News Portal...

Breaking News :

પ્રચાર ફેલ, નેતાઓ ગાયબ: વડોદરાની ચૂંટણીમાં ભાજપનું ઠંડુ પડેલું શો

2026-04-25 11:23:38
પ્રચાર ફેલ, નેતાઓ ગાયબ: વડોદરાની ચૂંટણીમાં ભાજપનું ઠંડુ પડેલું શો


સ્ટાર પ્રચારકોની ગેરહાજરી અને નિરસ માહોલ વચ્ચે મતદારોમાં નિરાશા
MLA માટે લિટમસ ટેસ્ટ, પરિણામે અનેક નેતાઓનું રાજકીય અસ્તિત્વ દાવ પર



વડોદરામાં પ્રચારના પડઘમ શાંત: સ્ટાર પ્રચારકોની ગેરહાજરી, લોકોમાં જબરજસ્ત નિરાશા અને ઉત્સાહવિહિન માહોલ સાથે MLAના ભાવિ પર લટકતી તલવાર, અનેક નેતાઓના અસ્તિત્વની લડાઈ...
વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચી ગયો છે. આજે સાંજે 6 વાગે પ્રચારના પડઘમ શાંત થઈ ચૂક્યા છે, પરંતુ આ વખતનો પ્રચાર અગાઉની ચૂંટણીઓ કરતાં સાવ ફિક્કો અને અલગ જોવા મળ્યો છે. ન તો કોઈ મોટા ગજાના રાષ્ટ્રીય નેતા આવ્યા, ન તો મુખ્યમંત્રીની કોઈ વિશાળ જાહેર સભા યોજાઈ. હવે ડંડો મતદારોના હાથમાં છે, જેમના મતો આગામી દિવસોમાં સંગઠન અને ધારાસભ્યોનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે.આ વખતે પ્રચાર દરમિયાન જનતામાં જોઈએ તેવો ઉત્સાહ દેખાયો નથી. ભાજપના ગઢ ગણાતા વડોદરામાં આ વખતે સ્ટાર પ્રચારકોની મોટી ખોટ વર્તાઈ છે. મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને ડેપ્યુટી સીએમ માત્ર એકાદ વાર હાજરી આપી પરત ફર્યા છે. પ્રદેશ પ્રમુખે પણ માત્ર રોડ શો કરીને સંતોષ માન્યો હતો, કોઈ મોટી સભા ગજવી નહોતી. મુખ્યમંત્રીએ જિલ્લામાં સભા કરી હતી. વડોદરાના લોકો જે નેતાને જોવા-સાંભળવા આતુર હતા, તેવા ‘લોકલાડીલા’ નેતાની ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે. અટલ બિહારી વાજપેયી કે નરેન્દ્ર મોદી જેવા પ્રભાવ પાડી શકે તેવા નેતાના અભાવે પ્રચાર સાવ લો-પ્રોફાઈલ રહ્યો છે. સ્થાનિક નેતાઓના ખભા ઉપર આ ચૂંટણીનો પ્રચાર હોય તેમ લાગી રહ્યું હતું.બીજી તરફ, આ ચૂંટણી માત્ર ઉમેદવારો માટે જ નહીં, પરંતુ વડોદરાના ધારાસભ્યો માટે પણ લિટમસ ટેસ્ટ સમાન છે. જો તેમના વિસ્તારમાં ભાજપની પેનલ તૂટશે અથવા કોંગ્રેસની પેનલ વિજયી થશે, તો તે ધારાસભ્યની ટિકિટ કાપવા માટે પૂરતું કારણ બની જશે. જો બેઠકો આવશે, તો તેનો શ્રેય ઉમેદવારના નામ અને સંગઠનની મહેનતને જશે; પરંતુ જે ધારાસભ્યના વિસ્તારમાં પક્ષનો દેખાવ નબળો રહેશે, તેમનું રાજકીય ભવિષ્ય ધૂંધળું બની શકે છે.પ્રચાર શાંત થયા બાદ હવે ઓટલા બેઠકો અને ઘેર-ઘેર પ્રચાર તેજ બન્યો છે. એવી પણ ચર્ચાઓ છે કે મતદારોને રીઝવવા માટે છેલ્લી રાતે દારૂ અને અન્ય લાલચો પીરસવામાં આવી શકે છે. વડોદરાની આ ચૂંટણી માત્ર પાલિકાની સત્તા મેળવવાની જંગ નથી, પરંતુ અનેક નેતાઓના અસ્તિત્વની લડાઈ છે. 26 એપ્રિલે ઈવીએમમાં કેદ થનારું ભવિષ્ય 28 એપ્રિલે કોના નસીબ ખોલશે અને કોના પત્તા કાપશે, તેના પર સમગ્ર રાજ્યની નજર છે.



