News Portal...

Breaking News :

ભાજપના પ્રચારમાં બુટલેગરની દખલ! વોર્ડ 18માં વાયરલ વીડિયોથી પક્ષની શિસ્ત પર સવાલો

2026-04-22 11:53:16
ભાજપના પ્રચારમાં બુટલેગરની દખલ! વોર્ડ 18માં વાયરલ વીડિયોથી પક્ષની શિસ્ત પર સવાલો


દારૂબંધીની વાતો વચ્ચે ગુનાહિત તત્વો સાથે પ્રચાર કરતાં ઉમેદવાર ઘેરાયા
SMCમાં ઝડપાયેલો અવધેશ ચતુર્વેદી ઉમેદવારની બાજુમાં; કાર્યકરો ગાયબ, રાજકારણમાં ‘મસલ પાવર’ની એન્ટ્રી પર ચર્ચા ગરમ


વોર્ડ નંબર 18માં ભાજપનાં ઉમેદવારના પ્રચારમાં ખુદ બુટલેગર મેદાને, વાયરલ વીડિયોએ પક્ષની શિસ્તના ધજાગરા ઉડાડ્યા...

સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરાનાં શુદ્ધ રાજકારણમાં હવે ગુનાહિત તત્વોની એન્ટ્રી થતાં ચર્ચા જાગી છે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી હોય કે વિધાનસભાની, ભાજપ હંમેશા 'કેડર બેઝ્ડ' પાર્ટી હોવાનો દાવો કરે છે, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ આ દાવાઓની પોલ ખોલી નાખી છે. વોર્ડ નંબર 18નાં ભાજપનાં ઉમેદવાર કેતન પટેલનાં ચૂંટણી પ્રચારમાં અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના હાથે ઝડપાયેલો કુખ્યાત બુટલેગર અવધેશ ચતુર્વેદી ખુલ્લેઆમ ફરતો દેખાતા રાજકીય આલમમાં ભૂકંપ સર્જાયો છે.ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવાર સાથે કોણ ફરે છે તેના પર જનતાની ચાંપતી નજર હોય છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વોર્ડ 18ના ઉમેદવાર કેતન પટેલ જ્યારે વિસ્તારમાં ફેરણી કરી રહ્યા છે, ત્યારે તેમની બિલકુલ પાછળ ચશ્મા પહેરીને ઉભેલો શખ્સ બીજું કોઈ નહીં પરંતુ તરસાલી વિસ્તારનો જાણીતો બુટલેગર અવધેશ ચતુર્વેદી છે. જે પક્ષ દારૂબંધીના કડક અમલની વાતો કરે છે, તે જ પક્ષનાં ઉમેદવારને હવે પ્રચાર માટે બુટલેગરોના સહારે ઉતરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

શું ભાજપમાં કાર્યકરો ખૂટી પડ્યા છે કે પછી બુટલેગરોનાં ડર અને દારૂના જોરે મતો અંકે કરવાનો આ પ્રયાસ છે? તેવા પ્રશ્નો મતદારો પૂછી રહ્યા છે.
અવધેશ ચતુર્વેદી કંઈ એવો સામાન્ય શખ્સ નથી. થોડા સમય પહેલા જ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ બાતમીના આધારે તરસાલી ગામનાં ચોરાવાળા ફળિયામાં દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન અવધેશ પ્રેમનારાયણ ચતુર્વેદી રંગેહાથ ઝડપાયો હતો. તેની સાથે અન્ય સાગરીતો વિજયસિંહ રાજપૂત, ઇન્દ્રસિંહ ઉર્ફે ટીકો અને અશોક વાદી પણ પોલીસ સકંજામાં આવ્યા હતા. પોલીસે તે સમયે લાખો રૂપિયાનો દારૂ અને વાહનો કબજે કર્યા હતા.આટલો ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ જો સત્તાધારી પક્ષના ઉમેદવારની છત્રછાયામાં પ્રચાર કરતો હોય, તો સામાન્ય જનતાની સુરક્ષાનું શું? પોલીસે અવધેશ સહિતના આરોપીઓ પાસેથી દારૂની 616 બોટલો અને વાહનો મળીને કુલ 8.96 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અવધેશ મહિલા બુટલેગર પ્રેમિલા ઉર્ફે રમિલા અને ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ સાથે દારૂનો ધંધો કરતો હોવાનો પણ ખુલાસો થયો હતો. હવે આ જ અવધેશ ભાજપના ઉમેદવાર કેતન પટેલનો પ્રચાર કરવા માંજલપુર વિસ્તારમાં ફરી રહ્યો છે.બુટલેગર જો ભાજપનાં ઉમેદવારનો પ્રચાર કરે, તો સમજી શકાય કે ભાજપની હાલત કેવી છે—એવું ખુદ કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે. નારાજગી એટલી વધી ગઈ છે કે કાર્યકરો પ્રચારમાં જતા જ નથી અને તેથી બુટલેગરો અને તેમનાં સાગરીતોનો સહારો લેવો પડે છે, એવું કાર્યકરો કહી રહ્યા છે.વડોદરામાં ભાજપનો ગઢ હવે ખખડી રહ્યો છે. લોકો પાયાની સુવિધાઓથી ભારે ત્રસ્ત છે, એટલે હવે ભાજપ બુટલેગરોને આગળ કરીને ધાક-ધમકીનું રાજકારણ ખેલવા માંગે છે. વોર્ડ નંબર 18નાં ઉમેદવારની બાજુમાં બુટલેગરનું હોવું એ જ પુરાવો છે કે 'ગુજરાત મોડેલ'માં ગુનેગારોને મોકળું મેદાન મળી રહ્યું છે.



