સુરસાગરનો જૂનો પ્રોજેક્ટ ફરીથી વેચાઈ રહ્યો, નવા કામોનાં અભાવે પ્રચારમાં વિરોધાભાસ

જૂના પ્રોજેક્ટ્સને નવું પેકેજિંગ આપી મતદારોને ભ્રમિત કરવાનો પ્રયાસ, તળાવોનાં વાસ્તવિક હાલત પર પડદો ખેંચાયો
વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનાં નેતાઓને મતદારોને રીઝવવા લોઢાના ચણા ચાવવા સમાન સ્થિતિ સર્જાઈ છે. ગત બોર્ડ દ્વારા એવા કોઈ કામો કરાયા ન હતા કે મતદારોને રીઝવી શકાય, તેથી જૂના કામોને નવા કામો તરીકે ચઢાવીને મતદારોને ભ્રમિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. વડોદરાનાં મતદારો સામે જતી વખતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને શહેર પ્રમુખની કથની અને કરણીમાં મોટો તફાવત જોવા મળી રહ્યો હોય તેવું પ્રતીત થાય છે. શહેરનાં વિકાસના નામે મતો માંગવા નીકળેલા નેતાઓ પાસે શું ખરેખર ગત ટર્મના નવા કામોની કોઈ યાદી છે ખરી? એટલે જ વર્ષો જૂના પ્રોજેક્ટ્સને નવું પેકેજિંગ આપીને વડોદરાના મતદારોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે?ભાજપનાં ચૂંટણી પ્રચારમાં હાલમાં સૌથી વધુ જોર 'સુરસાગર તળાવ'ના બ્યુટીફિકેશન પર આપવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર 'પહેલા અને અત્યારે' ના ફોટા મૂકીને સુરસાગર તળાવનાં વિકાસનાં મોટા દાવાઓ કરવામાં આવે છે. પરંતુ સત્ય એ છે કે સુરસાગર તળાવનું મુખ્ય બ્યુટીફિકેશન કાર્ય અંદાજે વર્ષ 2019-2020માં પૂર્ણ થઈ ગયું હતું. ફેબ્રુઆરી 2020માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રૂ. 38 કરોડના આ પ્રોજેક્ટનું લોકાર્પણ પણ થઈ ચૂક્યું છે.સવાલ એ ઊભો થાય છે કે જે કામ પાંચ-છ વર્ષ પહેલા પૂર્ણ થઈ ગયું, જેના આધારે અગાઉની ચૂંટણીઓ પણ લડાઈ ગઈ, એ જ સુરસાગરને ફરીથી અત્યારે પ્રચારનું કેન્દ્ર કેમ બનાવવામાં આવ્યું છે? શું છેલ્લા પાંચ વર્ષમાં શાસકો પાસે બતાવવા જેવું એક પણ નવું સીમાચિહ્નરૂપ કામ નથી? રસપ્રદ વાત એ છે કે એક તરફ ભાજપનાં નેતાઓ સોશિયલ મીડિયા પર સુરસાગરની ચમક બતાવીને 'કામ થઈ ગયું' ના દાવા કરે છે, તો બીજી તરફ તેમના જ ચૂંટણી ઢંઢેરામાં સુરસાગર તળાવને 'આયોજન હેઠળના કામો'માં દર્શાવવામાં આવે છે. જો કામ થઈ ગયું છે તો આયોજન શાનું? અને જો આયોજન હજુ બાકી છે, તો પૂર્ણ થયેલા કામનાં નામે મત કેમ માંગવામાં આવે છે? આ વિરોધાભાસ વડોદરાના જાગૃત નાગરિકોને ભ્રમિત કરવાનો સ્પષ્ટ પ્રયાસ દેખાઈ રહ્યો છે. શાસકો માત્ર સુરસાગરનાં ફોટા જ કેમ મૂકે છે? કારણ કે બાકીના તળાવોની સ્થિતિ જોતા જ જનતાનો રોષ ફાટી નીકળે તેમ છે. વડોદરાનાં મતદારો હવે જાગૃત છે. માત્ર લાઇટિંગ અને પેઇન્ટિંગને વિકાસ કહી શકાય નહીં. જો પાંચ વર્ષમાં નક્કર કામો થયા હોત, તો શાસકોએ 2020ના જૂના પ્રોજેક્ટ્સનો સહારો લેવો ન પડ્યો હોત. શું વડોદરાની જનતા આ ભ્રમિત પ્રચારને વશ થશે કે પછી જવાબ માંગશે? એ તો આવનારો સમય જ કહેશે.
હરણી તળાવમાં હજુ પણ જંગલી ઘાસ અને ગંદકીનું સામ્રાજ્ય છે. લેક ઝોન હોવા છતાં જાળવણીનાં નામે શૂન્ય છે.
મોટનાથ તળાવમાં જંગલી વેલા અને બહાર દારૂની ખાલી બોટલો તેમજ બિયરના ટીન જોવા મળે છે. શું આ સંસ્કારી નગરીનો વિકાસ છે?
