News Portal...

Breaking News :

કોયલીમાં સિક્યોરિટી ગાર્ડ સહિત ૪ આરોપીઓએ યુવક પર જીવલેણ હુમલો, પરિવારે CPને આપી રજૂઆત

2026-05-09 11:19:21
કોયલીમાં સિક્યોરિટી ગાર્ડ સહિત ૪ આરોપીઓએ યુવક પર જીવલેણ હુમલો, પરિવારે CPને આપી રજૂઆત


ગઈ કાલે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, હત્યાના પ્રયાસની કલમ ન ઉમેરાતા પરિવારનો આક્ષેપ




કોયલી ખાતે સિક્યોરિટી ગાર્ડ સહિત ૪ વ્યક્તિઓએ યુવક કુશાન ચૌહાણ પર લાકડા અને લોખંડની સળિયાથી હુમલો કર્યો હતો.
વડોદરા: કોયલી વિસ્તારમાં સિક્યોરિટી ગાર્ડ સહિત ચાર વ્યક્તિઓએ એક યુવક પર જીવલેણ હુમલો કર્યાનો આરોપ લાગ્યો છે. ઘટનામાં ઇજાગ્રસ્ત યુવકની હાલત ગંભીર છે. પરિવારે પોલીસ તંત્ર પર યોગ્ય કાર્યવાહી ન કરવાનો આક્ષેપ કરતા પોલીસ કમિશનરને રજૂઆત કરી છે.બાજવા વિસ્તારના અરુણભાઈ ગણપતભાઈ ચાવડા (૧૯) દ્વારા જવાહરનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત ૬ મેના રોજ રાત્રે આશરે ૧૦:૩૦ વાગ્યે અરુણભાઈ પોતાના મિત્ર કુશાન ધનસિંહ ચૌહાણ સાથે બાઈક પર કોયલી ખાતે આઇ.ઓ.સી. એલ. પ્રોજેક્ટ સાઇટ પર જઈ રહ્યા હતા. ત્યાં ન્યુબર્ગ કંપનીના ગેટ પાસે સિક્યોરિટી ગાર્ડ સુરેશ પરમારે તેમને રોક્યા હતા. વાત વધતાં સુરેશ પરમારે કુશાનને થપ્પડ મારી અને ગાળો બોલી હતી. આ દરમિયાન મેહુલ પઢીયાર સહિત અન્યો પણ જોડાયા હતા.ફરિયાદ મુજબ ભરત દલસુખભાઈ મકવાણા અને રોહિત ભાથીભાઈ ચૌહાણે પણ હુમલો કર્યો હતો. 


ભરત મકવાણાએ લાકડાના ડંડાથી કુશાનના માથા પર અને રોહિતે લોખંડની સળિયાથી શરીર પર માર માર્યો હતો. અરુણભાઈએ મિત્રને બચાવવા પ્રયાસ કરતાં તેને પણ માર મારવામાં આવ્યો હતો. કુશાનને ગંભીર ઇજા થતાં તેને છાણી સ્થિત શ્રીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર છે.ઇજાગ્રસ્ત કુશાનના ભાઈ ઉપેન્દ્રસિંહ ચૌહાણે પોલીસ કમિશનરને રજૂઆત કરતાં કહ્યું, “મારા ભાઈની હાલત ખૂબ જ ગંભીર છે. હુમલામાં અનેક લોકો સામેલ હતા, પરંતુ પોલીસે માત્ર ૪ આરોપીઓ સામે સામાન્ય કલમો નોંધી છે. હત્યાના પ્રયાસની કલમ ઉમેરવામાં આવી નથી. અમે કડક કાર્યવાહીની માંગ કરીએ છીએ.”જવાહરનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.ટી. દેસાઈએ જણાવ્યું કે ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. ત્રણ ટીમો, એલસીબી ઝોન-૧ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીઓની શોધમાં લાગી છે. જરૂર પડશે તો વધુ કલમો ઉમેરવામાં આવશે.આ ઘટનાએ વડોદરામાં સિક્યોરિટી ગાર્ડ્સના વર્તન અને પોલીસ તંત્રની કાર્યપ્રણાલીને લઈને ચર્ચા જગાવી છે. પરિવારે આરોપીઓ સામે કડક કાર્યવાહી અને હત્યાના પ્રયાસની કલમ ઉમેરવાની માંગ કરી છે.

Reporter: admin

Related Post