મતદારોનાં મનમાં પ્રશ્નોનો મારો:
શું ભાજપને હવે ચૂંટણી જીતવા માટે ગુનેગારોનાં સમર્થનની જરૂર પડી રહી છે? તેવા સવાલો લોકોનાં મનમાં ઊભા થઈ રહ્યા છે. લોકો એવો પણ સવાલ કરી રહ્યા છે કે પોલીસ જેમને જેલનાં સળિયા પાછળ ધકેલે છે, તેમને ઉમેદવાર પોતાની સાથે કેમ રાખે છે? શું આ બુટલેગર દ્વારા વિસ્તારમાં ગરીબ મતદારોને આકર્ષવા માટે દારૂની લહાણી કરવાની યોજના છે? આ મામલે ભાજપના ઉચ્ચ નેતાગણ આ ગંભીર શિસ્તભંગ સામે શું પગલાં લેશે?

કોણ છે અવધેશ ચતુર્વેદી?
અવધેશ ચતુર્વેદી વડોદરાના તરસાલી દામોદરનગર વિસ્તારમાં રહે છે. તે લાંબા સમયથી ગેરકાયદેસર દારૂના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું પોલીસ રેકોર્ડમાં નોંધાયેલ છે. તેની ધરપકડ બાદ તે જામીન પર બહાર આવ્યો હોવાનું મનાય છે. સ્થાનિક સ્તરે તે મની અને મસલ પાવર ધરાવે છે, જેના કારણે રાજકીય પક્ષો આવા તત્વોનો ચૂંટણી ટાણે 'ઉપયોગ' કરતા હોય છે. વીડિયોમાં તે કેતન પટેલની ખૂબ નજીક જોવા મળે છે, જે દર્શાવે છે કે તે માત્ર કાર્યકર નહીં પરંતુ ખાસ વ્યૂહરચનાકાર પણ હોઈ શકે છે.

પક્ષની પ્રતિષ્ઠા દાવ પર
વડોદરામાં ભાજપના શુદ્ધ રાજકારણની વાતો વચ્ચે આ વીડિયો વાયરલ થતાં શહેર ભાજપ પ્રમુખ બેકફૂટ પર આવી ગયા છે. દારૂનાં કાળા કારોબાર સાથે જોડાયેલા લોકો સફેદ ખાદીધારીઓ સાથે ખભેખભા મિલાવીને પ્રચાર કરે તે કેટલું વ્યાજબી છે? આગામી દિવસોમાં આ મુદ્દો ચૂંટણીના પરિણામો પર મોટી અસર કરી શકે છે. શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી આ બુટલેગરને 'ગેટ આઉટ' કહેશે કે પછી મતોની લાલચે તેની હાજરી ચલાવી લેશે—તે પર સૌની મીટ મંડાયેલી છે.

Reporter: admin

Related Post