વડોદરા શહેર અને જિલ્લામાં વિવિધ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની યોજાનારી ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે.

આ પરિસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. આ સંદર્ભે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુહાની કેલૈયાના અધ્યક્ષસ્થાને આજે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં મતદાનના અગાઉના દિવસની કામગીરી, મતદાનના દિવસે અનુસરવાની પ્રક્રિયાઓ તેમજ વિવિધ કમિટીઓમાં ફરજ બજાવનાર અધિકારીઓ અને કર્મચારીઓની જવાબદારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન દરેક તબક્કે સુચારૂ આયોજન રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ ઉપસ્થિત અધિકારીઓને મતદાનના દિવસે સમયપાબંધી, જવાબદારીપૂર્વક ફરજ બજાવવી અને ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબ કાર્યવાહી કરવા સૂચન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ, ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓ તેમજ સંબંધિત કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ચૂંટણી પ્રક્રિયાને સફળ બનાવવા માટે સંકલિત પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને નિર્ભય, નિષ્પક્ષ અને સુવિધાજનક વાતાવરણમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
Reporter: admin







