
સરદારધામના લોકાર્પણ અને ત્યારબાદ યોજાનારા રોડ-શોને ધ્યાનમાં રાખીને શહેરભરમાં ST બસોની વિશાળ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. નવલખી મેદાન ખાતે જ 100થી વધુ બસો મુકાતા આસપાસના વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. માહિતી મુજબ, સમગ્ર શહેરમાં 300થી વધુ બસોની ફાળવણી કરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં આવનારા લોકો માટે ફૂડ પેકેટ સહિતની સુવિધાઓ પણ તંત્ર દ્વારા ગોઠવાઈ રહી છે. જોકે, આ ભવ્ય આયોજન વચ્ચે સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ પોલીસ તંત્ર ટ્રાફિક વ્યવસ્થાના દાવા કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ ગ્રાઉન્ડ પર સ્થિતિ અલગ જ જોવા મળી રહી છે.

નવલખી મેદાન અને આસપાસના વિસ્તારોમાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ટ્રાફિક નિયંત્રણ માટે ખાનગી સિક્યુરિટીનો માત્ર એક ગાર્ડ ફરજ પર જોવા મળતા વાહનચાલકો લાંબા સમય સુધી જામમાં ફસાઈ ગયા હતા. ઉનાળાની કડક ગરમી વચ્ચે શહેરનું તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ટ્રાફિકમાં અટવાયેલા લોકો તડકામાં હેરાન-પરેશાન બન્યા હતા. કેટલાક વિસ્તારોમાં લોકોને પીવાના પાણી અને છાંયડાની પણ મુશ્કેલી અનુભવાઈ હતી.વડાપ્રધાનના સ્વાગત માટે ચાલી રહેલી તંત્રની દોડધામ વચ્ચે હવે સવાલ ઊભો થઈ રહ્યો છે કે VIP વ્યવસ્થાઓમાં સામાન્ય નાગરિકોની સુવિધા, ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષાને પૂરતું મહત્વ આપવામાં આવી રહ્યું છે કે નહીં.


Reporter: admin