ચૂંટણી તંત્ર સજ્જ
જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયાએ પત્રકાર પરિષદ યોજીને ચૂંટણી અંગેની તમામ તૈયારીઓની વિગતો જાહેર કરી હતી. તેમણે જણાવ્યું કે ચૂંટણીમાં કુલ 2406 મતદાન મથકો પર 21,95,738 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. આ માટે 5442 બેલેટ યુનિટ અને 4290 કંટ્રોલ યુનિટ ફાળવવામાં આવ્યા છે. વડોદરા મનપાની 8 બેઠકો અને ડભોઈમાં ઉમેદવારો વધુ હોવાથી 2-2 બેલેટ યુનિટ વપરાશે. 13,234 પોલિંગ સ્ટાફ અને 7,939 પોલીસ જવાનો તૈનાત છે તેમજ 2487 હથિયારો જમા લેવામાં આવ્યા છે. કોઈ પણ પૂછપરછ માટે કંટ્રોલ રૂમ નંબર 0265-2427592 જાહેર કરવામાં આવ્યો છે. મતદાન જાગૃતિ માટે સોશિયલ મીડિયા અને એલઈડી ડિસ્પ્લે દ્વારા વ્યાપક પ્રચાર કરવામાં આવી રહ્યો છે. 26 એપ્રિલ 2026ના રોજ મતદાન અને 28 એપ્રિલ 2026ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

પૂર્વ પ્રમુખનો 69 બેઠકોનો રેકોર્ડ તૂટશે કે પ્રમુખ બદલાશે?
ભાજપના આંતરિક વર્તુળોમાં અત્યારે એક જ ચર્ચા છે કે વિજય શાહનો રેકોર્ડ તૂટશે કે નહીં? ગત ટર્મમાં પૂર્વ પ્રમુખ ડો. વિજય શાહની આગેવાનીમાં સંગઠને ભારે મહેનત કરીને 69 બેઠકો મેળવી હતી. હવે નવા પ્રમુખ માટે આ આંકડો પાર કરવો એક મોટો પડકાર છે. ચર્ચા મુજબ જો 69 થી વધુ બેઠકો આવશે, તો નવા પ્રમુખની મહેનત રંગ લાવશે; પરંતુ જો બેઠકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે, તો વર્તમાન પ્રમુખ અને મહામંત્રીઓને રાજીનામું આપવું પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

મતદારોની નીરવ શાંતિ, રાજકીય પક્ષોમાં ફફડાટ
સામાન્ય રીતે ચૂંટણી પૂર્વે વડોદરામાં જે ઉત્સાહ જોવા મળતો હોય છે, તેના બદલે આ વખતે મતદારોમાં ગજબની શાંતિ જોવા મળી રહી છે. રોડ-રસ્તા, પાણી અને ગટર જેવા પાયાના પ્રશ્નોને લઈને લોકોમાં આંતરિક રોષ છે. મોટા નેતાઓની ગેરહાજરીથી કાર્યકરોમાં પણ ઉત્સાહ ઓછો દેખાયો છે. જો મતદાનની ટકાવારી ઘટશે, તો સત્તાધારી પક્ષના સમીકરણો બગડી શકે છે. કોંગ્રેસ જો મજબૂત પેનલ સાથે આવશે, તો ધારાસભ્યોની ઊંઘ હરામ થઈ જશે. લોકોમાં દર ચૂંટણીમાં જોવા મળતો ઉત્સાહ આ વખતે ક્યાંય જોવા મળ્યો નથી. પક્ષના કાર્યાલયો ખાલીખમ જણાતા હતા, તો ફેરણીઓમાં પણ લોકોની પાંખી હાજરી જોવા મળી હતી.

Reporter: admin

Related Post