ચેઇન સ્નેચિંગ અને ચીલઝડપ રોકવા પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમી પરથી ચાર આરોપીઓ ઝડપાયા; ત્રણ ગુનાઓ ડિટેક્ટ
પકડાયેલા આરોપીઓ પાસેથી મોબાઇલ, રોકડ અને ચોરાયેલ વાહનો મળી કુલ 56,220 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
વડોદરા શહેરમાં વધતા ચેઇન સ્નેચિંગ, ચીલઝડપ અને લૂંટના બનાવોને અટકાવવા ક્રાઇમ બ્રાન્ચ સક્રિય બની છે. મળેલી સૂચનાઓના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમો શહેરભરમાં સતત પેટ્રોલિંગ અને શંકાસ્પદ ઇસમોની શોધખોળમાં લાગી છે. આ જ કામગીરી દરમિયાન લાલબાગ બ્રિજ નીચે શંકાસ્પદ હાલતમાં ઉભેલી ટોળકી ઝડપાઈ હતી, જે અનેક ગુનાઓમાં સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું છે.માહિતી મુજબ, પેટ્રોલિંગ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે લાલબાગ બ્રિજ નીચે કાળા રંગની સ્પ્લેન્ડર બાઈક સાથે ચાર શંકાસ્પદ ઇસમો ઉભા છે અને બાઈકની નંબર પ્લેટ તૂટેલી છે. બાતમીના આધારે ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી અને ચારેયને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન અક્ષય ભઇલાલભાઇ માળી (ઉં.વ. 19), ગુરુ ઉર્ફે લાલો અંશભાઇ મારવાડી (ઉં.વ. 27), પ્રગ્નેશ ઉર્ફે સન્ની ભઇલાલ માળી (ઉં.વ. 26) અને મનીષ માનસિંહ મિનામા (ઉં.વ. 19)ને કબ્જે લેવામાં આવ્યા હતા.આરોપીઓની ઝડતી લેતા ચાર મોબાઇલ ફોન અને રોકડા રૂપિયા 1,220 મળી આવ્યા હતા.
શરૂઆતમાં તેઓ પાસે મળેલા સામાન અંગે કોઈ સંતોષકારક જવાબ ન મળતા પોલીસએ સઘન પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં ખુલ્યું કે આરોપીઓએ 22 એપ્રિલની રાત્રે લાલબાગ બ્રિજ નજીક એક એક્ટીવા ચાલકનો પીછો કરી તેને અટકાવી તેની પાસેથી રોકડ રૂપિયા અને રિયલમી મોબાઇલ લૂંટી લીધો હતો. ત્યારબાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.વધુ તપાસમાં સામે આવ્યું કે આરોપી મનીષ મિનામાએ લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી ડિઓ મોપેડ મજૂમહુડા વિસ્તારમાંથી ચોરી કરી હતી, જ્યારે તેની પાસે મળી આવેલી સ્પ્લેન્ડર બાઈક ગોરવા વિસ્તારથી ચોરાયેલી હતી. આ રીતે આરોપીઓ લૂંટ અને વાહનચોરી જેવા ગુનાઓમાં સક્રિય હતા.ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી સ્પ્લેન્ડર બાઈક, ડિઓ મોપેડ, ચાર મોબાઇલ ફોન અને રોકડ સહિત કુલ 56,220 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં આ ટોળકી સામે અટલાદરા પોલીસ સ્ટેશનમાં લૂંટ, જયારે ગોરવા અને જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં વાહનચોરીના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. ત્રણેય ગુનાઓ ડિટેક્ટ થતા સંબંધિત પોલીસ સ્ટેશનોને જાણ કરી વધુ તપાસ માટે કાર્યવાહી સોંપવામાં આવી છે.પોલીસે જણાવ્યું કે આરોપીઓમાં કેટલાકના વિરુદ્ધ અગાઉ પણ ચોરી અને અન્ય ગુનાઓ નોંધાયેલા છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ ગુનાખોરીમાં સતત સંડોવાયેલા હતા. ક્રાઇમ બ્રાન્ચની આ કામગીરીથી શહેરમાં થતા સંપત્તિ સંબંધિત ગુનાઓ પર અંકુશ લાવવામાં મદદ મળશે.
Reporter: admin







