વડોદરા સ્માર્ટ સિટીનું વધુ એક નવું કૌભાંડ
૧૪ કરોડનો એસ્ટીમેટેડ પ્રોજેક્ટ ૮૩ કરોડ પહોંચ્યો !! કોના બાપની દિવાળી ? બોર્ડ ઓફ ડાયરેક્ટરોની મંજૂરી વગર જ પેમેન્ટ થયું !!
સ્માર્ટ સિટીનાં અધિકારીઓએ કરેલ કરોડોનો ગોલમાલ
વડોદરા સ્માર્ટ સિટી કંપનીમાં મ્યુનિસિપલ કમિશનર,ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન, ડાયરેક્ટર (આઈટી), સીટી એન્જિનિયર તથા અન્ય મહાનુભાવો ડાયરેક્ટર પદે બિરાજમાન છે. એકબીજાનાં સહકાર વગર આવી કરોડોની ગોલમાલ શક્ય નથી
વડોદરા સ્માર્ટ સિટીનો ‘સ્માર્ટ વહીવટ’, એસ્ટીમેટેડ કોસ્ટ કરતા ૬૦૦ ટકા વધુ રકમની ચુકવણી !!
₹૧૪ કરોડનો પ્રોજેક્ટ ₹૮૩ કરોડે પહોંચ્યો છતાં સુવિધાના નામે મીંડું..
નિયમોનાં ‘ટાયર પંચર’ કરી અધિકારીઓએ ગાઈડલાઈન વિરુદ્ધ ₹૮૩ કરોડ એજન્સી પર ઓવારી દીધા, દંડ વસૂલવામાં પણ દાખવી રહેમ નજર.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે વડોદરાને શાંઘાઈ બનવાનું સપનું વર્ષ 2005 માં જોયું હતું. આ જવાબદારી તેમણે વડોદરાના શાસકોને સોંપી હતી. આજે 20 વર્ષ પછી પણ શહેર શાંઘાઈ તો ઠીક, સુરત જેવું પણ બન્યું નથી. વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (VSCDL) માં કરોડો રૂપિયાનાં ફંડનો જે પ્રકારે દુરુપયોગ થઈ રહ્યો છે તેનો વધુ એક ચોંકાવનારો રિપોર્ટમાં બહાર આવ્યો છે. સ્માર્ટ સિટીની ગાઈડલાઈન મુજબ જે ખર્ચ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને (VMC) ભોગવવાનો હતો, તે ૮૩.૧૬ કરોડ રૂપિયા અધિકારીઓએ મનસ્વી રીતે સ્માર્ટ સિટીના ફંડમાંથી ચૂકવી દીધા હોવાનું બહાર આવ્યું છે. આટલો જંગી ખર્ચ કર્યા પછી પણ મુસાફરો માટે બસોનું કોઈ ઠેકાણું નથી અને એજન્સી પર દંડ કરવાના બદલે અધિકારીઓ રહેમનજર વરસાવી રહ્યા છે.સિટી બસો ચલાવવા માટેનું ‘વાઈબિલિટી ગેપ ફંડિંગ’ (VGF) કોર્પોરેશને પોતાના બજેટમાંથી આપવાનું હતું. સ્માર્ટ સિટી ફંડનો ઉપયોગ માત્ર બસોને સ્માર્ટ બનાવવાની આઈટી સિસ્ટમ માટે જ કરી શકાય, પરંતુ અધિકારીઓએ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મંજૂરી લીધા વગર જ ૮૩.૧૬ કરોડ રૂપિયા એજન્સીને ચૂકવી દીધા છે. નવાઈની વાત તો એ છે કે પ્રોજેક્ટનું અંદાજિત બજેટ માત્ર ૧૪ કરોડ રૂપિયા હતું, જે વધીને ૮૩ કરોડે પહોંચી ગયું છતાં કોઈએ સવાલ ઉઠાવ્યો નથી.તંત્રની એજન્સી પ્રત્યેની વહાલી-દવલાની નીતિ ત્યારે છતી થઈ જ્યારે ઓડિટમાં ખબર પડી કે માત્ર ઓગસ્ટ ૨૦૨૩માં જ બસોએ ૭૦૨ ટ્રીપ મિસ કરી હતી, જેનો દંડ ૩૫.૧૦ લાખ રૂપિયા થતો હતો. આ દંડ વસૂલવાને બદલે અધિકારીઓએ એવો લૂલો બચાવ કર્યો કે ધારાસભ્યો અને સાંસદોના કહેવાથી રૂટ બદલવામાં આવ્યા હતા તેથી દંડ કર્યો નથી. કોન્ટ્રાક્ટની શરતો મુજબ દંડ વસૂલવો ફરજિયાત હોવા છતાં જનતાના પૈસા એજન્સીનાં ખિસ્સામાં જવા દેવામાં આવ્યા છે.