સમા અને ગોત્રી તળાવમાં પણ ગંદકીનું સામ્રાજ્ય છે અને વરસાદી કાંસના બહાને ગટરનું ગંદુ પાણી સીધું તળાવમાં છોડવામાં આવે છે.
પૈસા પાણીમાં: વોક-વે ડૂબ્યો, પ્રજાનો ટેક્સ ધોવાયો
છ વર્ષ પહેલા કોર્પોરેશને કરોડોના ખર્ચે સુરસાગરનું બ્યુટીફિકેશન તો કર્યું, પરંતુ એન્જિનિયરિંગમાં એવી કઈ ખામી રહી ગઈ કે સામાન્ય વરસાદમાં પણ શહેરીજનો માટે બનાવેલો વોક-વે ડૂબી ગયો? પાલિકાએ અલગથી પંપ લગાવીને પાણીનો નિકાલ ડ્રેનેજમાં કરવો પડ્યો. આ દર્શાવે છે કે આયોજનમાં દૂરંદેશીનો અભાવ હતો અને પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા જાણે પાણીમાં ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
જૂના ભાણામાં નવી પીરસણ કેમ?
જે પ્રોજેક્ટ્સ 2020માં લોકાર્પણ થઈ ગયા, તેના આધારે 2026માં વોટ માંગવા એ મતદારોની બુદ્ધિનું અપમાન નથી? ભાજપના નેતાઓ ગત પાંચ વર્ષના નવા કામોનો રિપોર્ટ કાર્ડ રજૂ કરવાને બદલે ઇતિહાસ કેમ વાગોળી રહ્યા છે? તે સૌથી મોટો સવાલ મતદારોને થઈ રહ્યો છે. જો કે મતદારો પણ જાણે છે કે કોઈ કામ જ કર્યું ન હોય એટલે જૂના કામોનો પ્રચાર અત્યારે કરવામાં આવી રહ્યો છે.
માત્ર સુરસાગર જ કેમ?
વડોદરામાં ડઝનબંધ તળાવો છે. જો વિકાસ થયો હોય તો સમા અને ગોત્રી તળાવની ગંદકી, હરણી લેક ઝોનનું જંગલી ઘાસ અને મોટનાથ તળાવ પાસે પડેલી દારૂની બોટલોના ફોટા ભાજપ પોતાના પ્રચારમાં કેમ નથી મૂકતું? શું વિકાસ માત્ર એક જ તળાવ પૂરતો સીમિત છે?
ઢંઢેરાની પોલ ખુલી
ભાજપનાં ચૂંટણી ઢંઢેરામાં સુરસાગરને 'આયોજન હેઠળ' બતાવવામાં આવે છે, જ્યારે પોસ્ટરમાં 'વિકાસ થઈ ગયો'ના દાવા કરવામાં આવે છે. નેતાઓ પોતે જ અસમંજસમાં છે કે જનતાને શું કહીને છેતરવી, અને તેથી જ પૂર્ણ થયેલા કામોને નવા આયોજન હેઠળના કામો બતાવીને મતદારોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર 'પહેલા અને અત્યારે' ના ફોટા મૂકીને લોકોને ભરમાવવાનો પ્રયાસ...
ભાજપનાં શહેર પ્રમુખ સહિતના નેતાઓ હવે સોશિયલ મીડિયામાં સુરસાગર તળાવનાં બ્યુટીફિકેશનના નામે લોકોને ભરમાવીને મત માગી રહ્યા છે. આ નેતાઓએ પોતાના સોશિયલ મીડિયા પર 'પહેલા અને અત્યારે' ના ફોટા મૂકીને સુરસાગર તળાવનાં વિકાસનાં મોટા દાવાઓ કર્યા છે, પરંતુ વાસ્તવમાં આ પ્રોજેક્ટ તો છ વર્ષ પહેલા પૂરો થઈ ગયો છે અને લોકોને બધી જ ખબર છે.જો શહેર પ્રમુખે કે અન્ય ભાજપનાં નેતાઓએ વીતેલા પાંચ વર્ષમાં ભાજપના શાસકોએ શું કામ કર્યા છે તેનો સચિત્ર અહેવાલ રજૂ કર્યો હોત, તો જનતાને ખબર પડત. પરંતુ પાંચ વર્ષમાં ભાજપે એવા કોઈ કામો કર્યા નથી કે શહેર પ્રમુખ કે અન્ય નેતાઓ તેના ગુણગાન ગાઈ શકે, અને તેથી જ છ વર્ષ પહેલાના સુરસાગરના બ્યુટીફિકેશનના ફોટા અત્યારે વાયરલ કરવામાં આવી રહ્યા છે.કરોડોનાં ખર્ચે ફસાડ લાઈટ અને આરતી માટેનો પ્રોજેક્ટ પુરો થાય ત્યારે ફરી ફોટા મુકજો.
Reporter: admin







