વડોદરા નજીકના એક ગામમાં એક દીકરાને લઈ લગ્ન કરનાર વહુએ છ મહિનામાં જ પોત પ્રકાશ્યું હતું અને સાસુના કપડા ફેંકી દઈ ઘરમાંથી કાઢી મુકતા સાસુએ અભયમની મદદ લીધી હતી. સાવલી ખાતે રહેતી વિધવાએ કહ્યું છે કે, મારા પતિનું અવસાન થયા બાદ કુંવારો પુત્ર જવાબદારી નિભાવતો હતો. મારો પુત્ર એક સંતાનની માતાના સંપર્કમાં આવ્યો હતો અને તેની સાથે લગ્ન કરવા માંગતો હોવાથી મેં તેને સમજાવ્યો હતો કે તું ઉંમરમાં નાનો છે અને હજી તને કુંવારી કન્યા મળી જશે.પરંતુ તે માનવા તૈયાર ન હતો અને છ મહિના પહેલા લગ્ન કરીને તેને અમારે ઘેર લઈ આવ્યો હતો. પરંતુ વહુને હું ગમતી નથી અને તે મને કાઢી મુકવા પેંતરા રચે છે.મને ઘરમાંથી કાઢી મુકવા માટે દબાણ વહુ દબાણ કરતી હોવાથી મેં આ ઘર મારું છે અને તારા સસરા સાથે મહેનતથી બનાવ્યું છે તેમ કહ્યું હતું. પરંતુ વહુ મને એમ કહે છે કે જ્યાં સુધી તમારા પતિ જીવતા હતા ત્યાં સુધી આ ઘર તમારું હતું હવે આ ઘર મારું છે. મહિલાએ કહ્યું છે કે, વહુએ મારા તમામ કપડા પેક કરી બહાર ફેંકી દીધા હતા અને મને પણ કાઢી મૂકી હતી. અભયમની ટીમે વહુને ઘરડા માતા-પિતાને લગતા કાયદાની સમજ આપી હતી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે ચીમકી આપતાં આખરે તેણે પોતાની ભૂલ કબૂલી લેખિતમાં માફી માગી લઈ સાસુની સેવા કરવાની બાહેધરી આપી હતી.
Reporter: News Plus