News Portal...

Breaking News :

ડભોઈ પાસે નર્મદા મુખ્ય કેનાલ બિસ્માર: ગાબડાંથી હજારો લિટર પાણીનો વ્યય, ખેડૂતોમાં રોષ

2026-05-09 13:14:08
ડભોઈ પાસે નર્મદા મુખ્ય કેનાલ બિસ્માર: ગાબડાંથી હજારો લિટર પાણીનો વ્યય, ખેડૂતોમાં રોષ


રજૂઆતો છતાં સમારકામ નહીં, “કરોડોના મેઈન્ટેનન્સ ક્યાં જાય છે?” તેવા સવાલો ઉઠ્યા
ડભોઈ તાલુકામાં ઉનાળાની આકરી ગરમી વચ્ચે ખેડૂતો માટે જીવનદાયી માનાતી નર્મદાની મુખ્ય કેનાલની હાલત અત્યંત બિસ્માર બની છે. 


થરવાસા ચોકડી પાસેથી પસાર થતી કેનાલમાં ઠેરઠેર મસમોટા ગાબડાં પડી જવાથી હજારો લિટર પાણીનો વ્યય થઈ રહ્યો છે. પરિણામે છેવાડાના વિસ્તારોમાં આવેલા ખેડૂતો સુધી પૂરતું પાણી પહોંચી રહ્યું નથી, જેના કારણે ખેતી પર ગંભીર અસર જોવા મળી રહી છે.સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ કેનાલમાં પડેલા ભંગાણના કારણે સતત પાણી લીકેજ થઈ રહ્યું છે. લીકેજના કારણે પાણીનું દબાણ ઘટી જતાં અંતરિયાળ ગામોના ખેતરો સુધી પાણી પહોંચતું નથી. ઉનાળાની સીઝનમાં પાક અને પશુઓ માટે પાણીની તાતી જરૂરિયાત વચ્ચે આ સ્થિતિએ ખેડૂતોમાં ભારે રોષ ફેલાવ્યો છે.


ખેડૂતોનો આક્ષેપ છે કે દર વર્ષે નર્મદા નિગમના અધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવે છે, છતાં માત્ર આશ્વાસનો જ આપવામાં આવે છે. સમારકામના નામે કરોડો રૂપિયાના ખર્ચના દાવા કરવામાં આવે છે, પરંતુ જમીન પર પરિસ્થિતિ યથાવત રહે છે. જેના કારણે હવે ભ્રષ્ટાચારની આશંકા પણ વ્યક્ત થઈ રહી છે. ખેડૂતોનું કહેવું છે કે હાલ ઉનાળામાં કેનાલમાં પાણીનું સ્તર ઓછું હોવાથી સમારકામ માટે અનુકૂળ સમય છે. જો અત્યારે જ યુદ્ધના ધોરણે ગાબડાં પૂરવામાં નહીં આવે તો ચોમાસા અને શિયાળાની સીઝનમાં ફરી ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.હાલ સમગ્ર વિસ્તારમાં નર્મદા નિગમ સામે અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેડૂતો દ્વારા તાત્કાલિક સમારકામની માંગ ઉગ્ર બની છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ક્યારે જાગે છે અને ખેડૂતોની આ ગંભીર સમસ્યાનો ઉકેલ ક્યારે આવે છે.

Reporter: admin

Related Post