અમી રાવત પછી અપક્ષ કોર્પોરેટર હરીશ પટેલ મેદાનમાં
કાયદાકીય લડાઈ કોર્ટમાં થશે.પરંતુ રાજકીય-શાબ્દિક લડાઈ શરૂ થઈ ચૂકી છે
૧૪૫૨ વોટે જનતાએ નકારી કાઢ્યા, હવે ૩૧ વોટની વાર્તાથી રાજકીય ઓક્સિજન શોધી રહ્યા છે!
૩૧ વોટનું રોદણું, ૧૪૫૨ વોટની હાર! અમી રાવત પર હરીશ પટેલનો રાજકીય પ્રહાર
કોંગ્રેસને ગેરમાર્ગે દોરવા ‘નજીવી હાર’નું નાટક, જનતા સામે સત્ય ખુલ્લું પડી ગયું
મતગણતરી વખતે વાંધો નહીં, પરિણામ બાદ ચૂંટણી તંત્ર પર આરોપ; ‘હાર પચતી નથી એટલે કોર્ટનાં દરવાજા ખખડાવ્યા’
હારનાં માર્જીન મુદ્દે હરીશ પટેલનો અમી રાવત પર પ્રહાર, “૩૧ નહીં, ૧૪૫૨ વોટથી હાર્યા
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ નં.૧ની ચૂંટણીનાં પરિણામોને લઈને રાજકીય વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. અપક્ષ વિજેતા હરીશ પટેલે કોંગ્રેસના અમી નરેન્દ્ર રાવત પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે તેઓ માત્ર ૩૧ મતથી નહીં પરંતુ ૧૪૫૨ મતના મોટા અંતરથી હાર્યા છે અને હવે પોતાની હારનું ઠીકરું ચૂંટણી તંત્ર પર ફોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.હરીશ પટેલે જાહેર નિવેદનમાં જણાવ્યું હતું કે રાજ્ય ચૂંટણી વિભાગ સંપૂર્ણ પારદર્શક રીતે કાર્ય કરે છે અને કોઈ પક્ષના દબાણ હેઠળ પરિણામ જાહેર થતું નથી. તેમણે કહ્યું કે ચૂંટણી દરમિયાન તમામ ઉમેદવારોને મતગણતરી એજન્ટ મુકવાની તક આપવામાં આવે છે અને જો મતગણતરી દરમિયાન કોઈ ગેરરીતિ જણાય તો તરત જ વાંધો ઉઠાવી શકાય છે. પરંતુ મતગણતરી પૂર્ણ થાય ત્યાં સુધી અમી રાવત અથવા તેમના એજન્ટો દ્વારા કોઈ વાંધો રજૂ કરવામાં આવ્યો નહોતો.હરીશ પટેલનાં જણાવ્યા મુજબ, તેઓ વોર્ડ નં.૧માં ચૂંટણી લડનારા ૧૮ ઉમેદવારોમાં સૌથી વધુ મત મેળવનાર ઉમેદવાર રહ્યા હતા, જ્યારે અમી રાવત મત મેળવવામાં પાંચમા ક્રમે રહ્યા હતા.
તેમણે દાવો કર્યો કે જાહેર થયેલા પરિણામ મુજબ અમી રાવતને તેમનાં કરતા ૧૪૫૨ મત ઓછા મળ્યા હતા અને મહિલા સામાન્ય બેઠકના વિજેતા પુષ્પાબેન વાઘેલાથી પણ તેઓ ૧૪૨૧ મત પાછળ રહ્યા હતા.તેમણે રાજ્ય ચૂંટણી આયોગના તા.૨૯/૧૧/૨૦૧૫ના નિયમોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે પ્રથમ મહિલાઓ માટે અનામત બેઠકનું પરિણામ જાહેર કરવાનું હોય છે. આ નિયમોના આધારે ૩૧ મતના તફાવત અંગે કરવામાં આવતી રજૂઆતો ભ્રામક હોવાનું તેમણે જણાવ્યું હતું.હરીશ પટેલે વધુમાં પ્રશ્ન ઉઠાવ્યો કે છેલ્લા દસ વર્ષ દરમિયાન શહેરના વિવિધ ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર કોર્ટ કેસ ન કરનાર અમી રાવત હવે પોતાની ચૂંટણી હારને લઈને કોર્ટનો દરવાજો ખખડાવી રહ્યા છે. તેમણે કોંગ્રેસ નેતૃત્વને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.અંતમાં હરીશ પટેલે જણાવ્યું કે જો આગામી ચૂંટણીમાં જીત મેળવવી હોય તો જનતાના પ્રાથમિક પ્રશ્નો માટે કાર્ય કરવું જરૂરી છે અને રાજકીય આક્ષેપો કરતા જનસેવામાં ધ્યાન આપવું જોઈએ.
Reporter: admin







