પક્ષીઓમાં અસામાન્ય મૃત્યુ કે લક્ષણો જણાય તો તાત્કાલિક જાણ કરવા તંત્રની અપીલ
ગાંધીનગર જિલ્લામાં બર્ડ ફ્લૂની સંભાવનાને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. જિલ્લામાં કોઈ પણ પ્રકારની ગંભીર પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે પશુપાલન વિભાગ દ્વારા 18 ટીમોની રચના કરી વિવિધ તાલુકાઓમાં આવેલા પોલ્ટ્રી ફાર્મમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા પોલ્ટ્રી ફાર્મ પર પક્ષીઓના આરોગ્યની તપાસ, સેમ્પલિંગ તેમજ સર્વેલન્સની કામગીરી વધુ તેજ કરવામાં આવી છે. ખાસ કરીને જ્યાં મોટી સંખ્યામાં મરઘાં અને અન્ય પક્ષીઓનું પાલન થાય છે તે વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ જિલ્લામાં કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી, છતાં સાવચેતીના ભાગરૂપે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. ટીમો દ્વારા ફાર્મ સંચાલકોને બાયો-સિક્યુરિટી નિયમોનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી છે. તંત્રએ ખેડૂતો અને પોલ્ટ્રી વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને અપીલ કરી છે કે જો કોઈ પક્ષીમાં અસામાન્ય મૃત્યુ, નબળાઈ અથવા અન્ય શંકાસ્પદ લક્ષણો જોવા મળે તો તાત્કાલિક નજીકના પશુપાલન વિભાગને જાણ કરવામાં આવે. બર્ડ ફ્લૂ જેવી સંક્રમણજન્ય બીમારી ફેલાતી અટકાવવા આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યો છે અને જરૂરી સંકલન સાથે કામગીરી શરૂ રાખવામાં આવી છે.
Reporter: admin







