News Portal...

Breaking News :

બહલબંધુઓ અને સ્માર્ટ સિટીનાં ડાયરેક્ટરોએ ભેગા મળી વીડ કટર મશીનનાં નામે 5.72 કરોડનું કથિત કૌભાંડ કર્યુ ?

2026-05-13 11:16:18
બહલબંધુઓ અને સ્માર્ટ સિટીનાં ડાયરેક્ટરોએ ભેગા મળી વીડ કટર મશીનનાં નામે  5.72 કરોડનું કથિત કૌભાંડ કર્યુ ?


સ્માર્ટ સિટીનાં પ્રોજેક્ટમાં પણ હવે પરિવારવાદ
બે ભાઈઓની ઓફર મંગાવી,એકને વર્ક ઓર્ડર અપાયો !!
વીડ કટર મશીન એટલે તળાવમાંથી નકામું ઘાસ,શેવાળ,જળકુંભી વિ. કાપવા માટેનું તરતું મશીન
હાલનાં કમિશનર અરૂણ મહેશ બાબુ પણ સત્તાની રૂએ વડોદરા સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ કંપનીનાં ડાયરેક્ટર છે. અગાઉ થયેલા કોઈ કૌભાંડ એમના ધ્યાને આવે તો સુઓમોટોની કાર્યવાહી કરી તેમણે વિજીલન્સ તપાસ મુકવી જોઈએ
પાલિકાએ ગેસ અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ કંપનીઓ ROCમાં રજીસ્ટર્ડ કરાવી છે, તે કરોડોનાં કૌભાંડ કરવા માટે બનાવી છે?વખતો-વખતનાં ડાયરેક્ટરો પણ સીધા જવાબદાર છે. કેટલાક ડાયરેક્ટરો હાલમાં પણ ફરજ બજાવી રહ્યા છે. કેટલાકની બદલી થઈ છે.કેટલાક તાજેતરમાં નિવૃત્ત થયા છે.દરેકે મનમાનીથી વહીવટ કર્યે રાખ્યો છે
સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં- હું બાવો અને મંગળદાસથી ચાલતો સ્માર્ટ વહીવટ
વડોદરા સ્માર્ટ સિટીમાં વીડ કટર મશીનોની ખરીદીમાં ગંભીર ગેરરીતિ, બે સગા ભાઈઓની એજન્સીઓ વચ્ચે જ ખેલાયો ટેન્ડરનો ખેલ



