News Portal...

Breaking News :

હિમાચલમાં ભાવનગરના પરિવારને ગમખ્વાર અકસ્માત, કાર 150 મીટર ખાઈમાં ખાબકતાં 6નાં મોત

2026-05-11 13:10:16
હિમાચલમાં ભાવનગરના પરિવારને ગમખ્વાર અકસ્માત, કાર 150 મીટર ખાઈમાં ખાબકતાં 6નાં મોત


હિમાચલ પ્રદેશમાં ફરવા ગયેલા ભાવનગરના સિંધી પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. 


ચંબા-નૂરપુર નેશનલ હાઈવે પર કાર ખાઈમાં ખાબકતાં એક જ પરિવારના 6 લોકોના મોત થયા હતા, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. મળતી માહિતી મુજબ, અકસ્માત હિમાચલ પ્રદેશના તુનુહટ્ટી વિસ્તારના કાકીરા ધાર નજીક સર્જાયો હતો. ધર્મશાલા તરફ જઈ રહેલી કાર અચાનક અનિયંત્રિત બની લગભગ 150 મીટર ઊંડી ખાઈમાં ખાબકી હતી. અકસ્માત સમયે વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે રસ્તો અત્યંત લપસણો બની ગયો હતો. પ્રાથમિક તપાસમાં ખરાબ હવામાન અને લપસણો રસ્તો અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે.


અકસ્માતનો જોરદાર અવાજ સાંભળીને સ્થાનિક લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ તંત્રને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ, સ્થાનિક વહીવટીતંત્ર અને બચાવ દળે વરસાદ વચ્ચે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ ખાઈમાં ફસાયેલા ઈજાગ્રસ્તો અને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત ચાર લોકોને તાત્કાલિક સારવાર માટે ટાંડા મેડિકલ કોલેજ, કાંગડા ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે પરિવાર અને વતન ભાવનગરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Reporter: admin

Related Post