તહેરાન : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ફરી એકવાર મડાગાંઠ સર્જાઈ છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનની મધ્યસ્થી બાદ એકતરફી રીતે યુદ્ધવિરામ લંબાવવાની જાહેરાત કરી હતી, પરંતુ ઈરાને આ પ્રસ્તાવને સખત શબ્દોમાં ફગાવી દીધો છે. ઈરાનની સંસદના સ્પીકરના સલાહકાર મહેદી મોહમ્મદીએ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ટ્રમ્પનું સીઝફાયર એક્સટેન્શન કોઈ અર્થ ધરાવતું નથી, કારણ કે હારનાર પક્ષ ક્યારેય શરતો લાદી શકે નહીં. ઈરાનના આ આક્રમક વલણથી સ્પષ્ટ થાય છે કે તેહરાન અત્યારે અમેરિકાના દબાણ સામે ઝૂકવા તૈયાર નથી અને પોતાના રાષ્ટ્રીય હિતોને પ્રાધાન્ય આપી રહ્યું છે.
રાહતની વાત છે કે બંને દેશો તરફથી આક્રમક નિવેદનો છતાં અત્યારે ન તો મોટા પાયે હુમલા થઈ રહ્યા છે, ન તો સૈન્ય ગતિવિધિઓ વધી છે. નિષ્ણાતોના મતે, આ એક એવી સ્થિતિ છે જ્યાં કોઈ પણ પક્ષ ખુલ્લેઆમ પાછળ હટવા તૈયાર નથી પણ સામે મોટું યુદ્ધ છેડવાનું જોખમ પણ લેવા માંગતો નથી. બીજી તરફ, અમેરિકાએ દાવો કર્યો છે કે ઈરાન સરકારમાં આંતરિક રીતે ભારે મતભેદો છે, જેને કારણે તેઓ કોઈ મક્કમ નિર્ણય લઈ શકતા નથી. આ જ કારણસર પાકિસ્તાનને વધુ સમય આપવામાં આવ્યો છે જેથી કોઈ નક્કર સમજૂતીનો માર્ગ મોકળો થઈ શકે.
Reporter: admin







