છઠ્ઠા માળે લાગેલી આગથી દોડધામ મચી, લિફ્ટમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢાયા
અલકાપુરી વિસ્તારમાં આવેલ Everest Onyx બિલ્ડિંગમાં લાગેલી આગ બાદ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ.વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલ Everest Onyx બિલ્ડિંગમાં શનિવારે સાંજે આગની ઘટના બનતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બિલ્ડિંગના છઠ્ઠા માળે આવેલ એક સ્પામાં અચાનક આગ લાગતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને બિલ્ડિંગમાં હાજર લોકો તાત્કાલિક બહાર નીકળવા દોડી આવ્યા હતા.આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
ફાયર કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા માટે કામગીરી શરૂ કરી હતી. ધુમાડાના કારણે બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. મળતી માહિતી મુજબ લિફ્ટમાં ફસાયેલા કેટલાક લોકોને ફાયર વિભાગે સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.ફાયર વિભાગની સતર્ક કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી સામે આવી નથી, જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ફાયર વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.
Reporter: admin