૫.૭૨કરોડના પ્રોજેક્ટમાં ‘કોન્ફ્લિક્ટ ઓફ ઈન્ટરેસ્ટ’
વડોદરા સ્માર્ટ સિટીમાં તળાવોની સફાઈ માટે ૨ વીડ કટર મશીનની ખરીદીમાં ₹૫.૭2 કરોડનો કથિત વહીવટ
વડોદરાને સ્માર્ટ બનાવવાની હોડમાં લાગેલા અધિકારીઓએ હવે તળાવોની સફાઈના બહાને ગેરરીતિનાં 'તરતા કમળ' ખીલવ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. શહેરના તળાવો તો કદાચ સાફ થયા કે નહીં એ તપાસનો વિષય છે. ટેન્ડર પ્રક્રિયાના નામે સગા ભાઈઓને જ મેદાનમાં ઉતારીને ખેલાયેલો આ 'પરિવારવાદ' અને આંકડાઓની જાદુગરી હવે ઓડિટ રિપોર્ટમાં બહાર આવી છે. લોકશાહીમાં પારદર્શિતાનાં દાવા કરતું તંત્ર શું વાસ્તવમાં પડદા પાછળ મળતિયાઓને જ લાભ કરાવી રહ્યું છે? આ પ્રશ્ન સ્માર્ટ સિટીનાં અધિકારીઓની કાર્યશૈલી સામે ગંભીર સવાલો ઊભા કરે છે.વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ હેઠળ તળાવોની સફાઈ માટે વીડ કટર મશીનોની ખરીદીમાં સ્માર્ટ અધિકારીઓએ કાયદાનાં લીરેલીરા ઉડાડ્યા હોવાનું ઓડિટ રિપોર્ટમાં બહાર આવ્યું છે.આ પ્રોજેક્ટમાં ટેન્ડર પ્રક્રિયા શરૂ કરતા પહેલા જ મિકેનિકલ વિભાગે માત્ર એક જ ખાનગી એજન્સી મેસર્સ ક્લીનટેક ઈન્ફ્રા પ્રાઈવેટ લિમિટેડનો સંપર્ક કર્યો હતો. નવાઈની વાત એ છે કે, એજન્સીએ આપેલા ₹૫,૭૭,૨૦,૨૦૦ના ક્વોટેશનને જ ટેન્ડરની અંદાજિત કિંમત તરીકે સ્વીકારી લેવામાં આવી હતી.આ સમગ્ર પ્રક્રિયામાં ઓડિટ વિભાગે સૌથી ગંભીર ખુલાસો એ કર્યો છે કે ટેન્ડરમાં ભાગ લેનારી મુખ્ય બે એજન્સીઓ વચ્ચે સગા ભાઈઓનો સંબંધ છે. મેસર્સ ક્લીનટેક ઈન્ફ્રાના ડાયરેક્ટર સુનિલ બહલ અને સામે પક્ષે હરીફ બિડર તરીકે દર્શાવેલ મેસર્સ બોમ્બે જેસીબી અર્થમુવર્સના પ્રોપ્રાઈટર અનિલ બહલ બંને સગા ભાઈઓ છે. ઓડિટ મુજબ, ટેકનિકલી લાયક જાહેર કરાયેલી આ બંને એજન્સીઓ વચ્ચેનો આ સંબંધ ‘કોન્ફ્લિક્ટ ઓફ ઈન્ટરેસ્ટ’ ઊભો કરે છે, જે સીધી રીતે બિડ રિગિંગ અથવા મિલીભગત તરફ ઈશારો કરે છે.ઓડિટ વિભાગનાં મતે આ પ્રોજેક્ટ મૂળ સ્માર્ટ સિટીના ફાઈનલ પ્લાનમાં સમાવિષ્ટ જ નહોતો, છતાં ૧૩મી બોર્ડ બેઠકમાં તેને મંજૂરી આપી દેવામાં આવી હતી. પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે, કારણ કે બંને બિડર્સ વચ્ચેના કૌટુંબિક સંબંધો છતાં તેમને સ્વતંત્ર ગણાવીને લાયક ઠેરવવામાં આવ્યા હતા.નાણાકીય વિગતો મુજબ, ૨ વીડ કટર મશીનોની ખરીદી માટે ₹૩,૦૦,૧૬,૦૦૦નું કેપેક્સ બિલ અને ઓગસ્ટ ૨૦૨૩ સુધીનાં ઓપરેશન-મેન્ટેનન્સ પેટે ₹૨,૭૨,૧૫,૫૧૬ મળી કુલ ₹૫.૭૨ કરોડથી વધુની ચુકવણી કરી દેવામાં આવી છે. ઓડિટમાં વાંધો ઉઠાવવામાં આવ્યો છે કે સ્માર્ટ સિટીની ગ્રાન્ટનો ઉપયોગ સામાન્ય સફાઈના સાધનો માટે કરવામાં આવ્યો છે, જેનો કોઈ ચોક્કસ પ્રોજેક્ટ સાથે સીધો સંબંધ નથી. આમ, સમગ્ર ટેન્ડર પ્રક્રિયા પૂર્વનિર્ધારિત એજન્સીને જ કામ ફાળવવા માટે માત્ર એક ઔપચારિકતા રહી હોય તેવી ગંભીર શંકા ઓડિટમાં વ્યક્ત કરવામાં આવી છે.તળાવોની સફાઈના બહાને સ્માર્ટ સિટીની ગ્રાન્ટ જે રીતે મળતિયા એજન્સીઓ પાછળ વાપરવામાં આવી છે, તેણે વહીવટી પારદર્શિતાના ધજાગરા ઉડાડ્યા છે. તંત્ર ભલે અગાઉનાં અનુભવોનો હવાલો આપીને પોતાનો બચાવ કરતું હોય, પરંતુ 'ભાઈ-ભાઈ'ની એજન્સીઓ વચ્ચે ખેલાયેલા આ આર્થિક સેટિંગના સવાલોના જવાબ આપવામાં અધિકારીઓ નિષ્ફળ રહ્યા છે. જોકે આ પ્રક્રિયા જે-તે સમયના સત્તાધીશોનાં કાળમાં થઈ હતી, પરંતુ હાલમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે અરુણ મહેશ બાબુ સામે પડકાર એ છે કે શું તેઓ ઓડિટમાં ખુલ્લા પડેલા આ 'કોન્ફ્લિક્ટ ઓફ ઈન્ટરેસ્ટ' સામે કડક વલણ અપનાવશે? શું સ્માર્ટ સિટીના નામે જનતાના નાણાંની આ રીતે થતી 'સફાઈ' રોકવા માટે કોઈ નક્કર તપાસ થશે ખરી? અહીં પ્રશ્ન એ છે કે શું વડોદરાનાં સત્તાધીશોમાં આ ગેરરીતિઓનાં મૂળિયાં ઉખેડવાની હિંમત છે ખરી? કારણ કે વિકાસનાં નામે ખર્ચાયેલું પ્રત્યેક ટીપું પ્રજાના લોહી-પરસેવાની કમાણીનું છે, કોઈ અધિકારીની જાગીર નથી.



