌભાંડો સામે “ઝીરો ટોલરન્સ”ની નીતિ અપનાવવાનો સંદેશ આપ્યો છે. ગાયોની દાણચોરી રોકવા માટે 14 વર્ષથી વધુ ઉંમરના પશુઓના પરિવહન માટે પશુચિકિત્સા અધિકારીની મંજૂરી ફરજિયાત બનાવવામાં આવી છે તેમજ ગેરકાયદેસર કતલખાનાઓ સામે કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી છે.
Reporter: admin







