News Portal...

Breaking News :

મકરપુરામાં અપહરણ કાંડ ઉકેલાયું: કલાકોમાં જ પોલીસની કાર્યવાહી, બે આરોપી ઝડપાયા

2026-04-25 13:12:17
મકરપુરામાં અપહરણ કાંડ ઉકેલાયું: કલાકોમાં જ પોલીસની કાર્યવાહી, બે આરોપી ઝડપાયા


પૈસાની લેતી-દેતી મામલે બે યુવાનોનું અપહરણ; ટેકનિકલ સર્વેલન્સ અને ટોલ પ્લાઝાના સીસીટીવીથી પોલીસને મળી મોટી સફળતા



પ્રાંતિજ નજીકથી અપહરણ કરાયેલ યુવાનને સુરક્ષિત છોડાવી પોલીસે આરોપીઓને દબોચ્યા
વડોદરાના મકરપુરા વિસ્તારમાં પૈસાની લેતી-દેતી મામલે બે યુવાનોનું અપહરણ થતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. જોકે, મકરપુરા પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીના કારણે આ કેસ કલાકોમાં જ ઉકેલાઈ ગયો હતો. પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી અપહરણ કરાયેલા યુવાનને સુરક્ષિત છોડાવ્યો હતો, જ્યારે અન્ય બે આરોપીઓ હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, 21 એપ્રિલના રોજ સાંજે મકરપુરા ડેપો પાછળ આવેલી સરસ્વતી ટાઉનશીપમાં રહેતા આદિત્ય ચૌહાણ (ઉંમર 20) અને તેનો મિત્ર વિશાલ રોહિત (ઉંમર 25) ઘરની સાફ-સફાઈ કરી રહ્યા હતા. તે દરમિયાન ચાર અજાણ્યા શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને અગાઉ આપેલા રૂપિયા પરત માંગવાની બાબતે બંને સાથે બોલાચાલી શરૂ કરી હતી. વાત વધતા ચારેય શખ્સોએ બંને યુવાનોને જબરદસ્તી ખેંચી લઈ પોતાની અર્ટિગા કારમાં બેસાડી અપહરણ કરી ફરાર થઈ ગયા હતા.બનાવની જાણ થતાં જ મકરપુરા પોલીસ મથકના પીઆઈ એ. એમ. ગોહિલના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. 


અપહરણકારોએ માર્ગમાં વિશાલ રોહિતને હાલોલ રોડ પર ઉતારી દીધો હતો, જ્યારે આદિત્યને તેઓ પ્રાંતિજ તરફ લઈ ગયા હતા.પોલીસે આસપાસના વિસ્તારોમાં સીસીટીવી ન હોવા છતાં ટોલ નાકાના કેમેરાઓની મદદથી કારનો પીછો કર્યો હતો. વિવિધ ટોલ પ્લાઝાના ફૂટેજ ચકાસતા અર્ટિગા કારની હિલચાલ અંગે માહિતી મળી હતી. આ આધારે પોલીસ પ્રાંતિજ સુધી પહોંચી અને ગણતરીના કલાકોમાં જ આરોપીઓને દબોચી લીધા હતા. આદિત્યને સુરક્ષિત છોડાવી પરિવારને સોંપવામાં આવ્યો હતો.આ બનાવમાં સુરેશ કાળાભાઈ વણકર (ઉંમર 55, રહે. પ્રાંતિજ) અને કુલદીપ હરજીભાઈ ચૌધરી (ઉંમર 25, રહે. રાણીપ, અમદાવાદ)ને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 5.55 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.પીઆઈ એ. એમ. ગોહિલે જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતા જ ટીમોએ ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. ટોલ પ્લાઝાના સીસીટીવી અને ટેકનિકલ સૂત્રોના આધારે આરોપીઓ સુધી પહોંચી શક્યા હતા. હાલ બે આરોપીઓ ફરાર છે અને તેમની શોધખોળ માટે પોલીસ તલાશ તેજ કરી રહી છે.આ બનાવે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા ઊભી કરી છે, પરંતુ પોલીસની ઝડપી કામગીરીએ વિશ્વાસ પણ વધાર્યો છે.

Reporter: admin

Related Post