News Portal...

Breaking News :

ST બસમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 3 આરોપી ઝડપાયા

2026-04-25 13:16:24
ST બસમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 3 આરોપી ઝડપાયા


કપુરાઈ પોલીસની કાર્યવાહી, મુસાફર બની લાવતા દારૂ સાથે મધ્યપ્રદેશના શખ્સો ધરપકડમાં



એસટી બસમાં દારૂ સાથે ત્રણ આરોપી પોલીસ જાળમાં ઝડપાયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે રાજ્યમાં પોલીસ તંત્ર સતર્ક બન્યું છે ત્યારે વડોદરામાં દારૂની હેરાફેરીનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમે એસ.ટી. બસમાં મુસાફર બની દારૂ છુપાવી લાવતા ત્રણ આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે.પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ પી.આઈ. ડી.સી. રાવલના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે છોટાઉદેપુરથી પાલનપુર જતી એસ.ટી. બસમાં કેટલાક મુસાફરો દારૂનો જથ્થો લઈને આવી રહ્યા છે. 


બાતમીના આધારે કપુરાઈ ચોકડી પાસે પોલીસે વોચ ગોઠવી તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન શંકાસ્પદ ત્રણ મુસાફરોને રોકી તેમની પાસે રહેલા થેલાની તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા.ઝડપાયેલા આરોપીઓમાં મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના થાવલીબેન નારણભાઈ તોમર, વિપુલ દલસિંગ તોમર અને અલકેશ મંગલાભાઈ ટોકરીયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેમની પાસેથી કુલ ₹44,259નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આ મામલે પોલીસે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. ચૂંટણીના સમયગાળામાં દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ દ્વારા સતત ચેકિંગ અને પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.આ કાર્યવાહી બાદ દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે પોલીસ તંત્રએ આવી પ્રવૃત્તિઓ સામે કડક પગલાં ચાલુ રાખવાના સંકેત આપ્યા છે.

Reporter: admin

Related Post