મહારાષ્ટ્રમાં યુગાન્ડાના ઝિકા વાયરસે ફરી માથું ઉચક્યું છે. મહારાષ્ટ્રના પુણેમાં ઝિકા વાયરસ ફેલાઈ રહ્યો છે. પુણે શહેરમાં સક્રમણના 6 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. ખાસ વાત એ છે કે આમાં બે ગર્ભવતી મહિલાઓ પણ સામેલ છે.
રાજ્ય આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યાનુસાર, પુણેના એરંડવાને વિસ્તારની 28 વર્ષની ગર્ભવતી મહિલામાં ઝિકા વાયરસથી સંક્રમિત થઈ છે. મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સિવાય અન્ય એક 12 સપ્તાહની ગર્ભવતી મહિલા પણ ઝિકા વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. હાલ બંને મહિલાઓની હાલત સ્થિર છે. જો ગર્ભવતી મહિલાઓ ઝિકા વાયરસનો શિકાર થાય તો ભ્રૂણમાં માઇક્રોસેફલી થઈ શકે છે. આ એવી સ્થિતિ છે જેમાં મગજના અસામાન્ય વિકાસને કારણે માથું ખૂબ નાનું થઈ જાય છે.પુણેમાં ઝિકા વાઈરસના સંક્રમણનો પહેલો કેસ એરાંડવાને વિસ્તારમાં જ નોંધાયો હતો, જ્યારે 46 વર્ષીય ડૉક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ડોક્ટર બાદ તેમની 15 વર્ષની દીકરીનું સેમ્પલ પણ પોઝિટિવ આવ્યું હતું. આ સિવાય મુંઢવા વિસ્તારમાંથી બે સંક્રમિત લોકો મળી આવ્યા છે, જેમાંથી એક 47 વર્ષની મહિલા અને બીજો 22 વર્ષીય પુરુષ છે.પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ તમામ દર્દીઓ પર નજર રાખી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યાનુસાર, સાવચેતીના પગલા તરીકે, મચ્છરોથી બચવા માટે ફોગિંગ અને ફ્યુમિગેશન જેવા પગલાં લેવામાં આવી રહ્યા છે.ઝિકા વાયરસ સંક્રમિત એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. આ મચ્છર ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાયરસ ફેલાવવા માટે પણ જાણીતું છે. આ વાયરસની ઓળખ સૌપ્રથમ 1947માં યુગાન્ડામાં થઈ હતી.
Reporter: News Plus