અલકાપુરીમાં રસ્તો પૂછવાના બહાને ₹50 હજારની ચોરી, આરોપી પર 15 ગુનાઓ નોંધાયેલા
રિક્ષાચાલકે વૃદ્ધ પાસેથી રૂપિયા ચોરી કર્યા, પોલીસએ ઝડપ્યો
વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં નિવૃત RPF જવાન સાથે થયેલી ચોરીના બનાવમાં સયાજીગંજ પોલીસ સ્ટેશનએ ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી શાતિર રિક્ષાચાલક હોવાનું બહાર આવ્યું છે, જેના સામે અગાઉ વિવિધ જિલ્લાઓમાં 15 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ વડોદરાના સોખડા રોડ પર રહેતા પ્રહલાસિંગ જાટવ તાજેતરમાં જ RPFમાંથી નિવૃત થયા છે. ગત 21 એપ્રિલના રોજ તેઓ અલકાપુરી સ્થિત SBI બેંકમાંથી ₹1.50 લાખ ઉપાડી રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન એક રિક્ષાચાલકે પોતે નવો હોવાનું કહી રસ્તો પૂછ્યો અને તેમને મદદ માટે રિક્ષામાં બેસાડ્યા હતા.
રિક્ષાચાલકે ચાલાકીપૂર્વક તેમને ડ્રાઈવર સીટ પાસે બેસાડી વાતોમાં વ્યસ્ત રાખ્યા હતા. રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ જ્યારે જાટવે પોતાના ખિસ્સાની તપાસ કરી ત્યારે ₹50,000નું એક બંડલ ગુમ હોવાનું સામે આવ્યું. ત્યારબાદ તેમણે તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મળતા જ PI એસ.જે. પંડ્યા અને ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે આસપાસના CCTV ફૂટેજ ચેક કરી રિક્ષાનો નંબર શોધી કાઢ્યો હતો. બાદમાં બાતમીના આધારે સ્ટેશન પાછળ ફરામજીની ચાલી વિસ્તારમાંથી આરોપી શાહરૂખમીયા ઉર્ફે એમ.ડી. ઉર્ફે શાહરૂખલાલા આબાદમીયા મલેકને ઝડપી પાડ્યો હતો.પોલીસે આરોપી પાસેથી ₹19,000 રોકડા તેમજ ₹50,000ની કિંમતની રિક્ષા મળી કુલ ₹69,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપી સામે અગાઉ આણંદ, વિદ્યાનગર, પેટલાદ, તારાપુર, રાવપુરા અને અકોટા વિસ્તારોમાં ચોરી સહિતના 15 ગુનાઓ નોંધાયેલા છે અને તે પાસા હેઠળ જેલમાં પણ રહી ચૂક્યો છે.હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે અને અન્ય ગુનાઓમાં તેની સંડોવણી અંગે પણ તપાસ હાથ ધરી છે.
Reporter: admin







