News Portal...

Breaking News :

સોના-ચાંદી ખરીદવું પડશે વધુ મોંઘું! સરકારે ઇમ્પોર્ટ ડ્યુટી વધારી, બજારમાં ભાવ ઉછળવાની શક્યતા

2026-05-13 10:59:52
સોના-ચાંદી ખરીદવું પડશે વધુ મોંઘું! સરકારે ઇમ્પોર્ટ ડ્યુટી વધારી, બજારમાં ભાવ ઉછળવાની શક્યતા


કેન્દ્ર સરકારે સોનું, ચાંદી અને અન્ય કિંમતી ધાતુઓની આયાત પર લાગતી કસ્ટમ ડ્યુટીમાં મોટો વધારો કરતા હવે ગ્રાહકોના ખિસ્સા પર સીધી અસર થવાની શક્યતા ઉભી થઈ છે. 


નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા નોટિફિકેશન મુજબ ગોલ્ડ, સિલ્વર અને કિંમતી ધાતુઓ પરની ઈમ્પોર્ટ ડ્યુટી વધારીને 10 ટકા કરવામાં આવી છે. નવા દરો 13 મે 2026થી અમલમાં આવી ગયા છે. સરકારના નિર્ણય બાદ ગોલ્ડ પર કુલ ઈમ્પોર્ટ ડ્યુટી 6 ટકાથી વધીને સીધી 15 ટકા થઈ ગઈ છે. તેમાં બેઝિક કસ્ટમ ડ્યુટી (BCD) 5 ટકાથી વધારીને 10 ટકા કરવામાં આવી છે, જ્યારે એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ (AIDC) 1 ટકાથી વધારીને 5 ટકા કરાયો છે. UAEથી ક્વોટા હેઠળ આયાત થતા સોનાં પર મળતી રાહત પણ હવે ઓછી થઈ જશે.ઈમ્પોર્ટ ડ્યુટીમાં થયેલા વધારાથી બુલિયન વેપારીઓ અને જ્વેલર્સ માટે સોનાની આયાત વધુ ખર્ચાળ બનશે. જેના કારણે બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી શકે છે. 


નિષ્ણાતોના મતે લગ્નસરા અને તહેવારોની સિઝનમાં ગ્રાહકોને સોનાની ખરીદી માટે વધુ ખર્ચ કરવો પડી શકે છે. માત્ર જ્વેલરી જ નહીં, પરંતુ કિંમતી ધાતુઓનો ઉપયોગ કરતી ઇન્ડસ્ટ્રીઝ અને રિસાયક્લિંગ કંપનીઓ પર પણ આ નિર્ણયની અસર પડશે. તેમના ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. ભારતમાં સોનાની આયાતમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. વર્ષ 2025-26 દરમિયાન દેશની ગોલ્ડ ઈમ્પોર્ટ 24 ટકા વધીને રેકોર્ડ 71.98 અબજ ડોલર સુધી પહોંચી છે. અગાઉ 2024-25માં આ આંકડો 58 અબજ ડોલર હતો. જોકે જથ્થાની દૃષ્ટિએ આયાતમાં થોડો ઘટાડો થયો છે અને 721.03 ટન સોનાની આયાત નોંધાઈ છે. ભારત વિશ્વમાં ચીન બાદ સોનાનો બીજો સૌથી મોટો ગ્રાહક દેશ માનવામાં આવે છે. દેશની કુલ આયાતમાં સોનાનો હિસ્સો 9 ટકાથી વધુ છે. ભારતમાં સૌથી વધુ સોનાની આયાત સ્વિટ્ઝર્લેન્ડથી થાય છે, ત્યારબાદ UAE અને દક્ષિણ આફ્રિકાનો ક્રમ આવે છે.ઉલ્લેખનીય છે કે જુલાઈ 2024ના બજેટમાં સરકારે ગોલ્ડ પરની કુલ ઈમ્પોર્ટ ડ્યુટી 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરી હતી, પરંતુ હવે ફરી વધારો થતા બજારમાં સોનાના ભાવમાં નવી તેજી જોવા મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Reporter: admin

Related Post