પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે; પરિવારને જાણ કરાઈ
રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા એનેસ્થેસિયોલોજિસ્ટ ડો. હર્ષ ચૌધરીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા હોસ્પિટલ સ્ટાફમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ડો. હર્ષ ચૌધરી હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગમાં સિનિયર રેસિડન્ટ તરીકે કામગીરી બજાવતા હતા.માહિતી અનુસાર, 8 મેના રોજ ડો. હર્ષ તેમની નિયમિત ડ્યુટી પર હાજર રહ્યા નહોતા. જેના કારણે તેમની સાથે કામ કરતા અન્ય ડોક્ટરોએ ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો. બાદમાં સહકર્મીઓ તેમના નિવાસ સ્થાન પર પહોંચ્યા હતા અને દરવાજો ખખડાવ્યો હતો, છતાં અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો.
સ્થિતિ શંકાસ્પદ લાગતાં આખરે દરવાજો તોડી અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો. જ્યાં ડો. હર્ષ ચૌધરી બેડ પર બેભાન હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.રાજપીપળા સિવિલ હોસ્પિટલના સિવિલ સુપરિન્ટેન્ડન્ટ ડો. મનિષ મેહતાએ સમગ્ર ઘટનાની પુષ્ટિ કરી હતી. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. તેમનું મૃત્યુ કુદરતી કારણોસર થયું છે કે આત્મહત્યા જેવી કોઈ ઘટના છે તે અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટતા થશે.હાલ સુરતમાં રહેતા તેમના પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે પણ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
Reporter: admin







