કેસરિયા શક્તિ પ્રદર્શન કે મતની માગણી? રોડ શોમાં વચનોની ગુંજ, હકીકત હજુ સવાલોમાં!..
ઢોલ-નગારા, ધ્વજ અને નારા—પણ વિકાસ ક્યાં? જનતા પૂછે જવાબ!.
પ્રદેશ અધ્યક્ષનો ભવ્ય રોડ શો, નેતાઓની લાઈન લાગેલી—પરંતુ પાયાની સમસ્યાઓ વચ્ચે ‘સમર્થન’ની હકીકત પર ઉઠ્યા પ્રશ્નો!.
વડોદરા શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. આગામી 26 એપ્રિલે યોજાનાર ચૂંટણીના અંતિમ તબક્કામાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચાર ઝુંબેશને તેજ બનાવી છે. આ અંતર્ગત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં ભવ્ય રોડ શો યોજાયો હતો.માંડવી ખાતેથી પ્રારંભ થયેલા આ રોડ શોમાં કેસરિયા ધ્વજ સાથે “ભારત માતા કી જય”ના નાદ અને દેશભક્તિના ગીતોની ગુંજ વચ્ચે કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
રોડ શો ગેંડી ગેટ, નાની શાક માર્કેટ, બરાનપુરા, ન્યૂ રોડ, ભગતસિંહ ચોક થઈ માર્કેટ ચાર રસ્તા ખાતે સમાપ્ત થયો હતો.આ પ્રસંગે શહેર અધ્યક્ષ ડો. જયપ્રકાશ સોની, હિતેન્દ્રસિંહ ચૌહાણ, સાંસદ હેમાંગ જોશી, ધારાસભ્યો, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, સહિત અનેક અગ્રણીઓ અને કુલ 76 ઉમેદવારો હાજર રહ્યા હતા.રોડ શોને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે વડોદરા, સુરત અને રાજકોટમાં યોજાયેલા રોડ શોને પ્રજાએ જંગી સમર્થન આપ્યું છે, જે ભાજપા પ્રત્યેના વિશ્વાસનું પ્રતિબિંબ છે. તેમણે મતદાતાઓને 26 એપ્રિલે ભાજપાના ઉમેદવારોને જીતાડવા અને વિકાસને આગળ વધારવા આહ્વાન કર્યું હતું.
Reporter: admin







