News Portal...

Breaking News :

વડાપ્રધાન મોદીના વડોદરા આગમનને લઈ શહેર પોલીસ તંત્ર સજ્જ

2026-05-10 11:47:58
વડાપ્રધાન મોદીના વડોદરા આગમનને લઈ શહેર પોલીસ તંત્ર સજ્જ



11 મેના કાર્યક્રમ પૂર્વે પોલીસ કમિશનરના અધ્યક્ષસ્થાને બ્રિફિંગ બેઠક યોજાઈ, શહેરભરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
હરણી-સમા રોડ ખાતે યોજાયેલી બ્રિફિંગ બેઠકમાં પોલીસ અધિકારીઓને સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા અંગે જરૂરી સૂચનાઓ અપાઈ.


વડોદરા શહેરમાં આગામી 11 મેના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને શહેર પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. વડાપ્રધાનના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન એરપોર્ટ, રોડ શો, ટ્રાફિક, પાર્કિંગ અને ડાયવર્ઝન સહિતના વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ટ્રાફિક વ્યવસ્થિત રીતે સંચાલિત થાય તે માટે વિશાળ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.આ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને હરણી-સમા રોડ પર આવેલી જય અંબે સ્કૂલ સામે પંચામૃત ફ્લેટ ખાતે પોલીસ કમિશનરના અધ્યક્ષસ્થાને બ્રિફિંગ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને તેમની ફરજો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ દેખરેખ રાખવા તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સતત મોનીટરીંગ રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી.પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સમગ્ર બંદોબસ્તમાં એક જ્વોઇન્ટ પોલીસ કમિશનર, એક એડિશનલ પોલીસ કમિશનર, દસ ડેપ્યુટી પોલીસ કમિશનર, સોળ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર, 29 પોલીસ ઇન્સ્પેક્ટર અને 81 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફને જોડવામાં આવ્યો છે. 

આ ઉપરાંત 965 જેટલા એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ, 317 ટ્રાફિક પોલીસ કર્મચારીઓ, બે ચેતક ટીમ, બે એસઆરપીએફ કંપની તેમજ 600 હોમગાર્ડ જવાનોને પણ બંદોબસ્તમાં તહેનાત કરવામાં આવ્યા છે.શહેરમાં વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે તે માટે વિવિધ માર્ગો પર ડાયવર્ઝન પ્લાન પણ અમલમાં મુકવામાં આવશે. મહત્વના માર્ગો પર વાહન વ્યવહાર નિયંત્રિત કરવા માટે ખાસ પોલીસ ટીમોને જવાબદારી સોંપવામાં આવી છે. સામાન્ય નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા પૂર્વ તૈયારી હાથ ધરાઈ છે.આ ઉપરાંત ડીસીબી, પીસીબી, એસઓજી, સાયબર સેલ અને મહિલા પોલીસની અલગ અલગ ટીમો બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં સર્વેલન્સ પણ ગોઠવવામાં આવ્યું છે. શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવા સાથે ટેકનિકલ મોનીટરીંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.વડાપ્રધાનના આગમનને પગલે સમગ્ર શહેરમાં સુરક્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે અને પોલીસ તંત્ર દ્વારા કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Reporter: admin

Related Post