નિયમોનું ઉલ્લંઘન
 સ્માર્ટ સિટીના મૂળ પ્લાનમાં ન હોવા છતાં અન્ય હેડ હેઠળ બિનજરૂરી રીતે સાધનોની ખરીદી કરીને ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.
ટેન્ડર બહાર પાડતા પહેલા ઓપન માર્કેટ સર્વે કરવાને બદલે માત્ર એક જ એજન્સી પાસેથી ભાવ મંગાવી ટેન્ડરની કિંમત નક્કી કરવામાં આવી છે.
એકબીજા સાથે જોડાયેલા બિડર્સ (સગા ભાઈઓ) હોવા છતાં ટેન્ડર રદ કરવાને બદલે પ્રક્રિયા આગળ ધપાવી પારદર્શિતાના નિયમોનો ભંગ થયો છે.
તંત્રનો લૂલો બચાવ
મિકેનિકલ વિભાગે એવો બચાવ કર્યો છે કે સંબંધિત એજન્સી અગાઉ લાલબાગ તળાવ ખાતે ભાડેથી મશીનો ચલાવતી હતી, તેથી તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વધુમાં, આ પ્રોજેક્ટ એરિયા બેઝ્ડ ડેવલપમેન્ટ હેઠળ હાથ ધરાયો હોવાનું જણાવીને પ્રક્રિયાને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો છે. જોકે, ઓડિટ વિભાગે મિલીભગત અને 'કોન્ફ્લિક્ટ ઓફ ઈન્ટરેસ્ટ'ના મુદ્દે તંત્રના આ જવાબોને અગ્રાહ્ય રાખ્યા છે.
૧. શું મ્યુનિસિપલ કોર્પોરેશનનાં અધિકારીઓને ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેનારા બંને ભાઈઓના સંબંધોની જાણ નહોતી?
૨. માત્ર એક જ એજન્સીનાં ક્વોટેશનને આધાર બનાવીને ટેન્ડરની કિંમત નક્કી કરવી એ ભ્રષ્ટાચારને ખુલ્લું આમંત્રણ નથી?
૩. શું આ ડેટા મેનીપ્યુલેશન અને મળતિયાઓને ફાયદો કરાવવાની નીતિ માત્ર ગ્રાન્ટ વાપરવા માટે જ ઘડવામાં આવી હતી?
૪. ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ જેવી મોટી એજન્સીએ આ ગંભીર 'કોન્ફ્લિક્ટ ઓફ ઈન્ટરેસ્ટ' કેમ નજરઅંદાજ કર્યો?
૫. જનતાના ટેક્સના કરોડો રૂપિયા આ રીતે મળતિયા એજન્સીઓના ગજવામાં પધરાવનારા જવાબદારો સામે કડક કાર્યવાહી ક્યારે થશે?

Reporter: admin

Related Post