વધુમાં, કોર્પોરેશને સરકાર પાસેથી મળેલું ૮.૯૮ કરોડનું અનુદાન (Grant) પણ પોતાની પાસે જ રાખ્યું છે અને VSCDL ને ટ્રાન્સફર કર્યું નથી. એક તરફ સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ્સ અધૂરા છે અને બીજી તરફ તંત્રના એકાઉન્ટિંગ લેવલના આ ‘ગોલમાલ’થી કરોડો રૂપિયાનું આંધણ થઈ રહ્યું છે. સ્માર્ટ સિટીના નામે શહેરને આધુનિકતાના શિખરે લઈ જવાની ગુલબાંગો વચ્ચે વડોદરાના વહીવટી તંત્રએ નીતિ-નિયમોને જ ‘રિવર્સ ગિયર’માં નાખી દીધા હોય તેવું જણાઈ રહ્યું છે. શહેરના ટ્રાન્સપોર્ટ વારસાને આધુનિક બનાવવાના ઓથા હેઠળ સ્માર્ટ સિટીના અધિકારીઓએ નિયમોના જ ‘ટાયર પંચર’ કરી નાખ્યા છે. ૧૪ કરોડના અંદાજિત પ્રોજેક્ટને ૮૩ કરોડના અધધ ખર્ચ સુધી ખેંચી જઈને આચરેલી આર્થિક અનિયમિતતાઓ સાબિત કરે છે કે અધિકારીઓએ સત્તાના જોરે સરકારી ગાઈડલાઈનને માત્ર નેવે જ નથી મૂકી, પરંતુ જનતાની પરસેવાની કમાણીને મનપસંદ એજન્સીઓ પર ઓવારી દેવા માટે સ્માર્ટ સિટીના ફંડને જાણે ‘બ્લેન્ક ચેક’ સમજી લીધું છે. તંત્ર માત્ર કાગળ પર ‘સ્માર્ટ’ દેખાવા માટે ગંભીર ગેરરીતિઓ આચરી રહ્યું હોય તેમ જણાય છે, તંત્રની આ કાર્યપદ્ધતિ જોતા એવું પ્રતીત થાય છે કે, કરોડોનાં ખર્ચ છતાં સ્માર્ટ સિટીના તમામ દાવાઓ વાસ્તવિકતામાં નહીં પરંતુ માત્ર કાગળના કિલ્લા સમાન છે.
તંત્રનો લૂલો બચાવ: અધિકારીઓએ સ્વીકાર્યું છે કે ૧૪ કરોડનો અંદાજ માત્ર એક વર્ષ માટે હતો અને નેશનલ રેન્કિંગ સુધારવા માટે ઉતાવળે ખર્ચ કરવામાં આવ્યો હતો.
નિયમોનું ઉલ્લંઘન: સ્માર્ટ સિટી ગાઈડલાઈન મુજબ VGF ની ચુકવણી પ્રતિબંધિત હોવા છતાં ૮૩.૧૬ કરોડની ચુકવણી એજન્સીને કરી દેવામાં આવી.
શું સ્માર્ટ સિટીના ફંડનો ઉપયોગ કોર્પોરેશનની જવાબદારીઓ પૂરી કરવા માટે કરવો એ કાયદેસર છે?
બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મંજૂરી વગર ૮૩.૧૬ કરોડ જેવી માતબર રકમ કેવી રીતે ચૂકવી દેવામાં આવી?
નેતાઓ દ્વારા રૂટ બદલવાનું બહાનું ધરીને ખાનગી એજન્સીને ૩૫.૧૦ લાખનો દંડ માફ કરી દેવો એ ભ્રષ્ટાચાર નથી તો શું છે?
જે પ્રોજેક્ટનું અંદાજિત ખર્ચ ૧૪ કરોડ હતું તે અચાનક ૮૩ કરોડે પહોંચી ગયું તો શું તેમાં કોઈ મોટી રમત રમાઈ છે?
શું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના ઓડિટ રિપોર્ટમાં થયેલા આ ગંભીર ખુલાસાઓ બાદ જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાશે?
જનતાનાં ટેક્સનાં કરોડો રૂપિયા ખર્ચવા છતાં લોકોને બસની ચોક્કસ સમયસારણી કે સુવિધા કેમ નથી મળતી?
Reporter: admin







