કેદારનાથ: હિમાલયની પવિત્ર ગિરિમાળાઓમાં વિરાજમાન ભગવાન શિવના દ્વાદશ જ્યોતિર્લિંગોમાંના એક એવા કેદારનાથ ધામના કપાટ આજે, 22 એપ્રિલ બુધવારના રોજ સવારે 8 કલાકે શુભ મુહૂર્તમાં ભક્તો માટે ખોલી દેવામાં આવશે.
શિયાળાના છ મહિનાના લાંબા અંતરાલ બાદ, વૈદિક મંત્રોચ્ચાર અને વિધિ-વિધાન સાથે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ સમગ્ર કેદારપુરી 'જય બાબા કેદાર' અને 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠી છે.આ ખાસ અવસર માટે મુખ્ય મંદિરને અંદાજે 51 ક્વિન્ટલ દેશી-વિદેશી ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષની સરખામણીએ આ વખતે યાત્રા 10 દિવસ વહેલી શરૂ થઈ છે, જેના કારણે શ્રદ્ધાળુઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.
કપાટ ખુલવાની પ્રક્રિયા પૂર્વે પરંપરાગત રીતે બાબા કેદારની પંચમુખી ડોલી ધામમાં પહોંચી હતી. સોમવારે ઉખીમઠના ઓંકારેશ્વર મંદિરથી નીકળેલી આ પવિત્ર ડોલી ગુપ્તકાશી, ફાટા અને ગૌરીકુંડમાં રાત્રિ વિશ્રામ કર્યા બાદ મંગળવારે સાંજે કેદારનાથ પહોંચી હતી. સેનાની 8મી શીખ રેજીમેન્ટના બેન્ડની સુરાવલીઓ અને હજારો ભક્તોની હાજરીમાં ડોલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
Reporter: admin







