મકરપુરા વિસ્તારમાં ચેઇન સ્નેચિંગનો ગુનો ડિટેક્ટ, આરોપી પાસેથી પર્સ અને મોબાઇલ કબજે
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે એક્ટિવા પર જતી મહિલાના ખભેથી પર્સ ઝૂંટવી લેનાર રીઢા આરોપી શીવકુમાર ઉર્ફે કાલીયોને પકડી પાડ્યો
વડોદરા શહેરમાં મહિલાઓ સામે થતા ચેઇન સ્નેચિંગ અને ઝૂંટવણીના ગુનાઓ અટકાવવા માટે ક્રાઇમ બ્રાન્ચ સતત સક્રિય છે. ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મકરપુરા વિસ્તારમાં એક મહિલાના ખભેથી પર્સ ઝૂંટવી લેનાર રીઢા આરોપીને પકડી પાડ્યો છે.ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. ગામેતી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એન. બારૈયા અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે તરસાલી અમરશ્રદ્ધા વૂડા જવાના રસ્તાના નાકા પાસેથી શંકાસ્પદ હીરો હોન્ડા સ્પ્લેન્ડર સાથે એક વ્યક્તિને રોકવામાં આવ્યો.
આ વ્યક્તિ શીવકુમાર ઉર્ફે કાલીયો ઉર્ફે રાજા રામમુરત બિંદ (ઉંમર 26) છે, જે કલ્પનાનગર, મકરપુરા ડેપો પાછળ રહે છે.તપાસ દરમિયાન આરોપી પાસેથી એક લીલા રંગનું લેડીઝ પર્સ મળી આવ્યું, જેમાં વનપ્લસ મોબાઇલ ફોન અને એક નાનું ગુલાબી પર્સ જેમાં રોકડ રૂ. 2,000 હતા. આરોપી પાસેથી મળેલ મોટરસાયકલ પણ કબજે કરવામાં આવી છે. સઘન પૂછપરછમાં આરોપીએ કબૂલ કર્યું કે તેણે પાંચેક દિવસ પહેલા માંજલપુર સમન્વય સપ્તર્ષિ આગળના વળાંક પાસે એક્ટિવા પર જતી મહિલાના ખભેથી પર્સ ઝૂંટવી લીધું હતું. આ ગુનો માંજલપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 111960032260237/2026 હેઠળ BNS કલમ 304(2) મુજબ નોંધાયેલ છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. તે અગાઉ ચેઇન સ્નેચિંગના 4 અને વાહનચોરીના 1 ગુનામાં પકડાયેલો છે.આ સફળ કાર્યવાહીમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. ગામેતી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એન. બારૈયા તથા ટીમના હર્ષદકુમાર, હરદીપસિંહ, રજનીકાન્ત, નરોત્તમભાઈ, કુલદીપભાઈ, પ્રદીપભાઈ, અલ્પરાજસિંહ અને સંગીતાબેનની સારી કામગીરી જોવા મળી છે.
Reporter: admin







